રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું, લુહાન્સ્કની હોસ્ટેલ પર હુમલામાં 18ના મોત, પુતિનનો વળતી કાર્યવાહીનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Luhansk Hostel Drone Attack: રશિયાના નિયંત્રણ હેઠળના પૂર્વ યુક્રેનના લુહાન્સ્ક પ્રદેશમાં એક કોલેજ હોસ્ટેલ પર થયેલા ભયાનક ડ્રોન હુમલામાં મૃત્યુઆંક વધીને 18 પર પહોંચી ગયો છે. રશિયન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટી સંખ્યામાં યુવા મહિલાઓ સામેલ છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પણ બંને દેશો વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. આ હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સખત વલણ અપનાવતા પોતાની સેનાને યુક્રેન સામે જવાબી કાર્યવાહી કરવા માટેના વિકલ્પો તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
યુક્રેનનો સૈન્ય યુનિટ પર હુમલાનો દાવો, રશિયાએ નકાર્યો
મોસ્કોએ સત્તાવાર આરોપ લગાવ્યો છે કે યુક્રેને જાણીજોઈને સ્ટારોબિલ્સ્ક શહેરમાં આવેલી ટીચર ટ્રેનિંગ કોલેજની હોસ્ટેલને નિશાન બનાવીને આ ડ્રોન હુમલો કર્યો છે. બીજી તરફ, યુક્રેનની સેનાએ નાગરિકોને નિશાન બનાવવાના આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. યુક્રેનનું કહેવું છે કે તેણે આ વિસ્તારમાં કાર્યરત રશિયાની એક સ્પેશિયલ ડ્રોન કમાન્ડ યુનિટને નિશાન બનાવી હતી અને તેમની સેના આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે. જોકે, રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો છે કે તે હોસ્ટેલની આસપાસ કોઈ મિલિટ્રી ફેસિલિટી (લશ્કરી મથક) હાજર નહોતું.
હોસ્ટેલનો મોટો હિસ્સો જમીનદોસ્ત, મલબા નીચે હજુ પણ જિંદગીની શોધ
આ પ્રચંડ ડ્રોન હુમલાને કારણે હોસ્ટેલ બિલ્ડિંગનો એક મોટો હિસ્સો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી 'RIA' એ આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને હજુ પણ ત્રણ લોકો મલબા નીચે ફસાયેલા છે, જેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
લુહાન્સ્કમાં રશિયા સમર્થિત વહીવટીતંત્રના વડા લિયોનિડ પાસેચનિકે પીડિતોની પ્રાથમિક યાદી જાહેર કરી છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે અને સૌથી નાની ઉંમરની મૃતક યુવતી હાલમાં જ 18 વર્ષની થઈ હતી. આ હુમલામાં અન્ય 41 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં 15 વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પહેલા રોકેટ હુમલામાં એક જૂના સૈન્ય મથકને નિશાન બનાવાયું હતું અને ત્યારબાદ ડ્રોન હોસ્ટેલ સાથે અથડાતા આખી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી.
સંયુક્ત રાષ્ટ્ર (UN) માં આમને-સામને અને ઓઇલ ટર્મિનલ પર હુમલા
રશિયાની માંગ પર શુક્રવારે યુએન સુરક્ષા પરિષદની કટોકટીની બેઠક બોલાવવામાં આવી હતી, જ્યાં રશિયાએ યુક્રેન પર 'યુદ્ધ અપરાધ' (War Crime) નો આરોપ લગાવ્યો હતો. યુક્રેને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. દરમિયાન, યુક્રેને રશિયાની અંદર આવેલા ઓઇલ ડેપો અને તેલ પ્રતિષ્ઠાનો પર પણ પોતાના હુમલા તેજ કર્યા છે. શનિવારે વહેલી સવારે રશિયાના બ્લેક સી (કાલા સાગર) સ્થિત નોવોરોસિસ્ક બંદરના ઓઇલ ટર્મિનલ પર યુક્રેની ડ્રોનનો મલબો પડતાં ભીષણ આગ લાગી હતી, જેમાં બે લોકો ઘાયલ થયાના અહેવાલ છે.









