Get The App

શાંતિ નથી ઇચ્છતા આ 4 ખાડી દેશો! ટ્રમ્પને પાઠવ્યો સિક્રેટ મેસેજ- ઈરાન પર હુમલા ચાલુ રાખો

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
શાંતિ નથી ઇચ્છતા આ 4 ખાડી દેશો! ટ્રમ્પને પાઠવ્યો સિક્રેટ મેસેજ- ઈરાન પર હુમલા ચાલુ રાખો 1 - image
 AI IMAGE

Iran America War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક અત્યંત મહત્ત્વનો કૂટનીતિક વળાંક આવ્યો છે. અમેરિકાના ખાડી સહયોગી દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું છે. આ દેશોનું માનવું છે કે માત્ર હવાઈ હુમલાઓથી તેહરાનનું શાસન નબળું પડ્યું નથી, તેથી હવે નિર્ણાયક પગલાં લેવાનો સમય પાકી ગયો છે.

ખાડી દેશોની શું છે માગ?

અમેરિકી અને ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને બેહરીન અત્યારે આ યુદ્ધને ઈરાનના નેતૃત્વને હંમેશા માટે ખતમ કરવાની એક ઐતિહાસિક તક તરીકે જોઈ રહ્યા છે. આ દેશોએ ખાનગી વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી ઈરાની નેતૃત્વમાં મોટો ફેરફાર ન આવે ત્યાં સુધી સૈન્ય ઓપરેશન રોકવું જોઈએ નહીં. ખાસ કરીને UAE અત્યારે સૌથી કડક વલણ અપનાવી રહ્યું છે અને ટ્રમ્પને ગ્રાઉન્ડ એટેક માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો વધુ એક યુટર્ન: હોર્મુઝ સ્ટ્રેટમાં હથિયાર હેઠા મૂકી યુદ્ધ છોડવાની તૈયારીમાં અમેરિકા!

શા માટે UAE અને સાઉદી અરેબિયા આક્રમક છે?

UAE એ ઈરાન તરફથી 2300થી વધુ મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો સામનો કર્યો છે. આ હુમલાઓને કારણે વિશ્વભરમાં UAEની સુરક્ષિત અને સમૃદ્ધ કેન્દ્ર તરીકેની છબી ધૂંધળી થવાનું જોખમ ઊભું થયું છે. જેના કારણે વેપાર અને પર્યટન પર ખતરો પેદા થયો છે. સાઉદી અરેબિયાનો તર્ક છે કે, અત્યારે યુદ્ધ રોકવાથી કોઈ સારો કરાર થઈ શકશે નહીં. તેમના મતે, અંતિમ ઉકેલમાં ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નિષ્ક્રિય કરવો, બેલેસ્ટિક મિસાઇલ ક્ષમતાનો નાશ કરવો અને પ્રોક્સી ગ્રૂપને મળતી મદદ બંધ કરાવવી અનિવાર્ય છે. કાયમી ઉકેલ શોધવો જરૂરી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની દ્વિધા

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યારે યુદ્ધને આગળ વધારવું કે, કરાર કરવો તે અંગે દ્વિધામાં છે. જોકે, એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે સ્વીકાર્યું હતું કે, સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને બહરીન ઈરાન સામે જોરદાર રીતે વળતો પ્રહાર કરવાની તરફેણમાં છે. બીજી તરફ, ઓમાન અને કતાર હજુ પણ કૂટનીતિક ઉકેલનું સમર્થન કરી રહ્યા છે.