Get The App

અમેરિકાનાં જંગી જહાજોને દરિયામાં જ ડૂબાડી દેશું વધુ જહાજો મોકલવાની ટ્રમ્પની ધમકીનો ખામેઈનીનો જવાબ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાનાં જંગી જહાજોને દરિયામાં જ ડૂબાડી દેશું વધુ જહાજો મોકલવાની ટ્રમ્પની ધમકીનો ખામેઈનીનો જવાબ 1 - image

- મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા

- મધ્ય પૂર્વમાં તંગદિલી : જીભા જોડી છોડી હવે ઈરાન અમેરિકા સામસામા આવી ગયા છે સોશ્યલ મીડિયા પર આક્રમક તસવીર દર્શાવાઈ છે જેમાં યુએસનું જહાજ ડૂબતું દેખાડયું છે

નવી દિલ્હી : કહે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ચર્ચિલ બે વખત રડી પડયા હતા. એક વખત તેઓના જેવા દેખાતા કોઈને વિમાનમાં જર્મની જાસૂસે ઠાર મારી દીધો અને બીજી વખત સિંગાપુરમાં લાંગરેલાં પ્રચંડ યુદ્ધ જહાજે 'ધી-રીપલ્સ' અને 'પ્રિન્સ ઓફ વેલ્સ'ને જાપાનનાં વિમાનોએ આત્મઘાતી હુમલો કરી ડૂબાડી દીધાં ત્યારે ચર્ચીલ રડી પડયા હતા.

ઈરાનના સર્વેસર્વા આયાતોલ્લાહ અલિ ખામેઇનીનાં મનમાં આવી જ કોઈ બાબત ઘૂમરાઈ રહી હોય તેમ લાગે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સામે બીજું પ્રચંડ વિમાન વાહક જહાજ અને તેના સાથી જહાજો ઈરાન સામે મોકલવાનો નિર્ણય લેતાં ખામેઇની ધૂંધવાઈ ગયા છે એવું લાગે છે કે ઈરાન હવે જીવ ઉપર આવી ગયું છે.

વિશ્વની પ્રચંડ મહાશક્તિ (સુપર પાવર) અમેરિકાએ છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ આધુનિક યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધાં છે. જેમાં એફ-૨૨, એફ-૩૫, અને એફ-૧૬ જેવા ઘાતક વિમાનો સામેલ છે. સાથે આકાશમાં જ ઈંધણ ભરી શકે તેવાં કેટલાએ ટેન્કરો પણ મોકલ્યાં છે જે લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધની પૂર્વ તૈયારી દર્શાવે છે.

આ પૂર્વ જ પ્રમુખ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે તેઓ કેટલાંએ આધુનિક યુદ્ધ જહાજો મધ્ય પૂર્વમાં મોકલી રહ્યાં છે.

આશ્ચર્ય તો તે વાતનું છે કે એક તરફ મંત્રણાની વાતચીત ચાલે છે, બીજી તરફ યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલે છે. ઈરાને પણ હોર્મુઝ-સ્ટ્રેઈટમાં તેનું શક્તિ પ્રદર્શન કર્યું છે.

ઈરાનના સર્વેસર્વા ખામેનેઈએ સોશ્યલ મીડીયા 'ટ' પર એક પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પનાં આ વિધાનો વિષે લખાવ્યું : 'અમેરિકાના પ્રમુખ વારંવાર કહે છે કે તેમણે ઈરાન તરફ યુદ્ધ જહાજો મોકલ્યાં છે. હા ! યુદ્ધ જહાજો ખતરનાક શસ્ત્રો છે. પરંતુ તે યુદ્ધ જહાજોથી પણ ઘણાં પ્રબળ શસ્ત્રો છે જે તેને સમુદ્રનાં તળીયે પહોંચાડી શકે તેમ છે.'

આ સાથે તે પોસ્ટ ઉપર એક 'નાટકીય' રચના કરી, ખામેનેઈએ અમેરિકાનાં પ્રચંડ વિમાન વાહક જહાજ 'ગોરાલ્ડ આર. ફાર્ડે'ને ડૂબતું દર્શાવ્યું હતું.

ટૂંકમાં આવી કાર્યવાહીઓ ઈરાનની મજબૂત સંરક્ષણ ક્ષમતા અને જવાબી કાર્યવાહીની તૈયારીઓ રેખાંકિત કરે છે.

એક તરફ ઓમાનની મધ્યસ્થતાને લીધે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે જીનીવામાં રાજદ્વારી માર્ગ શોધવા મંત્રણા ચાલી રહી છે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ કહે છે કે મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે, ત્યાં બીજી તરફ ઈરાન કોઈ પણ હુમલાનો મુંહ-તોડ જવાબ આપવા તૈયારીઓ કરી રહ્યું છે.

ટૂંકમાં મધ્યપૂર્વમાં મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.