Get The App

LIVE: 'યુદ્ધમાં ઈરાનની હાર થઈ, તેમના સુપ્રીમ લીડર ઘાયલ', અમેરિકન સંરક્ષણ મંત્રી હેગસેથનું નિવેદન

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
LIVE: 'યુદ્ધમાં ઈરાનની હાર થઈ, તેમના સુપ્રીમ લીડર ઘાયલ', અમેરિકન સંરક્ષણ મંત્રી હેગસેથનું નિવેદન 1 - image

US-Israel-Iran War : મધ્ય-પૂર્વમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે થંભી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ડેડલાઈન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ આ યુદ્ધવિરામ (Ceasefire) ની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની સફળ મધ્યસ્થતા બાદ હવે યુદ્ધના મેદાનને બદલે ઈસ્લામાબાદમાં વાટાઘાટોના ટેબલ પર ભવિષ્ય નક્કી થશે.

US-Israel-Iran War LIVE

'ઈરાને સીઝફાયરમાટે વિનંતી કરી': પીટ હેગસેથે 'ઓપરેશન એપિક ફ્યુરી' ને ગણાવી ઐતિહાસિક જીત

અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે તાજેતરમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાને પોતે યુદ્ધવિરામ માટે કરગરીને વિનંતી કરી હતી. તેમણે અમેરિકા દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી'ને એક મોટી સફળતા અને ઐતિહાસિક વિજય તરીકે ઓળખાવ્યો છે.

• ઈરાનની નબળાઈ: હેગસેથે વ્હાઇટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે અમેરિકાના સૈન્ય દબાણને કારણે ઈરાન ઘૂંટણિયે આવી ગયું હતું અને તેમણે જ યુદ્ધ અટકાવવા માટે સામેથી અપીલ કરી હતી.

• ઓપરેશન એપિક ફ્યુરી: આ ઓપરેશન હેઠળ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આક્રમક સૈન્ય કાર્યવાહી કરી હતી. હેગસેથના મતે, આ મિશનનો હેતુ દુશ્મનને નબળો પાડવાનો હતો, જેમાં અમેરિકાને સંપૂર્ણ સફળતા મળી છે.

• અમેરિકાએ ઐતિહાસિક વિજય ગણાવ્યો: સંરક્ષણ સચિવે આ ઘટનાક્રમને અમેરિકાની વિદેશ નીતિ અને સૈન્ય શક્તિની મોટી જીત ગણાવી છે. તેમણે ઉમેર્યું કે આનાથી સાબિત થાય છે કે અમેરિકા પ્રાદેશિક સુરક્ષા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે.

તેહરાનનો કુવૈત અને UAE પર વળતો પ્રહાર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની વાતો અને પ્રયાસો વચ્ચે પણ હિંસા અટકી નથી. ઈરાનની એક મહત્વ ની ઓઈલ રિફાઈનરી પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે તેલના બજારમાં ફરી ચિંતા પ્રસરી છે. આ હુમલાથી ઈરાનના અર્થતંત્રના મુખ્ય સ્ત્રોત એવા તેલ ઉત્પાદન પર મોટી અસર પડવાની શક્યતા છે.

આ હુમલાના વિરોધમાં અને વળતા પ્રહાર તરીકે, ઈરાને કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પર હુમલા કર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેહરાન દ્વારા પાડોશી દેશો પર કરવામાં આવેલા આ હુમલાઓને કારણે આખું ગલ્ફ ક્ષેત્ર હવે યુદ્ધની જ્વાળાઓમાં લપેટાઈ શકે છે. કુવૈત અને UAE જેવા દેશો પરના હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પ્રત્યાઘાતો પડી શકે છે.

ઈરાનની ઓઇલ રિફાઈનરીમાં મોટો બ્લાસ્ટ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ ઈરાનના મહત્ત્વના ગણાતા લાવન ટાપુ પર આવેલી ઓઈલ રિફાઈનરીમાં આજે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થતા ખળભળાટ મચી ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કર્યાના થોડા જ કલાકોમાં આ ઘટના બની છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રિફાઈનરીના બે ટેન્કોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સાવચેતીના પગલે રિફાઈનરીના સ્ટાફને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો છે. લાવન ટાપુ પૂર્વ ફારસની ખાડીમાં આવેલો છે. આ ટાપુ હોર્મુઝ સ્ટ્રેટથી લગભગ 450-500 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. 

મેહર ન્યૂઝના રિપોર્ટમાં કહેવાયું છે કે, બંને પક્ષો માટે જાહેર કરાયેલા યુદ્ધવિરામનું પાલન કરવું જરૂરી છે, એટલા માટે ઈરાન વિરૂદ્ધ કોઈપણ આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. બુધવાર સવારે યુદ્ધવિરામ લાગુ થયા બાદ લાવન ટાપુ રિફાઈનરીમાં અનેક બ્લાસ્ટ થયા. જોકે, આ હુમલા કોના દ્વારા કરાયા તે હજુ સુધી જાણી શકાયું નથી.

અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે: ટ્રમ્પ

અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનમાં શાસન પરિવર્તન ની પ્રક્રિયા અત્યંત 'ફળદાયી' રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને નજીકથી કામ કરશે, જેમના વિશે અમે નક્કી કર્યું છે કે ત્યાં ખૂબ જ ફળદાયી શાસન પરિવર્તન થયું છે! યુરેનિયમનું કોઈ સંવર્ધન કરવામાં આવશે નહીં, અને યુનાઈટેડ સ્ટેટ્સ, ઈરાન સાથે મળીને, જમીનમાં ઊંડે દટાયેલી તમામ પરમાણુ "ડસ્ટ" (B-2 બોમ્બર્સ દ્વારા) ખોદીને બહાર કાઢશે અને હટાવશે. તે અત્યારે, અને પહેલા પણ, અત્યંત સચોટ સેટેલાઇટ દેખરેખ હેઠળ છે. હુમલાની તારીખથી કંઈપણ અડવામાં આવ્યું નથી. અમે ઈરાન સાથે ટેરિફ (જકાત) અને પ્રતિબંધોમાં રાહત અંગે વાતચીત કરી રહ્યા છીએ અને કરીશું. 15 મુદ્દાઓમાંથી ઘણા મુદ્દાઓ પર પહેલેથી જ સહમતિ સધાઈ ગઈ છે. આ બાબતે તમારા ધ્યાન બદલ આભાર.

ઈરાનને શસ્ત્રો પુરા પાડનાર દેશ પર 50 ટકા ટેરિફ: ટ્રમ્પ

આ અગાઉ તેમણે લખ્યું હતું કે, જે દેશ ઈરાનને લશ્કરી શસ્ત્રો સપ્લાય કરશે, તેના પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વેચાતા કોઈપણ અને તમામ સામાન પર તાત્કાલિક અસરથી 50% ટેરિફ લાદવામાં આવશે. તેમાં કોઈ બાકાત કે મુક્તિ આપવામાં આવશે નહીં!.

ટ્રમ્પ જે કહે છે તે કરે જ છે: લિન્ડસે ગ્રેહામ

આ સિવાય ટ્રમ્પે લિન્ડસે ગ્રેહામની પોસ્ટને રિશેર કરી છે. જેમાં લિન્ડસે ગ્રેહામે લખ્યું છે કે, મેં હમણાં જ પ્રમુખ સાથે ખૂબ જ સરસ વાતચીત કરી. ઈરાની શાસનને હોર્મુઝ ખોલવા અને શાંતિ સમજૂતી કરવા માટે તેમણે જે અલ્ટીમેટમ આપ્યું છે, તેને હું સંપૂર્ણ સમર્થન આપું છું. જો ઈરાન નબળી પસંદગી કરશે તો તેમના પર મોટા પાયે લશ્કરી કાર્યવાહીની તૈયારી છે.

'ઓપરેશન એપિક ફ્યુરી' દ્વારા આ શાસન ગંભીર રીતે કચડાઈ ગયું છે. આ પ્રદેશ અને સમગ્ર વિશ્વ વિરુદ્ધ તેમનું આતંકનું શાસન સમાપ્ત થવું જોઈએ, આશા છે કે શાંતિ સમજૂતી દ્વારા તે શક્ય બને.

આજે સવારે પ્રમુખ ટ્રમ્પ સાથે વાત કર્યા પછી મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે જો ઈરાન હોર્મુઝમાં અવરોધ કરવાનું ચાલુ રાખશે અને અમારા લશ્કરી ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે રાજદ્વારી ઉકેલનો ઇનકાર કરશે, તો તેઓ શાસન સામે જબરદસ્ત સૈન્ય શક્તિનો ઉપયોગ કરશે. જો ઈરાન અને અન્યોને અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે પ્રમુખ ટ્રમ્પ જે કહે છે તે કરે જ છે, તો મને ખબર નથી કે તેમને ક્યારે સમજાશે. સમજદારીથી પસંદગી કરો.

નેતન્યાહૂ નિષ્ફળ ગયા.. : વિપક્ષના નેતા 

ઇઝરાયલના વિરોધ પક્ષના નેતા યેર લેપિડે બેન્જામિન નેતન્યાહૂ સરકાર પર આકરા પ્રહારો કરતા આ યુદ્ધવિરામને ઇતિહાસની સૌથી મોટી 'રાજકીય આફત' ગણાવી છે. તેમણે અત્યંત કડક શબ્દોમાં ટીકા કરી છે કે જ્યારે દેશની રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, ત્યારે ઇઝરાયલને વાટાઘાટોના ટેબલ પર સ્થાન પણ મળ્યું નથી, જે અત્યંત શરમજનક બાબત છે. લેપિડના મતે, સૈન્ય અને જનતાએ અદભૂત સ્થિતિસ્થાપકતા બતાવી હોવા છતાં નેતન્યાહૂ વ્યૂહાત્મક અને રાજકીય રીતે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે અને પોતે નક્કી કરેલા લક્ષ્યોમાંથી એક પણ હાંસલ કરી શક્યા નથી. તેમણે વધુમાં ચેતવણી આપી છે કે નેતન્યાહૂના અહંકાર, બેદરકારી અને આયોજનના અભાવે દેશને જે વ્યૂહાત્મક નુકસાન પહોંચાડ્યું છે તેને સરભર કરવામાં હવે વર્ષો લાગી જશે.

