નેપાળમાં વધુ એક મોટી આફતની આશંકા, 72 કલાક 'ભારે'! ગમે ત્યારે તૂટી શકે છે સરોવર- ચીને આપી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Barrier Lake Threat: નેપાળમાં બુધવારે આવેલા વિનાશક પૂરના આંચકામાંથી દેશ હજુ બહાર આવ્યો નથી, ત્યાં નેપાળ-તિબેટ સરહદી ક્ષેત્રમાં એક વિશાળ 'બેરિયર લેક'(કુદરતી સરોવર) સર્જાતાં નવા જળપ્રલયનું ગંભીર જોખમ ઊભું થયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે સત્તાવાર ચેતવણી આપતા જણાવ્યું છે કે આ કુદરતી સરોવર પહેલેથી જ ઓવરફ્લો થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં વધારાનું પાણી આવવાથી તે ગમે ત્યારે તૂટી શકે છે.
30 લાખ ક્યુબિક મીટર પાણીના પ્રવાહની શક્યતા: ચીનનું ઍલર્ટ
ચીનના જળ સંસાધન મંત્રાલયના અંદાજ મુજબ, ગુરુવારે સવાર સુધીમાં આ લેકમાં અંદાજે 20 લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ચૂક્યું છે. ગ્લોબલ ટાઇમ્સ અને ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ અનુસાર, આગામી ત્રણ દિવસમાં આ સરોવરમાં વધુ 30 લાખ ક્યુબિક મીટર પાણી પ્રવેશવાની સંભાવના છે, જેના કારણે આ કુદરતી બંધ તૂટવાનું અત્યંત ઊંચું જોખમ ઊભું થયું છે.
આગામી 72 કલાક પર ભારે, સેટેલાઇટથી રાખવામાં આવી રહી છે નજર
ચીનની સરકાર સેટેલાઇટ અને હાઇડ્રોલોજિકલ સિમ્યુલેશન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી બંધ તૂટવાના સંજોગોમાં નીચાણવાળા વિસ્તારોમાં થનારા સંભવિત નુકસાનનું આકલન કરી શકાય.
ક્યાં બન્યું છે આ ખતરનાક બેરિયર લેક?
- આ કુદરતી સરોવર નેપાળમાં આવેલી 'છોચેન ખોલા' અને 'પુરેપુ ત્સાંગપો' નદીઓના સંગમસ્થળ નજીક ભૂસ્ખલનના કારણે પાણી ભરાવાથી બન્યું છે.
- છોચેન અને પુરેપુ નદીઓ મૂળ તિબેટમાંથી નીકળે છે અને એકબીજા સાથે ભળીને નેપાળમાં પ્રવેશે છે.
- નેપાળમાં પ્રવેશ્યા બાદ આ જળપ્રવાહ 'ભોટેકોશી નદી' તરીકે ઓળખાય છે.
- ભોટેકોશી નદી આગળ જઈને ત્રિશૂલી નદીની મુખ્ય ઉપનદી બને છે.
બચાવ કામગીરી અને નીચાણવાળા વિસ્તારો માટે મોટો પડકાર
આ નવી ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બુધવારે સવારે રસુવા જિલ્લામાં આવેલા ભોટેકોશી નદીના પૂરે તિમુરે અને સ્યાફ્રુબેસી વિસ્તારોમાં રસ્તાઓ, પુલ અને ઈમારતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
નેપાળમાં સેના અને રેસ્ક્યુ ટીમો કાટમાળ અને નદી પ્રવાહમાંથી લોકોને શોધવાના પ્રયાસો કરી રહી છે. મુખ્ય હાઇવે પર વાહનવ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આવા સમયે જો આ નવું બેરિયર લેક તૂટશે, તો ત્રિશૂલી નદીના કાંઠે આવેલા માનવ વસાહતો અને બચાવ કામગીરી પર ફરી મોટો ફટકો પડી શકે છે.




