Get The App

ઇરાનમાં પાવર પ્લાન્ટ પર પાંચ દિવસ હુમલા નહીં : ટ્રમ્પ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનમાં પાવર પ્લાન્ટ પર પાંચ દિવસ હુમલા નહીં : ટ્રમ્પ 1 - image

- હોર્મુઝની ખાડી ખોલવા માટે 48 કલાકની સમય મર્યાદા પૂરી થયા પહેલાં જ અચાનક જાહેરાત

- ઈરાનમાં 'સન્માનીય નેતા' સાથે બે દિવસથી ચાલતી વાટાઘાટો પછી પાવર પ્લાન્ટ પર હુમલા નહીં કરવા નિર્ણય લેવાયાનો અમેરિકાનો દાવો

- ટ્રમ્પ દગાખોર છે, અમેરિકા સાથે વાતચીતના બધા જ દરવાજા બંધ થઈ ગયા : ઈરાનના વિદેશ મંત્રી

- તાકાતથી જ શાંતિ આવે છે  ટ્રમ્પનો દુનિયાને સંદેશો

વોશિંગ્ટન: ઈરાન હોર્મુઝની ખાડીની નાકાબંધી 48 કલાકમાં નહીં ખોલે તો તેના પાવર પ્લાન્ટ ઉડાવી દઈશું તેવી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી. આ સમય મર્યાદા પૂરી થવાના સમયે અચાનક જ પ્રમુખ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. આ સાથે ટ્રમ્પે ફરી એક વખત આકરું વલણ દર્શાવતા 'તાકાતથી જ શાંતિ' આવે છેની તેમની માન્યતા પર ભાર મૂક્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે છેલ્લા બે દિવસથી  ચાલતી સકારાત્મક વાટાઘાટોના પગલે આ નિર્ણય લેવાયો છે. જોકે, આ પહેલા ઈરાને પ્રમુખ ટ્રમ્પ પર દગાખોરીનો આક્ષેપ કરતાં અમેરિકા સાથે વાતચીતના બધા જ દરવાજા બંધ થઈ ગયા હોવાની જાહેરાત કરી હતી. જોકે, ટ્રમ્પે પાંચ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરતાં ઈરાને કહ્યું કે તેમની ધમકીથી ટ્રમ્પ ડરી ગયા હોવાથી હવે વાટાઘાટો કરવાની વાતો કરી રહ્યા છે.

ઇરાને જણાવ્યું હતું કે અમે ધમકી આપી હતી કે જો અમારા ઉર્જા માળખા પર હુમલો કરવામાં આવ્યો તો અમે મધ્યપૂર્વના બધા ઉર્જા માળખા પર હુમલા કરીશું. ઇરાનના સરકારી ટીવીના જણાવ્યા મુજબ ઇરાનની આકરી ચેતવણી પછી અમેરિકન પ્રમુખે પારોઠના પગલાં ભર્યા. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે બંને દેશ વચ્ચે મધ્યપૂર્વમાં તનાવ ખતમ કરવા માટે ગંભીર સ્તરે ચર્ચા ચાલી રહી છે. આ વાતચીતનો ટોન સકારાત્મક હોવાથી હુમલાને અસ્થાયી રીતે રોકવાનો નિર્ણય લીધો છે.

તેમણે એમપણ સ્પષ્ટ કર્યુ હતું કે આ મંત્રણામાં થનારી પ્રગતિના આધારે જ આગામી લશ્કરી પગલું નક્કી થશે. ઉલ્લેખનીય છે કે તેના એક દિવસ પહેલા ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી હતી કે હોર્મુઝની ખાડી ૪૮ કલાકમાં ખોલવામાં ન આવી તો તેના ઉર્જા માળખાને નિશાન બનાવી શકાય છે. તેની સામે ઇરાને પણ આવી જ વળતી કાર્યવાહી કરતા અમેરિકાના સમર્થક દેશોના ઉર્જા માળખાને નિશાન બનાવવાની ધમકી આપી હતી. 

મધ્યપૂર્વમાં તેજ બનતા યુદ્ધ વચ્ચે ઇરાને અમેરિકા સાથેની વાતચીત ખતમ કરવાની જાહેરાત કરી છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે અમેરિકાએ વારંવાર જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી નહી થાય. આમ છતાં તેણે હુમલો કર્યો અને ઇરાનના વિશ્વાસને તોડયો. સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા વિડીયોમાં અરાગચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેની મંત્રણા હંમેશા માટે ખતમ થઈ ગઈ છે. તેમની સાથેનો અમારો અનુભવ અત્યંત કડવો રહ્યો છે અને અમારે તેમા કાયમ છેતરાવવું જ પડયું છે.

આ દરમિયાન ઇરાનની સુરક્ષા પરિષદે ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયેલે દરિયાકિનારા તેના દ્વીપો પર કોઈ હુમલો કર્યા છે તો તે આખી અખાતની ખાડીમાં દારુગોળો પાથરી દેશે. તે વિસ્ફોટક સુરંગોથી આખી ખાડીને ભરી દેશે.

 જો ઇરાન આવું કરે છે તો ખાડી ક્ષેત્રમાં જહાજોના રસ્તા અને સંચાર વ્યવસ્થા પર અત્યંત વિપરીત અસર પડશે.