લાઈટથી મગજને કંટ્રોલ કરતી ટેકનિક વિકસાવનારા ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કાર્લ ડીસેરોથ, પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને પ્રતિષ્ઠિત સન્માન
- ત્રણેય વૈજ્ઞાનિકોના એપ્ટોજેનેટિક્સ સંશોધનના કારણે ખુશી, પીડા, ભય, હતાશા, સ્મરણશક્તિ વગેરે સમજવામાં મદદ મળી : ઓપ્ટોજેનેટિક્સ રિસર્ચના પરિણામે ભવિષ્યમાં પાર્કિન્સન્સ, વાઈ જેવા રોગોનો ઈલાજ શોધવામાં સરળતા રહેશે
સ્ટોકહોમ : સ્વીડન સ્થિત નોબેલ કમિટીએ મેડિસીનનું પ્રાઈઝ જાહેર કર્યું છે. અમેરિકાના સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કાર્લ ડિસેરોથ, જર્મનીની હમ્બોલ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર હેગેમેન અને જર્મનીની જ બુર્જબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર જ્યોર્જ નાગેલને તેમના ન્યૂરોસાયન્સના રિસર્ચ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જાહેર થયો છે. આ ત્રણેય સંશોધકોએ દિમાગને પ્રકાશની કાબૂ કરવાની ટેકનિક વિકસાવી છે તે ઉપરાંત વિવિધ ભાવોને સમજવા માટે સંશોધનો કર્યા છે. નોબેલ કમિટીએ નોંધ કરી હતી કે આ ત્રણ સાયન્ટિસ્ટના સંશોધનોથી મગજના તંત્રને સમજવાના યુગનો આરંભ થયો છે.
સ્વીડનના સ્ટોકહોમમાં આવેલી કેરોલિન્સ્કા ઈન્સ્ટિટયૂટના હોલમાં નોબેલ કમિટીએ મેડિસીનના નોબેલની જાહેરાત કરી હતી. નોબેલ સપ્તાહની શરૂઆતમાં પહેલા જ દિવસે ત્રણ વૈજ્ઞાનિકોને સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ૧.૨ કરોડ ડોલરનો પુરસ્કાર ત્રણેય વૈજ્ઞાનિકોને આપવામાં આવશે. અમેરિકાના વૈજ્ઞાનિક કાર્લ ડિસેરોથ અને જર્મનીના બે સંશોધકો - પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને તેમના ઓપ્ટોજેનિટિક્સના વર્ક માટે નોબેલ આપવામાં આવશે.
આ ત્રણેય સંશોધકોએ ન્યૂરોસાયન્સમાં એવી દિશાના સંશોધનને વેગ આપ્યો કે જેના કારણે માનવીય ભાવનાઓ સમજવામાં મદદ મળી. પ્રકાશની મદદથી દિમાગને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય, અથવા તો પ્રકાશની મગજ પર કેવી અસર થાય છે તે આ સંશોધકોના સંશોધનોના પરિણામે દુનિયાને ખબર પડી. ખાસ તો સ્મરણશક્તિથી લઈને ચાલવું, બોલવું વગેરે જે ક્રિયા છે તે કેવી રીતે કામ કરે છે એની જાણકારી મળી. એટલું જ નહીં, પ્રેમ, ભય, હર્ષ, હતાશા વગેરે ભાવોને સમજવામાં પણ મદદ મળી.
તેમના સંશોધનોના કારણે ભવિષ્યમાં પાર્કિન્સન્સ, વાઈ જેવી દિમાગના કારણે થતી બીમારીઓને વધારે ઊંડાણથી સમજીને ઈલાજ કરી શકાશે.
ડિપ્રેશન જેવી આજના જમાનાની કોમન થઈ રહેલી સમસ્યાનો પણ યોગ્ય ઉકેલ લાવવામાં તેમના સંશોધનો દિશા ચીંધશે. નશાની લતથી લઈને કોઈ રીતે આંખોની રોશની ચાલી જાય તો તેનો ઈલાજ કેવી રીતે કરી શકાય તે પણ તેમના સંશોધનોના કારણે સમજી શકાશે.
શેવાળથી શરૂ થયેલું સંશોધન નોબેલ સુધી પહોંચ્યું
પાણીમાં જે શેવાળ બને છે, જેને અંગ્રેજીમાં એલ્ગી કહેવાય છે તે પ્રકાશથી આકર્ષાઈને તેના પર ફરે છે. આ નિરીક્ષણના આધારે હેગેમેનનું સંશોધન આગળ વધ્યું. તેમણે અને જ્યોર્જ નાગેલે શેવાળમાંથી એક ખાસ પ્રકારનું પ્રોટીન શોધ્યું. આ પ્રોટીન પ્રકાશનો અનુભવ કરીને રિએક્ટ કરતું હતું. આ સંશોધન પછી ઉંદરો પર થયું તો પરિણામ એ જ મળ્યું. ઉંદરોના દિમાગમાં ખાસ પ્રકારનું પ્રોટીન મળ્યું, જે પ્રકાશને અનુભવતું હતું.
૨૦૦૫ માં આ રિસર્ચ પેપર રજૂ થયું પછી ઓપ્ટોજેનેટિક્સ રિસર્ચને દિશા મળી. પીટર અને જ્યોર્જના રિસર્ચને કાર્લ ડીસેરોથે નવી દિશામાં આગળ વધાર્યું. આ અમેરિકન વૈજ્ઞાનિકે તેમના સીનિયર્સના સંશોધનમાં ઉમેરો કરીને પ્રોટીનને નર્વ સિસ્ટમ સાથે જોડી દીધું. તેમણે પ્રકાશ કેવી રીતે દિમાગ પર અસર કરે છે એ શોધી કાઢ્યું.




