Get The App

LIVE : કતાર બાદ મિડલ ઈસ્ટના વધુ એક દેશનો ઓઈલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય, દુનિયા ચિંતિત

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
LIVE : કતાર બાદ મિડલ ઈસ્ટના વધુ એક દેશનો ઓઈલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય, દુનિયા ચિંતિત 1 - image

Israel-USA and Iran War Updates : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે બેકાબૂ બન્યું છે. એકતરફ ઈરાની રાષ્ટ્રપતિની માફી અને બીજી તરફ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા કરવામાં આવેલા ભીષણ ડ્રોન હુમલાએ આખા અખાતી દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરમિયાન નોર્વેથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે.

યુદ્ધના વિશે તમામ ન્યૂઝ અપડેટ્સ LIVE 

કતાર બાદ કુવૈતનો ઓઈલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય 

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને ઈરાન-અમેરિકા યુદ્ધની અસરોને પગલે કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC) એ કાચા તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાની મોટી જાહેરાત કરી છે. કુવૈતે આ નિર્ણય હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) જેવા મહત્વના દરિયાઈ તેલ માર્ગો પર વધતા સુરક્ષા જોખમો અને ઈરાન દ્વારા કરવામાં આવેલા સંભવિત હુમલાઓને ધ્યાનમાં રાખીને એર મિશન અને જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચનાના ભાગરૂપે લીધો છે. પ્રતિદિન 2.6 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરતા કુવૈતના આ નિર્ણયથી વૈશ્વિક ઉર્જા પુરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, જેની સૌથી ગંભીર અસર પહેલાથી જ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાન જેવા દેશો પર પડશે.

ઈરાનમાં સત્તા પરિવર્તનના પ્રયાસો સાંખી નહીં લેવાય, સંપ્રભુતાનું સન્માન જરૂરી : ચીનનું મોટું નિવેદન 

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા યુદ્ધ વિશે ચીને કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. ચીનના વિદેશ મંત્રીએ રવિવારે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જગ્યાએ કૂટનીતિક માર્ગ અપનાવવો જોઈએ. ઈરાન અને મિડલ ઈસ્ટના મુદ્દાઓનો યોગ્ય રીતે ઉકેલ લાવવો જોઈએ. ઈરાન અને મિડલ ઈસ્ટના દેશોની સંપ્રભુતાનો ખ્યાલ રાખવો જોઇએ. ઈરાનમાં સત્તાપલટાના પ્રયાસોને કોઈ સમર્થન કરતું નથી. ચીને તમામ શક્તિશાળી દેશોને અપીલ કરી હતી કે તેઓ આ સંકટને ઉકેલવામાં મદદ કરે. 

જે અમારા પર હુમલો કરશે તેને જડબાતોડ જવાબ મળશે, માફી બાદ ઈરાનના રાષ્ટ્રપતિનું એલાન

ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને એલાન કર્યું હતું કે જે કોઈ ઈરાન પર હુમલા કરવાના ઈરાદા ધરાવે છે તે સાંભળી લે કે તેમને જડબાતોડ જવાબ મળશે. અમે ઈરાનની એક ઈંચ જમીન પણ કોઈને કબજો કરવા નહીં દઈએ. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પેઝેશ્કિયાને પાડોશી દેશોની માફી માગી હતી અને તેમને ચેતવણી પણ આપી હતી કે તમારી જમીનો ઈરાન પર હુમલા કરવા માટે અમેરિકાને વાપરવા ન દેશો નહીંતર તેના ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવશે. 

ઈરાનનો મોટો દાવો - સાત એડવાન્સ્ડ નવા રડાર ધ્વસ્ત કર્યા, હવે ઈઝરાયલ અને અમેરિકા આંધળા થયા!

ઈરાની પ્રેસ મીડિયાના અહેવાલ અનુસાર ઈરાની સેનાએ ડ્રોન અને મિસાઈલ હુમલાઓ દ્વારા ઈઝરાયલ અને અમેરિકાએ મોટી ચોટ પહોંચાડી છે. મધ્યપૂર્વના દેશોમાં તહેનાત અમેરિકા અને ઈઝરાયલના સાત એડવાન્સ્ડ ન્યૂ રડારને ધ્વસ્ત કરી દીધા છે જેનાથી ઈઝરાયલ અને અમેરિકાની ડિફેન્સ શક્તિ જાણે ખતમ થઈ ચૂકી છે. 

કુવૈતમાં બે સુરક્ષાકર્મીના મોત 

કુવૈતના દેશના આંતરિક બાબતોના અહેવાલ અનુસાર ઈરાને સતત ડ્રોન અને મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. આ દરમિયા ફરજ બજાવતા બે બોર્ડર સિક્યોરિટી કર્મચારી શહીદ થઇ ગયા હતા. 

ઈરાની આર્મીનો મોટો દાવો : અમેરિકાની પાંચમી ફ્લિટ પર હુમલામાં 21 સૈનિકોના મોત, અનેક ઘાયલ 

ઈરાનના સત્તાવાર મીડિયાના અહેવાલ અનુસાર ઈરાની આર્મીએ દાવો કર્યો છે કે તેમણે યુએસની નેવીની પાંચમી ફ્લિટ પર ભયાનક હુમલો કર્યો હતો. આ સાથે તેની તસવીરો પણ શેર કરતાં દાવો કર્યો હતો કે તેમાં 21 સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે અનેક સૈનિકો ઘાયલ પણ થયા હતા.  

