World

યુએસમાં એક જ દિવસમાં 45 હજારથી વધુ કેસ, વિશ્વમાં કુલ કેસ 1 કરોડને પાર

By GS Team
27 Jun 20203 mins read
This article was originally published on 27 Jun 2020
યુએસમાં એક જ દિવસમાં 45 હજારથી વધુ કેસ, વિશ્વમાં કુલ કેસ 1 કરોડને પાર

ન્યૂયોર્ક, તા. 27 જૂન, 2020, શનિવાર

ચીન અને અમેરિકામાં કોરોનાનો ચેપ સતત વધી રહ્યો છે તેને કારણે બંને દેશોમાં કોવિડ-19ના નવા કેસોનું મોજું આવી રહ્યું હોવાનો ભય લોકોમાં ફેલાયો છે.

ચીનના પાટનગર બિજિંગમાં શનિવારે 17 કેસ અને ચીનમાં કુલ 21 નવા કેસ નોંધાયા હતા. જ્યારે અમેરિકામાં એક જ દિવસમાં 45,000 નવા કેસો નોંધાયા છે. જેને પગલે ફલોરિડા અને ટેક્સાસમાં રિઓપનિંગને મુલત્વી રાખવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસનો કુલ આંક એક કરોડને પાર થઈ ગયો છે.

વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસની દૃષ્ટિએ અમેરિકા 25.17 લાખ કેસ સાથે ટોચ પર છે જ્યારે બીજા ક્રમે બ્રાઝિલમાં 12.84 લાખથી વધુ કેસ નોંધાયા છે. રશિયામાં 6.27 લાખ, ભારતમાં 5.19 લાખ અને બ્રિટનમાં 3.10 લાખ કેસ છે.

મૃત્યુઆંકના સંદર્ભમાં અમેરિકા 1.27 લાખ મોત સાથે પહેલા ક્રમે જ્યારે બ્રાઝિલ 56,197 મોત સાથે બીજા ક્રમે છે. બ્રિટન 43,514, ઈટાલી 34,716 અને સ્પેન 28,341 મોત સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.

ચીનમાં શુક્રવારે 13 જ કેસ નોંધાયા હતા જેની સામે શનિવારે 21 નવા કેસ નોંધાયા હતા. હાલ બિજિંગમાં કોરોનાના કુલ 300 કેસો છે. બિંજિંગની વસ્તી 20 મિલિયનની છે. બીજી તરફ અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાને પગલે ફલોરિડા અને ટેક્સાસમાં રિઓપનિંગને અટકાવી દેવાની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબોટે તમામ બાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

અબોટે જણાવ્યું હતું કે અમુક પ્રકારની પ્રવૃત્તિને કારણે કેસોની સંખ્યા વધી રહી છે. ટે્કસનો બારમાં ભેગાં થઇ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. સૌથી આક્રમક રિઓપનિંગ કરનાર રિપબ્લિકન ગવર્નર અબોટે બહાદુરીભરી પીછેહઠ કરતાં જણાવ્યું હતું કે હવે 100 કરતાં વધારે લોકોને બહાર જાહેરમાં એકત્ર થવું હોય તો સૃથાનિક અિધકારીઓ પાસેથી પરવાનગી મેળવવી પડશે. ફલોરિડામાં પણ દારૂ પીરસતાં તમામ સૃથળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ફલોરિડા-માયામી ડેડ કાઉન્ટીના મેટર કાર્લોસ જિમેનેઝે જણાવ્યું હતું કે 4 જુલાઇના નેશનલ હોલી ડેના વીક એન્ડમાં બીચ બંધ રાખવામાં આવશે. ટાસ્ક ફોર્સના વડા ડો. એનૃથોની ફાઉસીએ લોકોને તેમની અન્યો પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવતાં જણાવ્યું હતું કે તમારે માટેનું જોખમ એ માત્ર તમારા પૂ્રતું મર્યાદિત નથી.

હાલ અમેરિકામાં રોજના સરેરાશ 600 જણાના મોત કોરોના વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. આરોગ્ય અિધકારીઓ માને છે કે જાહેર કરવામાં આવેલાં આંકડા કરતાં સાચો આંકડો દસ ગણો વધારે છે. લુસિઆનામાં એક સપ્તાહમાં 1300 કરતાં વધારે કેસ નોંધાવાને પગલે ગવર્નર જ્હોન બેલ એડવર્ડે નિયંત્રણો હટાવવાનું અટકાવી દીધું હતું. 

એરીઝોનામાં પણ એક દિવસમાં 3000 કેસ નોંધાતા ગવર્નર ડગ ડાઉસીએ છૂટછાટ આપવાનું બંધ કર્યું હતું. ટેનેસીમાં એક જ સપ્તાહમાં બીજીવાર 1400 કરતાં વધારે કેસો નોંધાયા છે. બીજી તરફ વ્હાઇટ હાઉસના કોરોના ટાસ્ક ફોર્સ દ્વારા બે મહિને પત્રકાર પરિષદ યોજીને અમેરિકાની હાલત સારી હોવાની વાત કરવામાં આવી હતી. કોરોના ટાસ્ક ફોર્સના વડા અને ઉપ પ્રમુખ માઇક પેન્સે જણાવ્યું હતું કે હાલ સ્પ્રિંગ કરતાં દર્દીઓના મોતનો દર ઓછો છે.