North Korea Cluster Warhead: ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેની પાસે ઈરાન જેવું હથિયાર છે. આ સપ્તાહમાં તેને ક્લસ્ટર બોમ્બવાળી બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. હ્વાસોંગ-11 બેલેસ્ટિક મિસાઇલ 6થી 7 હેક્ટરના ક્ષેત્રને સંપૂર્ણ રીતે રાખ કરી શકે છે. ઉત્તર કોરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે તેને દક્ષિણ કોરિયા સામે પરમાણુ શક્તિ વધારવા ત્રણ દિવસ સુધી નવી વેપન સિસ્ટમનો ટેસ્ટ કર્યો.
પરમાણુ હુમલાના હથિયારોને વધુ મજબૂત બનાવીશું
ઉત્તર કોરિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે આ અઠવાડિયે તેણે ઘણી નવી વેપન સિસ્ટમ્સનું પરીક્ષણ કર્યું છે. જેમાં બેલેસ્ટિક મિસાઇલો પણ સામેલ છે જેમાં ક્લસ્ટર બોમ્બ વાળા વોરહેડ્સ લાગેલા હતા. દક્ષિણ કોરિયા સામે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હુમલાના હથિયારોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉત્તર કોરિયાની મીડિયાનો દાવો
ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ સમાચાર આપ્યા છે. આ સમાચાર દક્ષિણ કોરિયાની સેનાના રિપોર્ટના એક દિવસ પછી આવ્યા છે. દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે તેણે ઉત્તર કોરિયાના પૂર્વી તટીય વિસ્તારમાંથી ઘણી મિસાઇલો છોડવામાં આવતી જોઈ હતી. બે દિવસમાં આ બીજી વખત હતું જ્યારે ઉત્તર કોરિયાએ મિસાઇલો છોડી હતી.
ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી KCNAએ જણાવ્યું કે પરીક્ષણ સોમવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ચાલ્યું. આ પરીક્ષણોમાં બેલેસ્ટિક મિસાઇલોની સાથે ક્લસ્ટર વોરહેડ્સ, એન્ટી-એરક્રાફ્ટ હથિયારો, ઈલેક્ટ્રોમેગ્નેટિક હથિયારો અને કાર્બન ફાઇબર બોમ્બ પણ સામેલ હતા.
દક્ષિણ કોરિયાએ શું કહ્યું?
દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે બુધવારે છોડવામાં આવેલી મિસાઇલો 240થી 700 કિલોમીટર સુધી ઉડી હતી અને સમુદ્રમાં પડી હતી. મંગળવારે પ્યોંગયાંગ પાસેથી પણ ઓછામાં ઓછું એક પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યું હતું. જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે બુધવારે છોડવામાં આવેલા હથિયારો તેના વિશેષ આર્થિક ક્ષેત્રના પાણીમાં પ્રવેશ્યા નથી. અમેરિકન સેનાએ પણ કહ્યું છે કે મંગળવાર અને બુધવારના લોન્ચિંગથી અમેરિકા કે તેના સાથી દેશોને કોઈ તાત્કાલિક ખતરો નથી.
ક્લસ્ટર વોરહેડ શું છે અને કેટલું ખતરનાક?
KCNAએ જણાવ્યું કે હ્વાસોંગ-11 બેલેસ્ટિક મિસાઇલ પર ક્લસ્ટર મુનિશન વોરહેડ લગાવીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ રશિયાની ઈસ્કંદર મિસાઇલ જેવી લાગે છે. તે ઓછી ઊંચાઈ પર ઉડે છે અને દિશા બદલી શકે છે, જેના કારણે દુશ્મનની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તેને રોકી શકતી નથી. જ્યારે આ ટૂંકા અંતરની મિસાઇલ ક્લસ્ટર વોરહેડથી સજ્જ હોય છે, ત્યારે તે 6.5થી 7 હેક્ટર (16થી 17.2 એકર) વિસ્તારને રાખમાં ફેરવી શકે છે. આટલી મોટી જગ્યા પર તે સૌથી વધુ ઘાતક શક્તિથી હુમલો કરી શકે છે.
દક્ષિણ કોરિયાની સેનાની કોઈ ટિપ્પણી નહીં
દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયાના આ દાવા પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. આ લોન્ચિંગ કોરિયા વચ્ચે સતત વધી રહેલા તણાવને દર્શાવે છે. આનાથી દક્ષિણ કોરિયાની આશા ઓછી થઈ ગઈ છે કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે.
'દુનિયાને હેરાન કરનારા મૂર્ખ'
મંગળવારે રાત્રે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રથમ ઉપ મંત્રી જાંગ કુમ ચોલે નિવેદન આપ્યું કે દક્ષિણ કોરિયા હંમેશા ઉત્તર કોરિયાનો સૌથી મોટો દુશ્મન દેશ રહેશે. તેમણે દક્ષિણ કોરિયાની ઉદાર સરકારની મજાક ઉડાવી અને કહ્યું કે જો તેઓ વાતચીત પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તેઓ દુનિયાને હેરાન કરનારા મૂર્ખ છે.
કિમ જોંગ ઉનની રણનીતિ શું છે?
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને 2019માં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પરમાણુ વાતચીત નિષ્ફળ ગયા પછી દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથેની લગભગ તમામ ડિપ્લોમેસી રોકી દીધી છે. ત્યારથી તેમણે પરમાણુ હુમલાની મિસાઇલોનો વિકાસ ઝડપી બનાવ્યો છે જે એશિયામાં અમેરિકાના સાથી દેશો અને અમેરિકી મુખ્ય ભૂમિને પણ જોખમમાં મૂકી શકે છે.
આ પણ વાંચો: જો ડીલ તૂટશે તો ઈરાન પર ઘાતક કાર્યવાહી કરીશું...', સીઝફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
ઈરાન જેવા હથિયારો
કિમ જોંગ ઉન હવે રશિયા, ચીન અને અમેરિકા સાથે ટકરાવમાં ફસાયેલા અન્ય દેશો સાથે ગાઢ સંબંધો બનાવી રહ્યા છે. આનાથી તેઓ પોતાની અલગ-થલગ સ્થિતિમાંથી બહાર આવવા માંગે છે અને ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે બે દિવસની મુલાકાતે દેશ પહોંચી રહ્યા છે. ઉત્તર કોરિયાનું આ પરીક્ષણ દક્ષિણ કોરિયા સાથે તણાવ વધારી રહ્યું છે. ક્લસ્ટર વોરહેડ જેવા હથિયારો ઈરાન જેવા હથિયારો સાથે મળતા આવે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર કોરિયા સતત પોતાના હથિયારોને નવા અને મજબૂત બનાવી રહ્યું છે.


