Get The App

નાસાનું વોયેજર-1 પૃથ્વીથી એક પ્રકાશ દિવસ દૂર પહોંચીને ઈતિહાસ રચશે

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
નાસાનું વોયેજર-1 પૃથ્વીથી એક પ્રકાશ દિવસ દૂર પહોંચીને ઈતિહાસ રચશે 1 - image


- 1977માં લોન્ચ કરાયેલા યાનની સિદ્ધિ

- ગુરુ અને શનિ જેવા ગ્રહોના અભ્યાસ માટે તેને લોન્ચ કરાયું હતું : હાલ પૃથ્વીથી ૨૫.૮ અબજ કિમી દૂર 

વોશિંગ્ટન: નાસાનું ૧૯૭૭માં લોન્ચ કરવામાં આવેલું વોયેજર-૧ યાન ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ પહેલીવાર છે જ્યારે, માણસો દ્વારા બનાવવામાં આવેલી કોઈ વસ્તુ પૃથ્વીથી એક પ્રકાશ દિવસના અંતરે પહોંચશે. વોયેજર-૧ કે જે છેલ્લા ૪૭ વર્ષથી અવકાશની મુસાફરી કરી રહ્યું છે, તે આ વર્ષના અંત સુધીમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવશે. 

મોબાઈલ ફોનથી જૂની ટેકનોલોજીથી બનેલા યાનમાં ગુજરાતી સહિત ૫૫ ભાષામાં અભિવાદન સામેલ છે 

વોયેજર-૧ હાલ પૃથ્વીથી લગભગ ૨૫.૮ અબજ કિમી દૂર છે. એક પ્રકાશ દિવસ એટલે કે, ૨૫.૯ અબજ કિમીનું અંતર, કે જે વોયેજર-૧ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં કાપી લેશે તેવો નાસાનો અંદાજ છે. વોયેજર-૧ને અત્યારે રેડિયો સિગ્નલ મોકલવામાં આશરે ૨૩ કલાક અને ૪૦ મિનિટનો સમય લાગે છે. નવેમ્બર ૨૦૨૬ સુધીમાં આ સમય વધીને પૂરા ૨૪ કલાક થઈ જશે. 

આ યાનને મૂળ ગુરુ અને શનિ જેવા ગ્રહોનો અભ્યાસ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૨માં તે સૌરમંડળની સીમા ઓળંગીને ઈન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ કરનારું પહેલું યાન બન્યું હતું. મોબાઈલ ફોન કરતા પણ જૂની ટેકનોલોજીથી બનેલા યાનનું હાલમાં પણ કાર્યરત હોવું એક ચમત્કાર સમાન છે. જોકે તેની પ્લુયોનિયમ બેટરી ધીમે ધીમે ઓછી થઈ રહી છે, તેમ છતાં તે સતત ડેટા મોકલી રહ્યુંં છે.  વૈજ્ઞાાનિકોના મતે, વોયેજર-૧ની બેટરી ૨૦૩૦ના દાયકા સુધીમાં પૂરી થઈ શકે છે. ત્યારબાદ તે પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવી દેશે. પરંતુ, તેની મુસાફરી અટકશે નહીં. તે આવનારા હજારો વર્ષો સુધી બ્રહ્માંડની સફર ચાલુ રાખશે. આ યાન પોતાની સાથે ગોલ્ડન રેકોર્ડ પણ લઈ ગયું છે. જેમાં, વિવિધ અવાજો, મ્યુઝિક અને ૫૫ ભાષામાં અભિવાદન સામેલ છે. જેમાં, ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.