Get The App

મોદી-મેલોનીના 'ચોકલેટી' વેપાર કરારો : ભારત આવવા આમંત્રણ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
મોદી-મેલોનીના 'ચોકલેટી' વેપાર કરારો : ભારત આવવા આમંત્રણ 1 - image

- મોદી ઇટાલી પહોંચ્યા, મેલોનીને મેલોડી ચોકલેટ ભેટ આપી

- એઆઇ, સ્પેસ, સંરક્ષણ, ટેક્નોલોજી મુદ્દે સંબંધો મજબૂત બનાવવા પણ સંમતિ : આતંકવાદ સામે હાથ મિલાવ્યા

રોમ : યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઇટાલી પહોંચ્યા હતા, ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે મોદીએ મુલાકાત કરી હતી અને બન્નેએ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ દરમિયાન ભારત અને ઇટાલી વચ્ચે કેટલીક સમજૂતી થઇ છે, જેમાં જાન્યુઆરીમાં થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વહેલા અમલ કરવો તે પણ સામેલ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન મેલોનીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.  

પીએમ મોદી અને મેલોનીએ વ્યાપાર, સંરક્ષણ, ટેક્નોલોજી, એઆઇ, સ્પેસ, બ્લૂ ઇકોનોમી અને આતંકવાદ વિરોધી સહયોગ પર પણ ચર્ચા કરી હતી. દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે બન્ને દેશો ૨૦૦૦ કરોડ યૂરો વ્યાપારનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યા છે. ઇટાલીની રાજધાની રોમમાં મેલોની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરંસ દરમિયાન મોદીએ કહ્યું હતું કે બન્ને દેશો પોતાના સંબંધોને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. જે આવનારા દિવસોમાં બન્ને દેશોને નવી દિશા આપશે. ઇટાલીમાં રોમને ઇટરનલ સિટી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ભારતમાં કાશીને અનાદિ અને શાશ્વત નગર માનવામાં આવે છે. બે પ્રાચીન સભ્યતાઓ મળે છે ત્યારે વાતચીત માત્ર એજન્ડા પુરતી સીમિત નથી રહેતી પરંતુ તેમાં મિત્રતાની સહજતા પણ જોવા મળે છે. 

પીએમ મોદીએ ઇટાલીના પીએમ મેલોની સાથેની મુલાકાતોને યાદ કરતા કહ્યું હતું કે મને અનેક વખત ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મળવાની તક મળી છે, જે ભારત અને ઇટાલીના સંબંધોની મજબૂતાઇને દર્શાવે છે. ભારત અને ઇટાલીએ જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન ૨૦૨૫-૨૦૨૯ પર વિસ્તૃત ચર્ચા કરી છે. બન્ને વચ્ચેનો દ્વીપક્ષીય વેપાર સતત વધી રહ્યો છે અને ૨૦૨૯ સુધીમાં તે ૨૦ બિલિયન યૂરો સુધી પહોંચાડવાનું  લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 

આગામી વર્ષે ભારત અને ઇટાલીના સંબંધોના ૮૦ વર્ષની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે ઇયર ઓફ કલ્ચર મનાવવામાં આવશે. આ દરમિયાન મોદી ઇટાલીના પ્રમુખ સર્જીઓ મેટ્ટારેલને પણ મળ્યા હતા. જ્યારે ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ હિન્દી ભાષામાં બોલવા પ્રયાસ કર્યો હતો, મેલોનીએ કહ્યું હતું કે પરિશ્રમ જ સફળતાની કુંજી છે. આ એક પંક્તિ બોલ્યા બાદ મેલોનીએ બન્ને દેશોના સંબંધો અંગે વિસ્તૃત વાત કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મોદીએ મેલોનીને ચોકલેટની ભેટ આપી હતી જેનો વીડિયો મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જ્યારે રોમમાં મેલોની સાથે ફરતા પીએમ મોદીની તસવીરો પણ તેમણે જાહેર કરી હતી. ચોકલેટનો વીડિયો અને રોમમાં મેલોની સાથે ફરતા મોદીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.