સરહદ વિવાદ મુદ્દે ભારતના કડક વલણ બાદ નેપાળના બાલેન શાહનો યુટર્ન, હવે કહ્યું- ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal India Border Dispute Updates: નેપાળના વડાપ્રધાન બાલેન શાહે રવિવારે તેમના અગાઉના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, નેપાળ-ભારત સરહદ વિવાદને ઉકેલવામાં તેઓ યુનાઇટેડ કિંગડમની કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા ઇચ્છી રહ્યા નથી. ચિતવન જિલ્લામાં આયોજિત રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી(RSP)ના સામાન્ય અધિવેશનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી હતી. બાલેન શાહે ઉમેર્યું કે, કાલાપાની અને લિપુલેખ પર નેપાળ પાસે મજબૂત પુરાવા છે અને તેઓ પડોશી દેશ સાથે સીધી, પુરાવા આધારિત વાતચીત દ્વારા જ આ સરહદી પ્રશ્નો ઉકેલવા માંગે છે, તેથી કોઈએ પણ તેમના રાષ્ટ્રવાદ પર શંકા કરવાની જરૂર નથી.
સંસદમાં આપેલા નિવેદનથી સર્જાયો હતો વિવાદ
આ વિવાદની વિગતવાર માહિતી મુજબ, 31 મેના રોજ પ્રતિનિધિ સભામાં સાંસદોના પ્રશ્નોના જવાબ આપતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે, નેપાળે માત્ર ભારત અને ચીન જ નહીં પરંતુ બ્રિટિશ સરકાર સાથે પણ વાત કરી છે. તેમણે દલીલ કરી હતી કે જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું તે સમયના ઐતિહાસિક દસ્તાવેજો બ્રિટન પાસે હોવાથી તેમણે પણ આ બાબતમાં રસ લેવો જોઈએ. આ ઉપરાંત શાહે એમ પણ કહી દીધું હતું કે નેપાળે પોતે પણ ભારતીય સરહદમાં અતિક્રમણ કર્યું છે. તેમના આ નિવેદનની વિપક્ષી રાજકીય પક્ષો, વિદેશ નીતિના નિષ્ણાતો અને સરહદ વિશ્લેષકો દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.
દાયકાઓ જૂનો છે લિપુલેખ અને કાલાપાનીનો વિવાદ
ભારત અને નેપાળ વચ્ચે સરહદનો વિવાદ દાયકાઓથી સંબંધોમાં ખટાશનું મુખ્ય કારણ રહ્યો છે. બંને દેશો લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીના વિવાદિત વિસ્તારો પર પોતાનો સાર્વભૌમ દાવો કરે છે. હાલમાં આ સમગ્ર વિસ્તાર ભારતીય વહીવટ હેઠળ છે, પરંતુ નેપાળ લાંબા સમયથી તેને પોતાની સાર્વભૌમ જમીનનો એક ભાગ ગણાવે છે. જો કે, બંને પક્ષો હંમેશાં એ વાત પર સહમત રહ્યા છે કે આ વણઉકેલાયેલા સરહદી મુદ્દાઓનો નિકાલ માત્ર રાજદ્વારી વાતચીત અને પરસ્પર સમજૂતી દ્વારા જ થવો જોઈએ.
ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો કડક જવાબ
નેપાળના પીએમના અગાઉના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદને ઉકેલવામાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી. જૂનની શરૂઆતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારોને જણાવ્યું હતું કે, બંને દેશો સરહદી બાબતોને ઉકેલવા માટે સ્થાપિત દ્વિપક્ષીય માળખા દ્વારા કામ કરી રહ્યા છે અને ભારત-નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય મામલાઓમાં અન્ય કોઈ દેશનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી. આ રાજકીય વિવાદની અસર જૂનની શરૂઆતમાં ભાજપના આમંત્રણ પર ભારત પ્રવાસે આવેલા RSP પ્રમુખ રવિ લામિછાનેની મુલાકાત પર પણ જોવા મળી હતી.









