World

ઓપરેશન સિંદૂરમાં નાશ કરાયેલું જૈશનું બહાવલપુર મથક ફરી તૈયાર

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર ફરી બનાવ્યું છે. પાક. સરકારે આતંકી સંગઠનને ₹25 કરોડ આપ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં 26 ભારતીય પર્યટકોના ભોગ લેવાયા બાદ ભારતે પાકિસ્તાનમાં મિસાઈલ હુમલા કર્યા હતા. હવે મસૂદ અઝહરના ભાઈઓ તલ્હા અલ-સૈફ અને મોઇનુદ્દીન ઔરંગઝેબ મરકઝ સંભાળશે. ચીન પણ ભારત સરહદે 10,000 કિમી લાંબો રોડ બનાવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂરમાં નાશ કરાયેલું જૈશનું બહાવલપુર મથક ફરી તૈયાર

ઇસ્લામાબાદ/બેજિંગ : ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં અનેક આતંકી સ્થળોનો નાશ કર્યો હતો. જેમાં સૌથી વધુ નુકસાન બહાવલપુર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને થયું હતું. જોકે હવે આ ઓપરેશનના ૧૫ મહિના બાદ જૈશ-એ-મોહમ્મદના આ હેડક્વાર્ટરને ફરી તૈયાર કરી લેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે આ માટે ૨૫ કરોડ રૂપિયા આપ્યા હતા. એટલે કે ખુદ પાક. સરકાર દ્વારા આતંકીઓના આ મથકને ફરી ઉભુ કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનથી ઘૂસી આવેલા આતંકીઓએ હુમલો કરીને ૨૬ જેટલા ભારતીય પર્યટકોનો ભોગ લીધો હતો, આ હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. અને પાકિસ્તાનની અંદર મિસાઇલોનો મારો ચલાવ્યો હતો, બહાવલપુર સ્થિત જૈશના વડામથક મરકઝ પર પણ મિસાઇલો છોડી હતી જેને કારણે ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ હતી. સાથે જ અનેક આતંકીઓ પણ માર્યા ગયા હતા. જે બાદ પાકિસ્તાન સરકારે આતંકીઓના આ સ્થળો ફરી તૈયાર કરી આપવાની જાહેરાત કરીને ૨૫ કરોડની સહાય આપવા કહ્યું હતું.
એવામાં હવે ઓપરેશન સિંદૂરના આટલા સમય બાદ જૈશ-એ-મોહમ્મદના આ વડામથકની નવી તસવીરો અને અન્ય ગુપ્ત માહિતી સામે આવી છે. હાલ મરકઝને પહેલા જેવુ જ ફરી તૈયાર કરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધી મરકઝને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અને ભારતમાં અનેક લોકોનો ભોગ લેનારા આતંકવાદી મસૂદ અઝહર દ્વારા ચલાવાઇ રહ્યું હતું. જોકે હાલ મસૂદનું સ્વાસ્થ્ય કથળી ગયું હોવાથી હવે તેના ભાઇઓ તલ્હા અલ-સૈફ અને મોઇનુદ્દીન ઔરંગઝેબને આતંકીઓનું આ મથક સંભાળવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. એટલે કે આ સ્થળે કટ્ટરવાદી, આતંકવાદી બનવાની તાલીમ આપવાનું પણ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે.
એક તરફ પાકિસ્તાને ભારત વિરોધી આતંકી મથકને ફરી તૈયાર કરી લીધુ છે ત્યારે બીજી તરફ ચીન સરહદેથી પણ ચિંતાજનક અહેવાલો સામે આવી રહ્યા છે. ચીન ભારતની સરહદ પાસેથી પસાર થાય તે રીતે ૧૦ હજાર કિમી લાંબો રોડ તૈયાર કરી રહ્યું છે. ખુદ ચીનના મીડિયા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન સરહદ પાસે ૨૫૦૦૦ કિમી લાંબો રોડ તૈયાર કરી રહ્યું છે. જેમાં ૧૦ હજાર કિમી રોડ ભારતની સરહદની નજીકથી પસાર થવાનો છે. યુદ્ધ સમયે આ રોડ ભારત માટે મુશ્કેલી વધારી શકે છે. કેમ કે ચીની સૈનિકો આ રોડનો ઉપયોગ કરીને સરળતાથી હથિયારો સરહદ સુધી લાવી શકશે. આ રિપોર્ટ વચ્ચે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોવલ સોમવારે ચીનની મુલાકાત માટે જશે.