World

લશ્કર એ તોયબા અને જૈશ અનગાઇડેડ મિસાઇલ છે, ક્યાંક સીરિયા-ઈરાક જેવા હાલ ન થઈ જાય : પાકિસ્તાની સંરક્ષણ મંત્રી

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક પોડકાસ્ટમાં ખુલ્લેઆમ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને આતંકવાદી સંગઠન ગણાવ્યા છે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન માટે આ આતંકી સંગઠનો હવે મોટો માથાનો દુખાવો બન્યા છે. આસિફે કહ્યું કે આ જૂથો અનગાઇડેડ મિસાઇલ જેવા છે, જે ક્યારે અને ક્યાં તબાહી મચાવશે તેની સરકારને પણ ખબર નથી. પાકિસ્તાનને હવે આવા હથિયારધારી જૂથોની જરૂર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

લશ્કર એ તોયબા અને જૈશ અનગાઇડેડ મિસાઇલ છે, ક્યાંક સીરિયા-ઈરાક જેવા હાલ ન થઈ જાય : પાકિસ્તાની સંરક્ષણ મંત્રી

Khawaja Asif On Lashkar E Taiba And Jaish E Mohammed : આતંકવાદને પોતાની નીતિ બનાવનાર પાકિસ્તાન માટે હવે આ આતંકી સંગઠનો જ મોટો માથાનો દુખાવો બની ગયો છે. આ બાબત પાકિસ્તાનની સરકાર પણ સારી રીતે જાણે છે. વૈશ્વિક મંચ પર પોતાનો બચાવ કરવા માટે પાકિસ્તાન ભલે સતત જુઠ્ઠાણાં ફેલાવતું રહે, પરંતુ ક્યારેક ખુદ તેમના જ નેતાઓ તરફથી સત્ય બહાર આવી જાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક પોડકાસ્ટમાં મોટો ખુલાસો કરતા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને ખુલ્લેઆમ આતંકવાદી સંગઠન ગણાવ્યા છે. તેમણે આ સંગઠનોને દિશાવિહીન મિસાઇલ સાથે સરખાવતા સ્પષ્ટ કર્યું કે આ આતંકીઓ ક્યારે અને ક્યાં તબાહી મચાવશે તેની સરકારને પણ ખબર હોતી નથી.

લશ્કર અને જૈશ જેવા જૂથો દહેશત ફેલાવે છે : ખ્વાજા આસિફ

પાકિસ્તાનના એક પોડકાસ્ટમાં આસિફને પ્રશ્ન કરાયો હતો કે, શું ભારતના દબાણમાં આવીને પાકિસ્તાને લશ્કર અને જૈશ જેવા જૂથોને આતંકવાદી જાહેર કર્યા છે? આ સવાલના જવાબમાં આસિફે કહ્યું કે, ‘જો એવું જ હોય તો ઈધી ફાઉન્ડેશન કે કરાચીમાં સક્રિય સેવાભાવી સંસ્થાઓને આતંકવાદી સંગઠન કેમ જાહેર કરવામાં આવ્યા નથી? આવી સામાજિક સંસ્થાઓ જનતાની સેવા કરે છે, જ્યારે લશ્કર અને જૈશ જેવા જૂથો હથિયાર ઉઠાવીને દહેશત ફેલાવે છે.’

‘આતંકી સંગઠનો દેશની તાકાત ઘટાડે છે’

લશ્કર અને જૈશ પર આકરા પ્રહારો કરતાં ખ્વાજા આસિફે જણાવ્યું કે, ‘આ જૂથો સમય અને સ્વાર્થ પ્રમાણે પોતાના રૂપ બદલે છે અને હથિયાર ઉઠાવી લે છે. તેઓ ક્યારેક અમેરિકા માટે લડે છે તો ક્યારેક પોતાના કે અન્ય કોઈના ફાયદા માટે યુદ્ધ શરૂ કરી દે છે.’ આસિફે આવા સંગઠનોની સરખામણી ભાડૂતી ફ્રેન્ચાઇઝી સાથે કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ‘સીરિયા અને ઈરાકની હાલત આ જ કારણોસર ખરાબ થઈ ગઈ છે, તેથી પાકિસ્તાનની પણ એવી દશા ન થાય, કારણ કે આવા જૂથો દેશની તાકાત ઘટાડે છે.’

આતંકી જૂથો અનગાઈડેડ મિસાઇલ : પાક. સંરક્ષણ મંત્રી

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આખરે સ્વીકાર્યું કે, ‘પાકિસ્તાનને હવે આવા હથિયારધારી જૂથોની કોઈ જરૂર નથી, કારણ કે આ જૂથો અનગાઈડેડ મિસાઇલ છે અને કોઈના કંટ્રોલમાં રહેતા નથી. પાકિસ્તાનના છેલ્લા 40-50 વર્ષના ઇતિહાસે આ વાત સાબિત કરી દીધી છે કે આવા સંગઠનો માત્ર પોતાના દેશ માટે જ વિનાશ સાબિત થયા છે.