મુનીર મુશ્કેલીમાં : પાક.ના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ પદ માટે એર ચીફ માર્શલ ઝહીર અહમદે કરેલો દાવો

- પાકિસ્તાનમાં શરૂ થયેલો સત્તા સંઘર્ષ
- ભારતનાં ઑપરેશન સિંદૂરે મુનીરની બાજી બગાડી : એર ચીફ માર્શલ કહે છે સંઘર્ષમાં ખરી ભૂમિકા તો એરફોર્સે ભજવી હતી : ભૂમિ દળે નહીં
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ભૂમિદળના વડા અને પોતાની મેળે થઇ પડેલા ફીલ્ડ માર્શલ અસીમ મુનીર, અસીમ મુશ્કેલીમાં પડી ગયા છે. તેઓનાં પદ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અંગે પાક. એરફોર્સના વડા એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિધ્ધુએ દાવો રજૂ કર્યો છે.
આ માહિતી આપતાં નવભારત ટાઈમ્સ જણાવે છે કે પૂર્વ લશ્કરી વડા આદિલ રાજાએ દેશમાં ચાલી રહેલા સસત્તા સંઘર્ષની માહિતી આપી હતી.
આદિલ રાજા જણાવે છે કે એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિધ્ધુએ મુનીરનો વિરોધ કરવા ઉપરાંત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ તરીકે પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમણે તે માટે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા. નવાઝ શરીફે પણ તેઓનું નામ સૂચવ્યું હતું કારણ કે યુદ્ધ સમયે એરફોર્સ જ મહત્વની ભૂમિકા ભજવે છે. મે મહિનામાં ભારત સાથેના (ઓપરેશન સિંદૂર) સંઘર્ષ સમયે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે ભૂમિદળે નામ માત્રની જ ભૂમિકા ભજવી હતી. તેથી તે પદ (ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ) મને મળવું જોઇએ તેમ પણ ઝહીર અહમદે કહ્યું હતું.
હવે જોવાનું તે રહે છે કે નવાઝ શરીફ તેઓના નાનાભાઈ શહબાઝ શરીફને ઝહીર અહમદનો દાવો ગળે ઉતરાવી શકશે કે કેમ ?
એક મુશ્કેલી તેમાં તે છે કે તેમ કરવામાં સંવૈધાનિક કાનૂનમાં પણ સુધારો કરવો જોઇએ. હજી ગયા મહીને જ સંવૈધાનિક કાનૂનમાં સુધારો કરી ફોર સ્ટાર જનરલ અસીમ મુનીરને ફીલ્ડ માર્શલ તરીકે વિધિવત જાહેર કરી ફાઈવ સ્ટાર જનરલ બનાવ્યા હતા. સાથે તેમને ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બનાવ્યા હતા. તેમને લશ્કર તથા વડાપ્રધાન તેમજ પ્રમુખ ઝરદારીનું પીઠબળ છે. તેથી ઝહીર અહમદને તે પદ મળવા સંભવ ઓછો છે. પરંતુ પાકિસ્તાનમાં સત્તા સંઘર્ષ શરૂ થયો છે તે નક્કી છે.








