નેતન્યાહૂની ઈરાનને ખુલ્લી ચેતવણી: 'ભ્રમમાં ન રહેતા, આ વખતે બેગણી તાકાતથી પ્રહાર કરીશું'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel PM Benjamin Netanyahu Warns Iran : સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે, અને સમગ્ર ખાડી વિસ્તાર ભારે તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
નેતન્યાહૂએ 'નેગેવ સમિટ' (Negev Summit) દરમિયાન ઈરાન સરકારને ચેતવણી આપતા કહ્યું કે, 'જો તમે અમારા પર હુમલો કરશો તો, એવું ન સમજતા કે, બધું શાંત રહેશે. એવું પણ ન વિચારતા કે, આ વખતે પણ ગત વખત જેવું જ થશે. એવું બિલકુલ નહીં થાય. આ વખતની પ્રતિક્રિયા એકદમ અલગ અને પહેલા કરતાં ક્યાંય વધુ શક્તિશાળી હશે.'
'એક્સિસ ઓફ ઈવિલ' ને સખત જવાબ
નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, 'એ દિવસો હવે પૂરા થઈ ગયા છે, જ્યારે કોઈ આપણને નુકસાન પહોંચાડે અને આપણે તેનો બમણી તાકાતથી જવાબ ન આપીએ. અમે ઈરાનના 'એક્સિસ ઓફ ઈવિલ' (Axis of Evil) વિરુદ્ધ આવું જ કર્યું છે, અને જે પણ આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે, તેની સામે ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. આ જ અમારી રીત છે.'
ટ્રમ્પનું નિવેદન અને કરાર ભંગ
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા આ યુદ્ધની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજી પણ ચાલુ છે. ટ્રમ્પે ઈરાન સાથે ગયા મહિને થયેલા એમઓયુ (MoU) ને માત્ર એક 'ટેસ્ટ' ગણાવતા કહ્યું કે, તેઓ આમાંથી બહાર નીકળવાનું પસંદ કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'અમેરિકામાં આ એક સ્ટાન્ડર્ડ ટેક્ટિક છે કે, તમે પહેલા એક કરાર પર સાઇન કરો છો, અને પછી ફાઇનલ એગ્રીમેન્ટ તરફ આગળ વધો છો. આ એક પ્રકારનો ટેસ્ટ હતો, અને ઈરાન તેના માટે તૈયાર નહોતું, તેમણે આ ટેસ્ટનું સન્માન કર્યું નથી.'
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) કરાર થયો હતો, જેના હેઠળ પરમાણુ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે 60 દિવસનો સમય નક્કી કરાયો હતો. પરંતુ હવે આ કરાર સંપૂર્ણપણે તૂટી ગયો છે, અને મિડલ ઈસ્ટમાં બંને પક્ષો તરફથી ફરીથી હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે.









