'ટ્રમ્પને મારી નાખવો એ અમારી ફરજ...', ઇરાનમાં ખામેનેઈની દફનવિધિમાં ભડકાઉ સૂત્રોચ્ચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayatollah Ali Khamenei Funeral in Tehran Iran 2026: ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના જનાજા દરમિયાન તેહરાનની સડકો પર રવિવારે (5 જુલાઈ 2026) માહોલ અત્યંત ગરમ થઈ ગયો હતો. મંચ સંભાળી રહેલા એક આયોજકે સરેઆમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની અપીલ કરી હતી. અહેવાલ મુજબ, ખામેનેઈના મોત બાદ આ પ્રથમ એવો મોકો છે જ્યારે કોઈ સત્તાવાર મંચ પરથી સીધા જ ટ્રમ્પના મોતનું આહ્વાન કરવામાં આવ્યું હોય. આ નારો ગૂંજતાની સાથે જ જનાજામાં હાજર લાખોની ભીડે બૂમો પાડીને તેનું સમર્થન કર્યું હતું.
‘દુનિયાનો સૌથી ખરાબ માણસ હજુ સુધી જીવતો કેમ છે?’
આ સમગ્ર ઘટના રવિવારે તેહરાનમાં ખામેનેઈની વિશાળ શોક સભા દરમિયાન બની હતી. ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં 86 વર્ષીય આયતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા, જેના પછી ઈરાન યુદ્ધની શરૂઆત થઈ હતી. જનાજા દરમિયાન લાઉડસ્પીકર પર મોહમ્મદ રસૂલી નામના એક કવિએ કમાન સંભાળી હતી. રસૂલીએ પહેલા તો ભીડ પાસે ‘અમેરિકા મુર્દાબાદ’ અને ‘ઇઝરાયલ મુર્દાબાદ’ ના પરંપરાગત નારા લગાવડાવ્યા, પરંતુ ત્યારબાદ તરત જ તેમણે પોતાનો મોરચો ડોનાલ્ડ ટ્રમ્પ તરફ વાળી દીધો હતો અને મંચ પરથી પૂછ્યું કે, "દુનિયાનો સૌથી ખરાબ માણસ અત્યાર સુધી જીવતો કેમ છે?"
બીજી તરફ ટ્રમ્પનો ઈરાન પર તીખો કટાક્ષ
સોશિયલ મીડિયા પર અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રડતા-રડતા કહી રહ્યો છે કે, "આપણું કર્તવ્ય છે કે જેણે આપણા ઈમામને માર્યા છે તે ટ્રમ્પને આપણે મારી નાખીએ." તેહરાનની દીવાલો પર પણ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મારવાની માંગ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. બીજી તરફ, બરાબર આ જ સમયે વૉશિંગ્ટનમાં અમેરિકાની સ્થાપનાની 250 મી વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર તીખો કટાક્ષ કરતા કહ્યું કે, "અમે વેનેઝુએલા અને ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી દીધા છે અને તેમની મિલિટરીને મિટાવી દીધી છે."
નવા સુપ્રીમ લીડરનું શક્તિ પ્રદર્શન અને શાંતિ વાટાઘાટો
ખામેનેઈના મોત બાદ ઈરાનના શાસકો માટે આ જનાજો એક મોટું શક્તિ પ્રદર્શન બની ગયો છે. આના માધ્યમથી દેશના નવા સુપ્રીમ લીડર આયતુલ્લા મુજતબા ખામેનેઈ માટે જનસમર્થન મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બધું એવા નાજુક સમયે થઈ રહ્યું છે. જ્યારે ઈરાન, યુદ્ધને કાયમ માટે રોકવા માટે વૉશિંગ્ટન સાથે પરદા પાછળ વાતચીતની ટેબલ પર બેઠું છે. ઈરાન આ વાતચીતમાં હોર્મુઝની સામુદ્રધુની પર પોતાના વ્યૂહાત્મક દબદબાનો ઉપયોગ કરીને અમેરિકા પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ઈરાનની અંદર હજુ પણ એવો ડર છે કે ઇઝરાયલ ગમે ત્યારે ફરી સૈન્ય કાર્યવાહી કરી શકે છે, જેથી શાંતિ કરારની આશાઓ અધ્ધરતાલ લટકેલી છે.









