'હિસાબ ચૂકતો કરીશું...', યુદ્ધ વચ્ચે NATO માટે અમેરિકાએ વગાડી ખતરાની ઘંટડી, ગઠબંધન તૂટશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Marco Rubio NATO statement: વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન NATOના ભવિષ્ય પર અત્યારે જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાન સામેના યુદ્ધમાં યુરોપીય દેશોએ સહયોગ આપવાની મનાઈ કરી દેતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઈરાન સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ અમેરિકા નાટો સાથેના સંબંધો પર 'પુનર્વિચાર' કરશે. રુબિયોએ સવાલ ઉઠાવ્યો છે કે જો અમેરિકા પોતાના હિતો માટે સાથી દેશોના સૈન્ય મથકોનો ઉપયોગ જ ન કરી શકે, તો આવા 'એકતરફી' ગઠબંધનનો શો અર્થ?
ઈરાને દરિયાઈ માર્ગ બંધ કરતાં અમેરિકા અને નાટો સામસામે
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધી અને ટ્રમ્પે નાટો સહયોગીઓને પોતાના યુદ્ધજહાજો મોકલી આ દરિયાઈ માર્ગ ખોલવા અપીલ કરી. ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોએ આ અભિયાનમાં જોડાવાની ના પાડી દેતાં ટ્રમ્પ અત્યંત નારાજ થયા છે. તેમણે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને સાથી દેશોને 'ડરપોક' પણ કહ્યા છે. ટ્રમ્પ લાંબા સમયથી ટીકા કરતાં આવ્યા છે કે યુરોપીય દેશો રક્ષા ખર્ચ ઘટાડીને અમેરિકા પર આર્થિક બોજ નાખે છે, પરંતુ આ વખતે ઈરાન સંકટે આ મતભેદોને ખુલ્લા પાડી દીધા છે.
આ પણ વાંચો: ટ્રમ્પની 'ડબલ ગેમ'? એકતરફ શાંતિની વાત અને બીજી તરફ હજારો સૈનિકો ઈરાન તરફ રવાના
યુદ્ધ પછીના નવા સમીકરણ
તાજેતરની ઘટનાઓએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈટાલીએ મધ્ય પૂર્વમાં મિશન પર જઈ રહેલા અમેરિકન વિમાનને લેન્ડિંગની મંજૂરી આપી નથી, જ્યારે સ્પેને પણ ઈરાન વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહેલા અમેરિકન વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર(Airspace) બંધ કરી દીધું છે. આ પ્રકારના પ્રતિબંધોને કારણે નાટોના 'આર્ટિકલ 5'(એક પર હુમલો, બધા પર હુમલો)ની વિશ્વસનીયતા પર શંકા જાગી છે. જો ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થયા બાદ અમેરિકા ખરેખર નાટોથી દૂરી બનાવશે, તો યુરોપની સુરક્ષા અને વૈશ્વિક સૈન્ય સંતુલન પર તેની ખૂબ જ ગંભીર અસરો જોવા મળી શકે છે.








