World

કતારમાં કોઈ મંત્રણા યોજાવાની નથી અમેરિકનોને જવું હોય તો જાય : ઈરાન

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
ઈરાને ટ્રમ્પના અમેરિકા-ઈરાન વચ્ચે દોહામાં મંત્રણાના દાવાને ફગાવી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે, કતારમાં તેમના પ્રતિનિધિઓ અન્ય કામે ગયા છે, તેનો મંત્રણા સાથે કોઈ સંબંધ નથી. ઈરાનને અમેરિકા સાથે કોઈપણ સ્તરે વાતચીત કરવાની નથી. જોકે, અમેરિકી પ્રતિનિધિ મંડળ દોહા જશે તેમ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કતારમાં કોઈ મંત્રણા યોજાવાની નથી અમેરિકનોને જવું હોય તો જાય : ઈરાન
  • ઈરાને ટ્રમ્પના દાવાને ફગાવી દીધો
    આગામી દિવસોમાં કોઈ પણ સ્તરે અમારે અમેરિકનો સાથે મીટિંગ યોજવાની નથી : કતારમાં અમારા પ્રતિનિધિઓ અન્ય કામે ગયા છે

    તહેરાન : પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકા-ઈરાન વચ્ચે દોહામાં મંત્રણા યોજાવાની છે. પરંતુ ઈરાને મંગળવારે આ દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે, કતારમાં કોઈ મંત્રણા યોજાવાની નથી. અમેરિકનોને જવું હોય તો જાય. આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ ઈરાનનું પણ એક પ્રતિનિધિ મંડળ કતારમાં દોહામાં જવાનું છે, તે વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, તેઓ અન્ય કામે જવાના છે, તેને અને મંત્રણાઓને કોઈ સંબંધ નથી. અમારે અમેરિકનો સાથે કોઈપણ સ્તરે કે કોઈપણ તબક્કે કશી જ મંત્રણા કરવાની નથી.
    તેઓએ આગળ કહ્યું કે, અમેરિકન પ્રતિનિધિ મંડળ કતાર જઈ રહ્યું છે તે સત્ય છે, પરંતુ તેને અને ઈરાન પ્રતિનિધિ મંડળ જે કતાર જવાનું છે. તેને અમેરિકી પ્રતિનિધિ મંડળ સાથે કશી લેવા-દેવા નથી.
    બાધાઈએ કહ્યું હતું કે, સર્વગ્રાહી કરારો વિષેની મંત્રણા જ હજી શરૂ થઈ નથી. આખરી સમજૂતી કે કરારોનાં માળખાં વિષે પણ અમે પહેલાં તબક્કાની મંત્રણા સુધી પણ પહોંચ્યા નથી.
    મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) અંગે બાઘાઈએ કહ્યું હતું કે, આખરી કરારો અંગેની મંત્રણા વિધિવત્ શરૂ થાય તે પહેલાં પારસ્પરિક વિશ્વાસ સ્થપાવો જોઈએ. તે એગ્રીમેન્ટના મુસદ્દામાં આર્ટિકલ-૧૧નો ઉલ્લેખ છે. તે પ્રમાણે અમેરિકાએ ઈરાનને તેની તમામ જપ્ત કરેલી મિલકતો પાછી આપી દેવી જોઈએ. તે માટે બંનેને સ્વીકાર્ય બને તેવી ગતિવિધિ પણ હોવી જોઈએ. તેમજ જરૂરી લાઇસન્સો તથા ઓથોરાઈઝેશન્સ પણ અપાવાં જોઈએ. જેથી કાર્યવાહી સરળ બને.
    આ ૧૪ પોઈન્ટના એમઓયુના આર્ટિકલ ૧૩ પ્રમાણેની આખરી સમજૂતી માટેની મંત્રણા ત્યારે જ શરૂ થઈ શકે કે જ્યારે તેની પાંચ કલમોનો અમલ શરૂ થઈ ગયો છે અને તે અમલ ચાલુ રહેશે. પહેલાં તો તે માટેની પ્રતિબદ્ધતા બંને પક્ષોએ દર્શાવવી જ જોઈએ. તેમ પણ ઈરાનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
    દરમિયાન વ્હાઈટ હાઉસના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકાફે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીનીયર એડવાઇઝર જારેડ કુશનેર દોહા જવા રવાના થવાના છે. તેઓ રાજદ્વારી વાટાઘાટો કરશે. તેમજ હોર્મૂઝ-સ્ટ્રેઈટસમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ અંગે પણ ચર્ચા કરશે.
    વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવિટ્ટેએ આ અંગે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ મંત્રણાઓ થવાની જ છે તેમ કહ્યું હતું. સાથે ઉમેર્યું હતું કે આ મિટીંગ ઈરાનની વિનંતિને પગલે કરવામાં આવી છે. પ્રમુખ ટ્રમ્પ તે જોવા માગે છે કે આ શાંતિ માટેની ગતિવિધિ ચાલુ રહે તેઓએ ઈરાનને સમજૂતી ઉપર આવવા અનુરોધ કર્યો છે.