World

મસ્કનો પગાર વર્ષે અધધ એક લાખ કરોડ ડોલર : 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ

By GS TEAM
7 Nov 20253 mins read
મસ્કનો પગાર વર્ષે અધધ એક લાખ કરોડ ડોલર : 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ

- પેકેજથી 10 વર્ષમાં ટેસ્લામાં મસ્કની ભાગદારી વધીને 25 ટકા થશે

- મસ્કે પેકેજ મેળવવા 10 વર્ષમાં બે કરોડ ટેસ્લા, 10 લાખ રોબોટ વેચવા પડશે, ટેસ્લાની માર્કેટ કેપ ૮.૫ લાખ ડોલર સુધી લઈ જવી પડશે

ઓસ્ટિન (ટેક્સાસ): દુનિયાના સૌથી ધનકૂબેર ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને અધધધ કહી શકાય તેટલું ૧ લાખ કરોડ ડોલર (૧ ટ્રિલિયન ડોલર)નું સેલેરી પેકેજ મળી શકે છે. દુનિયામાં કોઈપણ કંપનીના સીઈઓને અત્યાર સુધીમાં આટલું સેલેરી પેકેજ મળ્યું નથી. ટેક્સાસના ઓસ્ટિનમાં ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની વાર્ષિક સામાન્ય બેઠકમાં ૭૫ ટકા શેરધારકોએ ઈલોન મસ્કને ૧ લાખ કરોડ ડોલરનું પેકેજ આપવાની દરખાસ્તને બહુમતીથી મંજૂરી આપી દીધી છે. જોકે, આ પેકેજ મસ્કને તાત્કાલિક મળવાનું નથી. ઈલોન મસ્ક કેટલીક શરતો પૂરી કરશે ત્યારે ૧૦ વર્ષમાં તેને મળનારા શૅર અને સ્ટોક સાથેનું પગાર પેકેજ ૧ ટ્રિલિયન ડોલરનું થશે.

ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ઈલોન મસ્કનું સેલેરી પેકેજ સિંગાપોર, યુએઈ, હોંગકોંગ, કતાર, યુરોપના અનેક વિકસિત દેશો સહિત ૧૭૦ દેશોના જીડીપી કરતાં વધુ થઈ જાય છે. ઈલોન મસ્ક માટે ટેસ્લાના અંદાજે ૭૫ ટકા શેરધારકોએ બોનસ સાથે જે પગાર પેકેજને મંજૂરી આપી છે, પરંતુ મસ્ક આગામી ૧૦ વર્ષમાં કેટલાક સિમાચિહ્નો સરક કરશે ત્યારે તેને ૧૨ હપ્તામાં ટેસ્લાના શેર અને સ્ટોક સ્વરૂપે વાર્ષિક ૧ ટ્રિલિયન ડોલરનું પેકેજ મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈલોન મસ્ક ટેસ્લા છોડીને જાય નહીં તે માટે શૅરધારકોએ આ જંગી પેકેજ મંજૂર કર્યું છે. જોકે, ટેસ્લાના બોર્ડે મસ્કના પેકેજને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે આગામી ૧૦ વર્ષમાં ટેસ્લાની માર્કેટ કેપ ૮.૫ લાખ કરોડ ડોલર થાય તો મસ્કને એક લાખ કરોડ ડોલરનું સ્ટોક પેકેજ મળી શકે છે. હાલમાં ટેસ્લાની માર્કેટ કેપ ૧.૩૪ ટ્રિલિયન ડોલર છે.વધુમાં આગામી ૧૦ વર્ષમાં મસ્કે બે કરોડ ટેસ્લા કાર અને ૧૦ લાખ રોબોટનું વેચાણ કરવાનું રહેશે. સાથે મસ્કે કંપનીનું બજાર મૂલ્ય અને ઓપરેટિંગ નફો મોટાપાયે વધારવો પડશે. આ શરતો પૂરી થતાં મસ્કને ૧ લાખ કરોડ ડોલરનું પેકેજ મળી શકે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ ટેસ્લાના એક અધિકારીએ કંપનીની વાર્ષિક બેઠક અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, ટેસ્લા એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને રોબોટિક્સ અંગે ટેસ્લા ઝડપથી આગળ વધી રહી છે અને તેમાં ઈલોન મસ્ક સતત આગળ રહે તે માટે શેરધારકોએ તેમના માટે જંગી પેકેજ મંજૂર કર્યું છે. ટેસ્લાના બોર્ડના સભ્યોએ શૅરધારકોને સપ્ટેમ્બરમાં રજૂ કરેલા પગાર પેકેજને મંજૂરી આપવા ભલામણ કરી હતી જ્યારે અન્ય એક રિપોર્ટ મુજબ ટોપ પ્રોક્સી એડવાઈઝર ગ્લાસ લુઈસ અને આઈએસએસે તેના વિરુદ્ધ મતદાન કરવા શેરધારકોને ભલામણ કરી હતી.

દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક માટે મંજૂર કરાયેલા પગાર પેકેજથી તેમની પાસે કંપનીમાં વોટિંગ પાવર વધશે. ગયા વર્ષે ૨૦૨૪ની શરૂઆતમાં મસ્કે વધુ વોટિંગના પાવરની માગ કરી હતી. આ પેકેજ સાથે આગામી ૧૦ વર્ષમાં ઈલોન મસ્કની ટેસ્લામાં ભાગીદારી અંદાજે ૧૩ ટકાથી વધીને ૨૫ ટકા પર પહોંચી જશે અને તેની પાસે ૪૨.૩ કરોડથી વધુ શૅર થઈ જશે. આ શેરોની વેલ્યુ આંદાજે ૧ લાખ કરોડ ડોલર (અંદાજે રૂ. ૮૮.૬૮ લાખ કરોડ થઈ શકે છે. મસ્કને આ પેકેજને અનુરૂપ બધા જ શેર મળે તે માટે કંપનીએ અનેક ઓપરેશનલ અને નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા પડશે.  ઈલોન મસ્કે પગાર પેકેજ મંજૂર કરવા બદલ શૅરધારકો અને ટેસ્લાના બોર્ડનો આભાર માન્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ મસ્કે આ પગાર પેકેજ મંજૂર ના થાય તો ટેસ્લાની કંપની છોડી દેવાના સંકેત આપ્યા હતા.

યુરોપના દેશોના જીડીપી કરતાં વધુ મસ્કનું પેકેજ

 

દેશ

જીડીપી

 

પોલેન્ડ

૯૮૦ અબજ ડોલર

 

સ્વિટ્ઝર્લેન્ડ

૯૪૭ અબજ ડોલર

 

બેલ્જિયમ

૬૮૫ અબજ ડોલર

 

સ્વીડન

૬૨૦ અબજ ડોલર

 

આયર્લેન્ડ

૫૯૯ અબજ ડોલર

 

ઓસ્ટ્રિયા

૫૩૪ અબજ ડોલર

 

નોર્વે

૫૦૪ અબજ ડોલર

 

ડેન્માર્ક

૪૫૦ અબજ ડોલર

 

ચેક ગણરાજ્ય

૪૦૦ અબજ ડોલર

 

પોર્ટુગલ

૩૦૦ અબજ ડોલર