ટ્રમ્પની ચેતવણી: યુદ્ધ પછી ઈરાનનો નકશો બદલાઈ જશે, અમેરિકા 'બાલ્કનાઈઝેશન' તરફ આગળ વધ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વિશ્વસ્તરે હલચલ મચાવી દીધી છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ ઈરાનનો નકશો પહેલા જેવો નહીં રહે. આ નિવેદનથી એ સંકેત મળી રહ્યા છે કે અમેરિકાનો હવે પછીનો વ્યૂહાત્મક ધ્યેય ઈરાનનું 'બાલ્કનાઈઝેશન' (Balkanization) કરવાનો છે, એટલે કે ઈરાનને વિવિધ નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરી તેની સાર્વભૌમ શક્તિને નષ્ટ કરવી. જો અમેરિકા આ દિશામાં આગળ વધે છે, તો તેનો અર્થ એ થાય કે તે ઈરાનની અંદર રહેલા વિવિધ વંશીય જૂથો અને આંતરિક અસંતોષનો ઉપયોગ કરી તેને ભૌગોલિક રીતે તોડવા માંગે છે, જે મિડલ ઈસ્ટના રાજકારણ અને સીમાઓને કાયમ માટે બદલી શકે છે.

ઈરાનમાં ઈઝરાયલી એરફોર્સે ઓઈલ ડેપોને બનાવ્યા નિશાન 

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર ઈઝરાયલે ઓઈલ ડેપોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ભયાનક આગના દૃશ્યો સામે આવ્યા હતા. 


195 વિદ્યાર્થી, શિક્ષકોની અમેરિકા-ઈઝરાયલના હુમલાઓમાં મોત, 68 સ્કૂલોને નુકસાન 

ઈરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ અનુસાર અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા બેફામ સ્ટ્રાઈકમાં 195થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 68થી વધુ સ્કૂલોને નુકસાન પહોંચ્યું છે.

અલ કુદ્સ પર ઈરાની મિસાઈલો કહેર બનીને તૂટી 



ઈઝરાયલ પર ઈરાને કહેર વરસાવ્યો 



તહેરાનમાં 20 નાગરિકોના મોત 

ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલા લેટેસ્ટ હુમલામાં તહેરાનના નિલોફર સ્ક્વેરની નજીકમાં જ 20થી વધુ ઈરાની નાગરિકોના મોતના અહેવાલની પુષ્ટી થઇ છે. 

કુવૈતમાં અમેરિકન સૈનિકોની રહેણાક ઈમારતને ઈરાને બનાવી નિશાન 



ઈરાની રાષ્ટ્રપતિની 'માફી' પર સત્તામાં સંગ્રામ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પાડોશી દેશો પર થયેલા હુમલા માટે અંગત રીતે માફી માંગી હતી, પરંતુ આ માફી તેમના જ દેશના કટ્ટરપંથીઓ અને IRGC કમાન્ડરોને પસંદ આવી નથી. IRGC એ રાષ્ટ્રપતિના વલણને 'નબળું' ગણાવીને હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પણ આ માફીને ઈરાનનું 'આત્મસમર્પણ' ગણાવ્યું છે.

અખાતી દેશો પર ડ્રોન હુમલા: દુબઈમાં એકનું મોત

રાષ્ટ્રપતિના શાંતિના વાદાની ગણતરીની મિનિટોમાં જ ઈરાની ડ્રોન્સે UAE, કતાર અને સાઉદી અરેબિયા પર હુમલા તેજ કર્યા છે. અબુ ધાબી પાસેના અલ ધાફરા એર બેઝ અને દુબઈમાં હુમલા થયા છે, જેમાં દુબઈમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. બહેરીનમાં પણ મીના સલમાન પાસે હુમલો થતા આગ લાગી હોવાના સમાચાર છે. કુવૈતમાં તો અમેરિકન સૈનિકોના રહેવાશની બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી.

ખાડી દેશોની 'રેડ લાઈન' અને કતાર-ટ્રમ્પની વાતચીત

હુમલાઓથી લાલઘૂમ થયેલા UAE એ ચેતવણી આપી છે કે દેશની સુરક્ષા એ 'રેડ લાઈન' છે અને તે કોઈ પણ હુમલાખોર સામે મજબૂત કિલ્લાની જેમ લડશે. બીજી તરફ, કતારના અમીરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે દોહા પોતાના રાષ્ટ્રીય હિતો માટે કડક પગલાં લેતા અચકાશે નહીં.

નોર્વે: ઓસ્લોમાં અમેરિકન દૂતાવાસ પાસે જોરદાર વિસ્ફોટ

યુરોપના નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે વહેલી સવારે અમેરિકન દૂતાવાસ પાસે એક રહસ્યમય અને શક્તિશાળી વિસ્ફોટ થયો છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ઘરોની બારીઓ અને દિવાલો હલી ગઈ હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ તપાસ તેજ કરવામાં આવી છે.