World

પહલગામ ઍટેક: હાફિઝ સઈદના પાપોના હિસાબનો સમય! સમન્સ પાઠવશે NIA, હાજર નહીં થાય તો આ રીતે કરાશે કાર્યવાહી

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
NIA દ્વારા પહલગામ આતંકી હુમલા કેસમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને સમન્સ મોકલાશે. વિદેશ મંત્રાલય મારફતે જમ્મુની સ્પેશિયલ NIA કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો છે. સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરાયું છે. તેની ગેરહાજરીમાં પણ કેસ ચલાવવાની જોગવાઈ છે. સઈદ પર ભારત સામે યુદ્ધ છેડવાનો આરોપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહલગામ ઍટેક: હાફિઝ સઈદના પાપોના હિસાબનો સમય! સમન્સ પાઠવશે NIA, હાજર નહીં થાય તો આ રીતે કરાશે કાર્યવાહી

NIA to Send Court Summons to Hafiz Saeed | પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને મુખ્ય કાવતરાખોર આતંકવાદી હાફિઝ સઈદને સમન્સ મોકલવામાં આવશે.

વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ મોકલાશે

NIA દ્વારા આ સમન્સ વિદેશ મંત્રાલય મારફતે મોકલવામાં આવશે, જેમાં હાફિઝ સઈદને કેસની સુનાવણી માટે જમ્મુ સ્થિત સ્પેશિયલ NIA કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. સ્પેશિયલ કોર્ટે સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કર્યું છે. NIA દ્વારા તેને આ હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ્સમાંનો એક દર્શાવવામાં આવ્યો છે.

હાફિઝ સઈદ હાજર નહીં થાય તો પણ કેસ ચાલશે

જો હાફિઝ સઈદ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ કોર્ટ સમક્ષ હાજર નહીં થાય, તો જમ્મુ કોર્ટ તેની ગેરહાજરીમાં પણ કાર્યવાહી આગળ વધારી શકે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 356 હેઠળ એવી જોગવાઈ છે કે જો કોઈ જાહેર કરાયેલો ગુનેગાર ટ્રાયલથી બચી રહ્યો હોય અને તેની તાત્કાલિક ધરપકડની કોઈ શક્યતા ન હોય, તો તેની ગેરહાજરીમાં પણ પૂછપરછ, ટ્રાયલ અને ચુકાદો જાહેર કરી શકાય છે.

હાફિઝ સઈદ વિરુદ્ધ ભારતમાં કઈ કલમ લગાવાઈ?

NIA દ્વારા જુલાઈમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં હાફિઝ સઈદનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે. તેને વ્યક્તિગત ક્ષમતામાં તેમજ પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ના વડા તરીકે આરોપી બનાવવામાં આવ્યો છે.

સઈદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023 અને UAPA હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. તેમાં ભારત સામે યુદ્ધ છેડવું અને પાકિસ્તાનથી આતંકી હુમલાનું કાવતરું ઘડવાના ગંભીર આરોપો સામેલ છે.