World

યુરોપ જવાની લ્હાયમાં જિંદગી હોમાઈ! દરિયામાં તરતી બોટ બની 'સ્મશાન', 12ના મૃતદેહ મળ્યા; 18નો બચાવ

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
ગ્રીસના ક્રેટ ટાપુ નજીક માઇગ્રન્ટ્સ ભરેલી બોટમાંથી 12 મૃતદેહો મળી આવ્યા છે. કોસ્ટ ગાર્ડે 18 લોકોને બચાવ્યા હતા. લિબિયાથી માઇગ્રન્ટ્સની સંખ્યામાં ભારે વધારો થતા ગ્રીસમાં સંભવિત સંકટની તૈયારીઓ ચાલી રહી છે. ગ્રીસના મંત્રીએ નવેમ્બરમાં 1,700 લોકો ગ્રીસ પહોંચ્યા હોવાનું જણાવ્યું. ક્રેટમાં માઇગ્રન્ટ્સની આવકમાં 105% નો વધારો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપ જવાની લ્હાયમાં જિંદગી હોમાઈ! દરિયામાં તરતી બોટ બની 'સ્મશાન', 12ના મૃતદેહ મળ્યા; 18નો બચાવ

Greece Crete Migrant Boat Tragedy: ગ્રીસના ક્રેટ ટાપુના દક્ષિણ કિનારે માઇગ્રન્ટ્સને લઈ જતી એક બોટમાંથી 12 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે આ જ બોટમાં સવાર અન્ય 18 લોકોને એક પસાર થઈ રહેલા માલવાહક જહાજે બચાવી લીધા હતા. ગ્રીસના કોસ્ટ ગાર્ડે સોમવારે આ ઘટનાની જાણકારી આપી હતી. બોટ ક્રેટથી આશરે 15 નોટિકલ માઇલ (28 કિલોમીટર) દક્ષિણમાં મળી આવી હતી. મૃતકોની ઓળખ અને તેમના મૃત્યુ પાછળનાં કારણો અંગે સત્તાવાળાઓએ હજુ કોઈ માહિતી જાહેર કરી નથી. આ વિસ્તારમાં અન્ય બે બોટ પણ જોવા મળી હતી, જેમાંથી એકમાં 47 અને બીજીમાં 40 લોકો સવાર હતા. બચાવી લેવામાં આવેલા તમામ માઇગ્રન્ટ્સને ક્રેટના દક્ષિણ કિનારે આવેલા બંદર પર લઈ જવામાં આવી રહ્યા હતા.

લિબિયાથી આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો

ક્રેટ ટાપુ પર લિબિયાથી આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રીસે સંભવિત માઇગ્રેશન સંકટનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ગ્રીસના માઇગ્રેશન અને આશ્રય મંત્રી થાનોસ પ્લેવ્રિસે જણાવ્યું હતું કે નવેમ્બરના પ્રથમ ત્રણ દિવસમાં જ લિબિયાથી 1,700 લોકો ગ્રીસ પહોંચ્યા હતા. તેમણે આ વધારા માટે લિબિયાના સત્તાવાળાઓ સાથેના સહયોગમાં આવેલા ઘટાડાને જવાબદાર ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે તુર્કી-લિબિયા મેરિટાઇમ મેમોરેન્ડમનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્લેવ્રિસે કહ્યું હતું કે, "અમે ક્રેટમાં સંકટનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ." એથાનાતી ખાતે એક રિસેપ્શન સેન્ટર આવતા અઠવાડિયે શરૂ થવાની અપેક્ષા છે.

ક્રેટમાં માઇગ્રન્ટ્સની આવકમાં 105 ટકાનો વધારો

યુરોપિયન કમિશનના બીજા વાર્ષિક અહેવાલ મુજબ, ગ્રીસ અને સમગ્ર યુરોપિયન યુનિયનમાં અનિયમિત સ્થળાંતરના કિસ્સાઓમાં એકંદરે ઘટાડો થયો છે. જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન ગ્રીસમાં અનિયમિત રીતે સરહદ પાર કરવાના કિસ્સાઓમાં 23 ટકા અને આશ્રય માટેની અરજીઓમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, વસ્તી અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ની સરખામણીએ ગ્રીસ પર યુરોપિયન યુનિયનના દેશોમાં સૌથી વધુ દબાણ યથાવત્ રહ્યું છે. આ સમયગાળામાં ક્રેટમાં માઇગ્રન્ટ્સની આવક 105 ટકા વધીને આશરે 21 હજાર થઈ હતી. બીજી તરફ, તુર્કી સાથેની ગ્રીસની જમીની સરહદે સરહદ પાર કરવાના કિસ્સાઓમાં 33 ટકાનો વધારો થયો હતો. પૂર્વ ભૂમધ્ય સમુદ્રના માર્ગે અનિયમિત સ્થળાંતરના કિસ્સાઓ 25 ટકા ઘટીને 49,136 થયા હતા. જ્યારે સમગ્ર યુરોપિયન યુનિયનમાં આ આંકડો 32 ટકા ઘટીને 1,51,877 નોંધાયો હતો.

ગ્રીસ પર યુરોપિયન યુનિયનની મદદની જરૂર

શોધ અને બચાવ કામગીરી બાદ માઇગ્રન્ટ્સને કિનારે ઉતારવાની ઘટનાઓમાં યુરોપિયન યુનિયનમાં ગ્રીસનો હિસ્સો 25 ટકા રહ્યો હતો, જ્યારે ઇટાલીનો હિસ્સો 42 ટકા હતો. યુરોપિયન યુનિયનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રીસ પર હજુ પણ અસમાન પ્રમાણમાં દબાણ છે અને તેને 2027માં યુરોપિયન યુનિયનની સહાય મેળવવા માટે પાત્ર ગણવામાં આવ્યું છે.