તેલઅવીવ,૨૩ માર્ચ,૨૦૨૬,સોમવાર
ઇઝરાયેલ -અમેરિકા અને ઇરાનનું યુધ્ધ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઇરાનમાં સત્તા પરિવર્તન કરીને સરળતાથી જીત મેળવી શકાશે એવી ઇઝરાયેલની જાસુસી મોસાદની થિએરી ખોટી પડતા ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુને ઝાટકો લાગ્યો છે. એક અહેવાલ અનુસાર ઇરાનની સત્તા નબળી પાડીને વિદ્રોહ ભડકાવી શકાય છે એવી ધારણા ખોટી પડતા નેતન્યાહુ મોસાદ પ્રમુખથી નારાજ હોવાનું માનવામાં આવે છે. યુધ્ધ શરુ થયું તે પહેલા મોસાદ ચીફે નેતન્યાહુને એક રિપોર્ટ આપ્યો હતો કે ઇરાનના ખોમેની શાસનને નબળું પાડીને તોફાનો ભડકાવીને રુઢિચૂસ્ત ઇસ્લામિક સત્તાને બદલી શકાય છે. જો કે આ સપનું ત્રણ સપ્તાહના યુધ્ધ પછી પણ સાકાર થયું નથી.
ઇઝરાયેલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ મોસાદ દ્વારા તૈયાર કરાયેલા પ્લાનના આધારે જ નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વાસમાં લઇને ઇરાન પર હુમલાની યોજના બનાવી હતી. એ સમયે ઇરાનમાં ખોમેનેઇ શાસન વિરોધી આંદોલન ચાલતું હોવાથી બંને રાષ્ટ્રાધ્યક્ષોની વાત સાચી લાગી હતી. મોસાદ ચીફ ડેવિડ બાર્નિયાએ નેતન્યાહુની મુલાકાત કરીને ઇરાનના ટોચના નેતાઓને ખતમ કરીને ઇરાનના શાસનને અસ્થિર કરી શકાય છે એવી વાત કરી હતી. વ્હાઇટ હાઉસને જાણ કરવામાં આવતા સીઆઇએ પણ અહેવાલ પર સંમતિ દર્શાવી હતી. આના આધારે જ ખોમેનેઇ પણ જીવલેણ હુમલો થયા પછી યુએસ પ્રમુખ ટ્રમ્પે ઇરાનના લોકોને કાયદો હાથમાં લઇને સત્તા ઉખાડીને ફેંકી દેવાનું આહવાન કર્યુ હતું.

જો કે આ મોટા હુમલા પછી પણ ઇરાનમાં કોઇ મોટું જન આંદોલન થયું ન હતું. હવે અમેરિકા અને ઇઝરાયેલી અધિકારી પણ એ વાતનો સ્વીકાર કરે છે તે સત્તા પરિવર્તન કરવું સરળ નથી. બંને દેશો ઇરાનને નબળું પાડવાના ઉદ્દેશથી કામ કરી રહયા હતા પરંતુ ઇરાન ધારણા કરતા મજબૂત થઇને બહાર આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઇરાનની અંદર જુદા જુદા ધાર્મિક જૂથો વચ્ચે ઘર્ષણ જોવા મળતું હતું એ સાચું હતું પરંતુ તેનાથી લોકતાંત્રિક સરકારની રચના કરવાની શકયતા ઓછી છે. કુર્દિશ અલગાવવવાદીઓ ઇરાનની સરકાર પાડવા મદદ કરશે એ આશા પણ પુરી થઇ નથી.
ત્રણ સપ્તાહ પછી પણ ઇરાનમાં સરકાર વિરોધી કોઇ મોટું આંદોલન થયું નહી ઉલટાનું ઇરાને ઇઝરાયેલ અને અમેરિકાના સહયોગી દેશો પર હુમલા કરવા માંડયા. આ સમગ્ર બાબતને લઇને ઇરાનના વડાપ્રધાન નેતન્યાહુ પોતાની જાસુસી સંસ્થાના પ્રમુખથી નારાજ છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે એક બેઠકમાં એવી પણ ફરિયાદ ઉઠી હતી કે યોજના કામ કરતી નથી અને ટ્રમ્પ તેમના અભિયાનને અટકાવી પણ શકે છે. મોસાદના પૂર્વ પ્રમુખ યોસી કોહેનનું પણ માનવું હતું કે ઇરાનમાં શાસન પરિવર્તન મુશ્કેલ હોવાથી આ દિશામાં ઓછું ધ્યાન આપીને પરમાણુ વૈજ્ઞાાનિકોને ટાર્ગેટ કરવાની રણનીતિ પર વધુ ફોકસ કરવામાં આવી રહયું છે.