મધ્ય-પૂર્વના દેશો માટે હવે 'સુવર્ણ યુગ'ની શરૂઆત થઇ શકે છે : ટ્રમ્પ 

ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ દ્વારા વિશ્વ શાંતિ માટે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મધ્ય-પૂર્વના દેશો માટે હવે 'સુવર્ણ યુગ'ની શરૂઆત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે ઈરાન પણ હવે શાંતિ ઈચ્છે છે અને અમેરિકા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) માં ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત્ કરવામાં મદદ કરશે, જેનાથી આર્થિક રીતે મોટો ફાયદો થશે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાન હવે પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ કરી શકશે અને અમેરિકા તમામ પ્રકારના પુરવઠા સાથે ત્યાં હાજર રહીને બધું બરાબર ચાલે તેની ખાતરી કરશે.

LIVE: 'યુદ્ધમાં ઈરાનની હાર થઈ, તેમના સુપ્રીમ લીડર ઘાયલ', અમેરિકન સંરક્ષણ મંત્રી હેગસેથનું નિવેદન 2 - image

ઈરાન સામે ટ્રમ્પનું સરન્ડર : સેનેટર મર્ફી 

અમેરિકન સીનેટર ક્રિસ મર્ફીએ CNN સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઈરાન સામેના ગજગ્રાહમાં ટ્રમ્પની સંપૂર્ણ હાર થઈ છે અને તેમણે એક પ્રકારે ઈરાન સામે આત્મસમર્પણ કરી દીધું છે. મર્ફીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ઈરાનને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર નિયંત્રણ સોંપવા માટે સંમત થયા છે, જે સમગ્ર વિશ્વ માટે અત્યંત અસાધારણ અને વિનાશક બાબત સાબિત થઈ શકે છે.

ટ્રમ્પના દૂત પાકિસ્તાનમાં શાંતિ મંત્રણામાં જોડાશે 

સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી શાંતિ વાટાઘાટોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સનો સમાવેશ થાય છે. શુક્રવારથી શરૂ થનારી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં થયેલા બે સપ્તાહના યુદ્ધવિરામને આગળ વધારવાનો અને ઈરાન દ્વારા રજૂ કરાયેલા ૧૦-મુદ્દાના શાંતિ પ્રસ્તાવ પર ગહન ચર્ચા કરવાનો છે. આ શક્તિશાળી ડેલિગેશન યુદ્ધનો કાયમી અંત લાવવા માટેના સમજૂતીના અંતિમ મુસદ્દા પર કામ કરશે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર યુદ્ધવિરામનો અમલ ચાલુ રહેશે.

વ્હાઇટ હાઉસનું કડક વલણ

વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, "ઈરાનનો દાયકાઓ જૂનો આતંકવાદ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ચલાવી લેવામાં આવશે નહીં." પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે પ્રમુખ અને અમેરિકન સેનાના દબાણને કારણે જ ઈરાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ખોલવા માટે તૈયાર થયું છે.

મોજતબા ખામનેઈનો મોટો આદેશ

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) મોજતબા ખામનેઈએ તમામ સૈન્ય એકમોને તાત્કાલિક અસરથી 'સીઝફાયર' પાળવા અને ગોળીબાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધનો અંત નથી, તેમના હાથ હજુ પણ 'ટ્રિગર' પર છે અને કોઈપણ ભૂલનો વળતો જવાબ આપવામાં આવશે.

ઈઝરાયલના હુમલા હજુ પણ જારી?

એક ચોંકાવનારા અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસની જાહેરાત છતાં ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે બુધવારે સવાર સુધી ઈરાની સરહદમાં કેટલાક હુમલા ચાલુ હતા. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રાઉન્ડ લેવલ પર કમાન્ડ ઓર્ડર પહોંચવામાં સમય લાગી રહ્યો હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

ઈસ્લામાબાદમાં 'હાઈ-પ્રોફાઈલ' બેઠક

આગામી શુક્રવાર, 10 એપ્રિલના રોજ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો શરૂ થશે. આ બેઠકમાં અમેરિકા તરફથી રાષ્ટ્રપતિના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, જમાઈ જેરેડ કુશનર અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ હાજર રહેશે.

બે અઠવાડિયાનો વિરામ

ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 15 દિવસ માટે બોમ્બમારો અને હુમલા સ્થગિત કર્યા છે.

શરતી યુદ્ધવિરામ

ઈરાને તેલના પુરવઠા માટે મહત્વની 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને ફરીથી ખોલવી પડશે.

ઈરાનનો 10-પોઈન્ટ પ્રસ્તાવ

રાને તમામ પ્રતિબંધો હટાવવા અને યુદ્ધમાં થયેલા નુકસાનના વળતર સહિત 10 શરતો અમેરિકા સામે મૂકી છે.

બજાર પર અસર

સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં તેલના ભાવમાં 18%નો મોટો ઘટાડો નોંધાયો છે, જે વિશ્વ માટે રાહતના સમાચાર છે.