પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સૈન્યના કાફલાને નિશાન બનાવાયો, 23 સૈનિકોના મોતનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan terror Attack 23 Died in balochistan : પાકિસ્તાનના અશાંત વિસ્તાર બલૂચિસ્તાનમાંથી એક ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા છે. બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં નેશનલ હાઇવે (N-25) પરથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ હુમલામાં 23 થી વધુ જવાનો માર્યા ગયા હોવાની આશંકા છે, જ્યારે અનેક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
15 વાહનોના કાફલાને બનાવાયો નિશાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લાસબેલાના કશારી વિસ્તારમાં બની હતી. ત્યાંથી ફ્રન્ટિયર ફોર્સના આશરે 15 વાહનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેને લક્ષ્ય બનાવીને તીવ્ર વિસ્ફોટ કર્યો હતો. ધમાકો એટલો ભયાનક હતો કે સુરક્ષા દળનું એક વાહણ સળગીને ખાખ થઈ ગયું હતું.
ઘાયલ જવાનોને બેલા કેમ્પ ખસેડાયા
ગોળીબાર અને વિસ્ફોટ બાદ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકના 'બેલા કેમ્પ' ખાતે ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું ન હોવાથી મૃતકો અને ઘાયલોનો આંકડો બદલાઈ શકે છે.
BLA દ્વારા હુમલાની આશંકા
આ હુમલા પાછળ 'બલૂચ લિબરેશન આર્મી' (BLA) નો હાથ હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સંગઠન બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી સંપત્તિઓ અને મુખ્ય હાઇવે પર સતત હુમલા કરી રહ્યું છે. BLA દ્વારા અગાઉ પણ સેનાના કાફલાને નિશાન બનાવવાની ઘટનાઓ બની છે.
N-25 હાઇવે બંધ, સર્ચ ઓપરેશન શરૂ
ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. લાસબેલાનો N-25 હાઇવે કરાચીને ક્વેટા સાથે જોડતો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક માર્ગ છે. સુરક્ષાના કારણોસર આ હાઇવેને હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.




