અમેરિકામાં નોર ઈસ્ટર વાવાઝોડું ત્રાટક્યું, 400થી વધુ ફ્લાઈટ રદ, અનેક શહેરોમાં પૂર, વીજળી ઠપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Nor'easter Storm: અમેરિકાના પૂર્વ કિનારા પર શક્તિશાળી 'નોર ઇસ્ટર' (Nor easter) વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. વોશિંગ્ટન ડીસીથી લઈને ઉત્તરપૂર્વીય અમેરિકાના મૈને (Maine) સુધી ભારે પવન, ધોધમાર વરસાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જ્યારે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે.

400થી વધુ ફ્લાઇટ્સ રદ, 1300થી વધુ વિલંબિત
અહેવાલો અનુસાર, નોર ઇસ્ટર વાવાઝોડાની સીધી અસર હવાઈ વાહનવ્યવહાર પર પડી છે. શનિવારે (26મી સપ્ટેમ્બર) અમેરિકા આવતી-જતી આશરે 425 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 1338 જેટલી ફ્લાઇટ્સ સમયસર ઉપડી શકી નહોતી. સપ્તાહના અંતે પ્રવાસ કરી રહેલા હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ પડ્યા હતા.
ભારે પવન અને વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો, ડાળીઓ તેમજ વીજળીના થાંભલા પડી જતાં પાવર સપ્લાય ખોરવાઈ ગયો હતો. ન્યૂ જર્સી, કનેક્ટિકટ, ન્યૂયોર્ક અને પેન્સિલવેનિયા જેવા રાજ્યોમાં 1,19,000થી વધુ ઘરો, દુકાનો અને ઓફિસો અંધારપટમાં ગરકાવ થઈ ગયા હતા. એકલા લોંગ આઇલેન્ડમાં જ 13,300થી વધુ ગ્રાહકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા હતા.

ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં કટોકટી જાહેર, સોમવાર સુધી ઍલર્ટ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક સિટી સહિત તોફાનથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ (State of Emergency) જાહેર કરી દેવામાં આવી છે. કનેક્ટિકટ રાજ્યએ પણ પોતાના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને સક્રિય કરી દીધું છે. યુએસ નેશનલ વેધર સર્વિસે સોમવાર સુધી મિડ-એટલાન્ટિક અને ન્યૂ ઇંગ્લેન્ડ ક્ષેત્રમાં ગંભીર હવામાન, ખતરનાક સમુદ્રી મોજા અને ભારે વરસાદની કડક ચેતવણી આપી છે.




