288 ભારતીયો સંપર્કવિહોણા, 21ને બચાવી લેવાયા: નેપાળ પૂર સંકટ પર ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flash Floods: 288 Indians Stranded 21 Rescued | નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર અને જળપ્રલય બાદ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સત્તાવાર વિગતો જાહેર કરી છે. નવી દિલ્હીમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાને કારણે હાલ આશરે 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ શક્યો નથી.
ભારત સરકાર નેપાળની સરકાર સાથે સતત સંકલનમાં છે અને ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં તમિલનાડુના 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.
સંપર્કવિહોણા 288 ભારતીયોનું 5 મુખ્ય જૂથોમાં વહેંચાયેલા છે
ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટ
ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 73 ભારતીય કર્મચારીઓનું પ્રથમ જૂથ સામેલ છે. મંત્રાલય પ્રોજેક્ટ હેડ સાથે સીધા સંપર્કમાં છે.
તમિલનાડુના યાત્રાળુઓ
તમિલનાડુથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા બે અલગ-અલગ જૂથો (37 અને 49 નાગરિકો) જે 'સમ્રાટ ટ્રાવેલ્સ' અને 'ફ્લાય એવરેસ્ટ ટ્રાવેલ્સ' મારફતે ગયા હતા.
પશ્ચિમ બંગાળના નાગરિકો
સમ્રાટ ટ્રાવેલ્સ મારફતે ગયેલા પશ્ચિમ બંગાળના 32 નાગરિકો, જે હાલ હોનારતગ્રસ્ત રસુવા જિલ્લાના તિમુરે ખાતે છે.
વિવિધ રાજ્યોના નાગરિકો
'રીચા ટુર્સ' મારફતે ગયેલા ભારતના વિવિધ રાજ્યોના 61 નાગરિકોનું જૂથ.
કેરળના નાગરિકો
કેરળના નાગરિકોનું એક જૂથ.
21 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા
રણધીર જયસ્વાલે જણાવ્યું કે આજે 1 વાગ્યા સુધીમાં અમે 21 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળ રહ્યા છીએ. આ તમામ 21 લોકો તમિલનાડુના છે જેઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા. અમે તેમના નામોની યાદી અમારા સત્તાવાર 'X' હેન્ડલ પર જાહેર કરી રહ્યા છીએ.
ચીનમાં 200 ભારતીય યાત્રાળુઓ અટવાયા
નેપાળ ઉપરાંત સરહદ પાર ચીનના ક્ષેત્રમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા આશરે 200 જેટલા ભારતીય નાગરિકો હાલ ચીન તરફના વિસ્તારમાં અટવાયેલા છે અને તેમણે ભારત સરકાર પાસે મદદ માંગી છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ ચીન સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યું છે.
ભારત-નેપાળ સહયોગ અને રાહત સામગ્રી
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો હતો. ભારતે પડોશી ધર્મ નિભાવીને મોટા પાયે માનવીય સહાય અને રાહત સામગ્રીની ખેપ મોકલી આપી છે તેમજ જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રેસ્ક્યુ અને રાહત કામગીરી ચાલુ રહેશે.




