World

સૈનિકોએ જ અમેરિકાની પોલ ખોલી નાખી, કહ્યું - અમને જાણી જોઈને મોતના મુખમાં ધકેલ્યાં

By GS TEAM
11 Apr 20263 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન કુવૈતમાં આવેલા અમેરિકાના સૈન્ય બેઝ પર થયેલા હુમલામાં છ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે નિવેદન આપ્યું હતું કે, એક 'સ્કર્ટર' ડ્રોન કુવૈતના કિલ્લેબંધી ધરાવતા બેઝની સુરક્ષામાં ગાબડું પાડીને અંદર ઘૂસી ગયું હતું. જો કે આ હુમલામાં જીવતા બચેલા સૈનિકોએ સરકારના આ દાવાને સંપૂર્ણપણે જુઠ્ઠો ગણાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈનિકોએ જ અમેરિકાની પોલ ખોલી નાખી, કહ્યું - અમને જાણી જોઈને મોતના મુખમાં ધકેલ્યાં
ઈરાન યુદ્ધમાં મોતને ભેટેલા 4 અમેરિકન સૈનિકોની તસવીર, સોર્સ:X

US Military Base Drone Attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન કુવૈતમાં આવેલા અમેરિકાના સૈન્ય બેઝ પર થયેલા હુમલામાં છ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે નિવેદન આપ્યું હતું કે, એક 'સ્કર્ટર' ડ્રોન કુવૈતના કિલ્લેબંધી ધરાવતા બેઝની સુરક્ષામાં ગાબડું પાડીને અંદર ઘૂસી ગયું હતું. જો કે આ હુમલામાં જીવતા બચેલા સૈનિકોએ સરકારના આ દાવાને સંપૂર્ણપણે જુઠ્ઠો ગણાવ્યો છે.

કોઈ સુરક્ષા કવચ ઉપલબ્ધ ન હતું

અમેરિકન સૈન્ય બેઝ પર થયેલો આ હુમલો 2021 પછી અમેરિકન સેના પર થયેલો સૌથી ઘાતક હુમલો હતો. આ અંગે CBS Newsને આપેલા ઈન્ટરવ્યૂમાં સૈનિકોએ દાવો કર્યો હતો કે આ હુમલાને રોકી શકાય તેમ હતો અને તેમને જાણી જોઈને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. સૈનિકોએ ખુલાસો કર્યો કે વાસ્તવમાં બેઝ પર હવાઈ હુમલાઓથી બચવા માટે કોઈ સુરક્ષા કવચ ઉપલબ્ધ જ ન હતું.

'..તે તદ્દન ખોટું છે'

એક ઘાયલ સૈનિકે અમેરિકાના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'એવું કહેવું કે એક ડ્રોન સુરક્ષા કોર્ડન તોડીને નીકળી ગયું, તે તદ્દન ખોટું છે. હકીકત એ છે કે અમારી યુનિટ પાસે આત્મરક્ષણનું કોઈ સાધન જ ન હતું. તે કોઈ સુરક્ષિત કિલ્લો નહીં, પરંતુ એક જૂનો સૈન્ય બેઝ હતો.' આ ઘટનાના કેન્દ્રમાં '60 બહાદુર' સૈનિકો છે, જેઓ 103મા સસ્ટેઈનમેન્ટ કમાન્ડનો હિસ્સો હતા. યુદ્ધ શરૂ થતા પહેલા, ટ્રમ્પ સરકારે કુવૈતમાં તૈનાત મોટાભાગના સૈનિકોને જોર્ડન અને સાઉદી અરેબિયા ટ્રાન્સફર કરી દીધા હતા, કારણ કે તે વિસ્તારો ઈરાની મિસાઈલોની રેન્જની બહાર હતા.

સૈનિકોને જાણી જોઈને જોખમમાં મૂકાયા?

આમ છતાં, આ 60 સૈનિકોને જાણીજોઈને ઈરાનની નજીક 'શુઆઈબા બંદર' પાસે આવેલી એક નાની સૈન્ય ચોકી પર મોકલવામાં આવ્યા હતા. તેમનું કામ શસ્ત્રો અને સાધનોના પ્રવાહને મેનેજ કરવાનું હતું. એક સૈનિકે કહ્યું, 'અમને કોઈ સ્પષ્ટ કારણ વગર ઈરાનની નજીકના એવા અસુરક્ષિત વિસ્તારમાં મોકલવામાં આવ્યા, જે સ્થળ પહેલેથી જ તેમના નિશાને હતું.'

જૂના જમાનાનો બેઝ અને ડ્રોનનો ખતરો

સૈનિકોએ જણાવ્યું કે જે 'ટેક્ટિકલ ઓપરેશન્સ સેન્ટર'માં તેઓ તૈનાત હતા, તે ડ્રોન યુદ્ધના યુગના ઘણા સમય પહેલા બનાવવામાં આવ્યું હતું. ત્યાં માત્ર કોંક્રિટના બેરિયર્સ હતા જે રોકેટ કે મોર્ટારને રોકી શકતા હતા, પરંતુ આકાશમાંથી થતા હુમલા સામે તે સાવ નકામા હતા. એક સૈનિકના જણાવ્યા અનુસાર, ત્યાં માત્ર નાના બેરિયર્સ અને ટીનથી બનેલી નાની ઈમારતો હતી જેને ઓફિસ બનાવવામાં આવી હતી. બંકરના નામે તે સૌથી નબળી જગ્યા હતી. સૈનિકે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન ગુપ્તચર વિભાગને અગાઉથી જાણ હતી કે આ બેઝ ઈરાનનું નિશાન બની શકે છે.

આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં શાંતિ કે છેતરામણી? અમેરિકા-ઈરાન મંત્રણાના સામે 5 મોટા પડકારો

2 માર્ચનો ભયાનક નજારો

ઘટનાની વિગત મુજબ, 2 માર્ચે કુવૈતમાં અમેરિકન બેઝ પર સાયરન વાગ્યું હતું, ત્યારબાદ સૈનિકોએ કોંક્રિટ બંકરમાં શરણ લીધી હતી. તે દરમિયાન એક બેલિસ્ટિક મિસાઈલ ઉપરથી પસાર થઈ ગઈ, 'ઓલ-ક્લિયર' એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને સૈનિકો પોતાની ઓફિસોમાં પરત ફર્યા. પરંતુ લગભગ 30 મિનિટ પછી, અચાનક જમીન ધ્રૂજવા લાગી અને ઈરાનના 'શાહિદ ડ્રોને' સીધો બેઝની વચ્ચે ધડાકો કર્યો. આ હુમલામાં 6 સૈનિકોએ જીવ ગુમાવ્યા અને 20 સૈનિકો ઘાયલ થયા. એક સૈનિકે તે ક્ષણને યાદ કરતા કહ્યું, 'બધું જ ફિલ્મો જેવું હતું. કાનમાં ઘંટડીઓ વાગી રહી હતી, આંખો સામે અંધકાર હતો અને ચારે બાજુ ધૂળ જ ધૂળ હતી.'