World

નેપાળના વિનાશક પૂરમાં 300 ભારતીયો ગુમ, કૈલાશ માનસરોવર રૂટ પર જ સૌથી વધુ તબાહી; 175થી વધુના મોત

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા વિનાશક પૂરમાં 175થી વધુના મોત થયા છે. કૈલાશ માનસરોવર યાત્રાના માર્ગ પર આશરે 300 ભારતીયો સહિત 500થી વધુ વિદેશીઓ ગુમ થયા છે. તમિલનાડુના 37 પ્રવાસીઓ અને ઈશા ફાઉન્ડેશનના 77 સભ્યોનો પણ સંપર્ક થઈ શક્યો નથી. નેપાળે ભારતની ત્વરિત મદદ બદલ આભાર માન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળના વિનાશક પૂરમાં 300 ભારતીયો ગુમ, કૈલાશ માનસરોવર રૂટ પર જ સૌથી વધુ તબાહી; 175થી વધુના મોત

Nepal Floods: 300 Indians Missing on Mansarovar Route | નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 300 ભારતીય નાગરિકો સહિત 500થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના આશિયાના ગુમાવી દીધા છે.

20260826524F.jpg

300 ભારતીયોનો સંપર્ક થઈ શક્યો નથી: નેપાળના વિદેશમંત્રી

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું કે, જે વિસ્તારમાં આ પૂરનું તાંડવ જોવા મળ્યું છે, તે કૈલાશ માનસરોવર યાત્રાનો મુખ્ય પારંપરિક માર્ગ છે. મોટાભાગના વિદેશી અને ભારતીય શ્રદ્ધાળુઓ આ જ રૂટ પરથી યાત્રા આગળ વધારતા હોય છે. પૂરના કારણે સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતાં હાલ આશરે 300 ભારતીયો સાથે સંપર્ક થઈ શકતો નથી. નેપાળ સરકાર વિદેશી દૂતાવાસો સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને શોધવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બની છે.

20260826545f.jpg

તમિલનાડુના 37 પ્રવાસીઓ લાપતા

તમિલનાડુથી ગયેલા 57 પ્રવાસીઓમાંથી 37 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, જ્યારે 20 લોકો સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ હિમાલય સ્થિત એક મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.

ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો ગુમ

કોઈમ્બતુર સ્થિત સંસ્થાના 77 સભ્યો જે ઇમિગ્રેશન સેન્ટર પર હાજર હતા તેઓ લાપતા છે. સંસ્થાના સ્થાપક સદ્ગુરુએ જણાવ્યું કે, ઇમિગ્રેશન ઓફિસમાં ઉપસ્થિત લોકો પૈકી કોઈના વિશે પણ હજુ સુધી સત્તાવાર માહિતી મળી શકી નથી. જોકે, અન્ય 495 લોકો સુરક્ષિત રીતે પરત આવી ગયા છે.

બાદમાં નેપાળ સરકારે પુષ્ટિ કરી હતી કે સંબંધિત ઇમિગ્રેશન સેન્ટરના કર્મચારીઓ સાથે પણ સંપર્ક થઈ શકતો નથી.

20260826552.JPG

ભારતની ત્વરિત મદદ બદલ નેપાળે આભાર માન્યો

નેપાળના વિદેશ મંત્રીએ નવી દિલ્હી દ્વારા તાત્કાલિક મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને માનવીય સહાય બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી કે આ સંકટના સમયે નેપાળ સાથે ઊભા રહે અને પુનઃનિર્માણમાં સહયોગ આપે.તેમણે સ્પષ્ટતા કરી પોખરા અને માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્ર પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લા છે. 2015ના ભયાનક ભૂકંપનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેપાળ આ આપત્તિમાંથી પણ ઝડપથી બેઠું થશે.