World

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલનો ગુપ્ત માસ્ટરપ્લાન? 3 ધર્મોનું કેન્દ્ર બનાવવાની ચર્ચાથી ખળભળાટ!

By GS Team
26 May 20262 mins read
TukuTouch Logo
યરૂસલેમમાં આવેલી મુસ્લિમોની પવિત્ર અલ-અક્સા મસ્જિદના ભવિષ્યને લઈને એક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. મિડિલ ઈસ્ટ આઈના અહેવાલ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલ મળીને આ મસ્જિદ પરથી જોર્ડનની સદીઓ જૂની સંરક્ષક તરીકેની ભૂમિકા ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, આ વિવાદ સામે આવ્યા બાદ અમેરિકાએ સત્તાવાર રીતે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલનો ગુપ્ત માસ્ટરપ્લાન? 3 ધર્મોનું કેન્દ્ર બનાવવાની ચર્ચાથી ખળભળાટ!
 IMAGE FROM wikipedia

Al-Aksa Mosque Jerusalem: યરૂસલેમમાં આવેલી મુસ્લિમોની પવિત્ર અલ-અક્સા મસ્જિદના ભવિષ્યને લઈને એક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. મિડિલ ઈસ્ટ આઈના અહેવાલ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલ મળીને આ મસ્જિદ પરથી જોર્ડનની સદીઓ જૂની સંરક્ષક તરીકેની ભૂમિકા ખતમ કરવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, આ વિવાદ સામે આવ્યા બાદ અમેરિકાએ સત્તાવાર રીતે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને ફગાવી દીધા છે.

શું છે રિપોર્ટનો દાવો મલ્ટી-ફેથ સેન્ટર બનાવવાની યોજના?

રિપોર્ટમાં દાવો કરાયો છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઇઝરાયલમાં અમેરિકી રાજદૂત માઈક હકાબી એક નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે. આ યોજના હેઠળ અલ-અક્સા મસ્જિદની માત્ર મુસ્લિમ ઓળખ ઓછી કરીને તેને મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ માટેના એક મલ્ટી-ફેથ સેન્ટર તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ છે. આ પરિસરમાં યહૂદીઓને સમાન અધિકાર અને મોટા સમૂહમાં સત્તાવાર રીતે પ્રાર્થના કરવાની મંજૂરી આપવાની વાત છે. 

અન્ય દેશોને દેખરેખ

ઇઝરાયલીઓ આ સ્થળને ટેમ્પલ માઉન્ટ તરીકે ઓળખાવે છે. મસ્જિદના ઈમામ અને ધાર્મિક વક્તાઓની નિમણૂક તેમજ શુક્રવારના ધાર્મિક પ્રવચનો (ખુત્બા)ની સામગ્રી પર પણ ઇઝરાયલની મંજૂરી લેવી પડી શકે છે. જોર્ડન સમર્થિત ઇસ્લામિક વક્ફની ભૂમિકા હટાવીને બહેરીન, ઇજિપ્ત, મોરોક્કો અને યુએઈ (UAE) જેવા દેશોને વારાફરતી આ પરિસરની દેખરેખ સોંપવાનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો : 'તાત્કાલિક કરાર પર સહી કરો...', ટ્રમ્પની નવી ચાલના કારણે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો ધર્મસંકટમાં!

સાઉદી અરેબિયા આ પ્રસ્તાવની વિરુદ્ધમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા આ પ્રકારના કોઈપણ પ્રસ્તાવની સખત વિરુદ્ધમાં છે. સાઉદી અરેબિયાનું માનવું છે કે, આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે જોર્ડનની સંરક્ષક તરીકેની ભૂમિકા અત્યંત જરૂરી છે. જો જોર્ડનને હટાવવામાં આવશે તો સમગ્ર મિડિલ ઈસ્ટમાં તણાવ અને હિંસા ખૂબ વધી શકે છે.

હાલમાં અલ-અક્સાની વ્યવસ્થા શું છે?

ઐતિહાસિક હક: જોર્ડનનો હાશેમી શાહી પરિવાર વર્ષ 1924થી યરૂસલેમના મુસ્લિમ અને ખ્રિસ્તી ધાર્મિક સ્થળોનો સંરક્ષક રહ્યો છે, જેને 1994ની જોર્ડન-ઇઝરાયલ શાંતિ સંધિમાં પણ માન્યતા મળી હતી. 

વર્તમાન નિયમ: 1967ના યુદ્ધ પછી બનેલી વ્યવસ્થા મુજબ, મસ્જિદની અંદરની વ્યવસ્થા ઇસ્લામિક વક્ફ સંભાળે છે અને બહારની સુરક્ષા ઇઝરાયલ પાસે છે. બિન-મુસ્લિમોને ત્યાં જવાની મંજૂરી છે, પરંતુ પ્રાર્થના કરવાનો અધિકાર માત્ર મુસ્લિમોને જ છે.

અમેરિકાએ અહેવાલોને ફગાવ્યા

આ સનસનાટીભર્યા રિપોર્ટ બાદ વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા જોર્ડન પાસેથી અલ-અક્સાની સંરક્ષક તરીકેની ભૂમિકા છીનવવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું નથી. આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે.