World

ચીન માટે વધુ એક ખરાબ સમાચાર, ભારત સાથે સિક્રેટ ડીલ કરવા તૈયાર થયું જાપાન

By GS Team
4 Jul 20202 mins read
This article was originally published on 4 Jul 2020
ચીન માટે વધુ એક ખરાબ સમાચાર, ભારત સાથે સિક્રેટ ડીલ કરવા તૈયાર થયું જાપાન

ટોક્યો, તા. 4 જુલાઈ 2020, શનિવાર

મોદી સરકારને વધુ એક સફળતા મળી છે અને જાપાન હવે ચીન વિરૂદ્ધ ભારતીય સેના સાથે એક સિક્રેટ ડીલ કરવા તૈયાર થઈ ગયું છે. જાપાને ડિફેન્સ ઈન્ટેલિજન્સ શેર કરવા પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર સાથે જ જાપાન અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે ડિફેન્સ ઈન્ટેલિજન્સ શેર કરી શકશે. 

ગત મહીને જાપાનના સિક્રેટ કાયદાના વિસ્તારમાં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલા જાપાન માત્ર પોતાના નજીકના સહયોગી અમેરિકા સાથે જ ડિફેન્સ ઈન્ટેલિજન્સ શેર કરતું હતું પરંતુ હવે આ યાદીમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે.

અનેક વિવાદો વચ્ચે 2014માં લાગુ થયેલા આ કાયદા પ્રમાણે જાપાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી જાણકારી લીક કરવા પર દંડ સહિત 10 વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદા અંતર્ગત સંરક્ષણ, રાજદ્વારી અને કાઉન્ટર ટેરરિઝમનો સમાવેશ થાય છે. 

મોનિટરિંગ બન્યું વધું મુશ્કેલ

વિદેશી સેના દ્વારા મળતી માહિતીને સ્ટેટ સિક્રેટ તરીકે વર્ગીકૃત કરવાથી સંયુક્ત અભ્યાસ અને ઉપકરણોના વિકાસ માટેની સમજૂતીમાં મદદ મળશે. આ સાથે જ ચીની સેનાની મૂવમેન્ટ અંગે ડેટા શેર કરવો પણ સરળ બનશે. જાપાનનું આ પગલું તેના પોતાના માટે પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે બેઈજિંગ પૂર્વીય ચીની સમુદ્રમાં જાપાનને સતત હેરાન કરી રહ્યું છે અને જાપાન માટે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવી અઘરૂં થઈ ગયું છે. 

ઝડપી બની ચીની ગતિવિધિઓ 

હાલ પૂર્વીય ચીની સમુદ્રમાં ચીનની ગતિવિધિઓમાં ખૂબ જ તેજી જણાઈ રહી છે. જાપાનના શાસન અંતર્ગતના સેંકાકૂ ટાપુ (Senkaku Islands)ની આજુબાજુ ચીની કોસ્ટ ગાર્ડના જહાજો ચક્કર કાપે છે. ચીન આ દ્વીપ પર એક કરાર અંતર્ગત પોતાનો દાવો ઠોકે છે.

ગુરૂવારે સતત 80મા દિવસે પણ ચીની જહાજો ત્યાં પહોંચી ગયા હતા. સિક્રેટ કાયદામાં ફેરફાર અંતર્ગત જાપાને ભારત, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે બંને પક્ષને વર્ગીકૃત સંરક્ષણ જાણકારી ગુપ્ત રાખવા બાંધે છે. આ તમામ દેશો ડેટા લીકનું જોખમ ઘટાડીને એકબીજા સાથે ડિફેન્સ જાણકારીઓ શેર કરશે. 

સંરક્ષણ ઉપકરણોનો સંયુક્ત વિકાસ

સંશોધન 2016માં પ્રભાવી સુરક્ષા કાયદા અંતર્ગત વ્યાપક સહયોગને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જોખમની સ્થિતિમાં જાપાન આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરી શકશે અને બીજી સેનાઓને ઈંધણ અને હથિયાર પુરા પાડી શકશે. આ માટે આ સેનાઓના કદ, ક્ષમતા અને કાર્યક્ષેત્રની વધારાની જાણકારીની જરૂર પડશે જે સિક્રેટ ડેટામાં સામેલ છે.

ચીનના જોખમમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વર્તમાન વર્ષોમાં જાપાને પોતાનો સંરક્ષણ સહયોગ વધાર્યો છે. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ઓસ્ટ્રેલિયાની સેનાએ ગત વર્ષે પહેલી વખત લડાકુ વિમાન સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો હતો અને 2015થી દર વર્ષે માલાબાર ખાતે મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ ભારત-અમેરિકા સાથે મળીને નૌસેના અભ્યાસમાં ભાગ લઈ રહી છે.