Get The App

મેલબોર્નમાં ખાલિસ્તાનીઓ ગાંધીજીની પ્રતિમા કટકા કરી ચોરી ગયાની શંકા

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
મેલબોર્નમાં ખાલિસ્તાનીઓ ગાંધીજીની પ્રતિમા કટકા કરી ચોરી ગયાની શંકા 1 - image

- ઓસ્ટ્રેલિયન સરકાર તાત્કાલિક પગલાં ભરે : ભારત 

- 2021માં કાંસાની 426 કિલોની આ પ્રતિમાના ઉદઘાટન બાદ ખાલિસ્તાનીઓએ તોડફોડ કરતાં વિવાદ સર્જાયો હતો

- ગયા વર્ષે લંડનમાં ટેવિસ્ટોક ચોકમાં ગાંધીજીની પ્રતિમાને જયંતિ અગાઉ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમા  ગ્રાઇન્ડર મશીનથી કાપીને ચોરી જવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ભારત સરકારે આ બનાવને તીવ્ર વિરોધ કરતાં ઓસ્ટ્રેલિયન સરકારને આ દિશામાં તાકીદે પગલાં ભરવા વિનંતી કરી છે. આ ચોરી બદલ શંકાની સોય  ખાલિસ્તાનીઓ સામે ચીંધાઈ છે. તેઓએ ૨૦૨૧માં પ્રતિમાના ઉદઘાટન વખતે જ તોડફોડનો પ્રયાસ કર્યો હતો.  

ઓસ્ટ્રેલિયન પ્રસારમાધ્યમોના જણાવ્યા મુજબ ૪૨૬ કિલોગ્રામ વજનની તાંબાની આ મૂર્તિને ૧૨મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે મેલબોર્નમાં રોવવિલે ખાતેના ઓસ્ટ્રેલિયન-ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાંથી ઉઠાવી જવામાં આવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા ઉઠાવી જવાના કૃત્યની આકરી ટીકા કરીએ છીએ. અમે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સમક્ષ આક્રમકતાથી આ મુદ્દો ઉઠાવ્યો છે અને દોષિતોની ધરપકડ કરવાની માંગ કરી છે.

આ પ્રતિમાને છેક આખેઆખી કોઈ શક્તિશાળી કટરથી કાપવામાં આવી હતી અને ગાંધીજીના પગની પાની જેટલો જ હિસ્સો રહી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચે આ મૂર્તિની ભેટ આપી હતી અને ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને તેનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રતિાને બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે.આ પહેલા લંડનમાં ટેવિસ્ટોક ચોક ખાતે ગયા વર્ષે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મહાત્મા ગાંધીની મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી. ગાંધીજીની જન્મજયંતિના દિવસો પહેલાં જ આ  કરવામાં આવ્યું હતું. આ મૂર્તિનું અનાવરણ ૧૯૬૮માં કરવામાં આવ્યું હતું.