World

રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતની ટીકા કરતા યુરોપીય દેશોની જયશંકરે જીભ સીવી દીધી

By GS Team
12 Jun 20262 mins read
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતની ટીકા કરતા યુરોપીય દેશોની જયશંકરે જીભ સીવી દીધી

- યુરોપીય દેશોનાં શસ્ત્રો જ અમારી સામે વપરાય છે

- ફિન્લેન્ડમાં ફુલતારંતા ટોક્સ દરમિયાન જયશંકરે કહ્યું : ભારતનાં શસ્ત્રો કોઈ યુરોપીય દેશ વિરૂદ્ધ વપરાયાં નથી : ભારતે કદી યુરોપ માટે ભીતિ ઉભી કરી નથી

હેલસિંકા (ફીન્લેન્ડ) : યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખતાં, યુરોપીય દેશો દ્વારા કરાતી ટીકાનો સણસણતો ઉત્તર આપતાં, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપીય દેશો દ્વારા અપનાવવામાં આવતાં બેવડાં ધોરણોની ઉગ્ર ટીકા કરી હતી, અને કહ્યું હતું કે ભારત તેનાં રાષ્ટ્રીય હિતને અનુલક્ષીને તેની ઊર્જા જરૂરિયાતોની પ્રાથમિકતા નક્કી કરે છે.

અહીં યોજાઈ રહેલી કુબતરાંના ટોક્સમાં ઉદ્ગમી રહેલી શક્તિઓ અને નવી ભૂરાજકીય સ્પર્ધાઓ વિષચક્ર ચર્ચામાં ભાગ લેતા ભારતના મેઘાવી વિદેશમંત્રીએ યુરોપીય દેશોનાં બેવડાં ધોરણોની ટીકા કરતાં કહ્યું હતું કે યુરોપીય દેશોનાં શસ્ત્રો જ અમારી સામે વપરાય છે. આ શસ્ત્રો તેઓ અમારા પાડોશીઓને આપી રહ્યા છે. આ દ્વારા તેઓએ પાકિસ્તાનનો જ આડકતરો ઉલ્લેખ કર્યો હતો, તે કહેવાની જરૂર જ નથી.

આ સાથે એસ. જયશંકરે યુરોપના દેશોનું ધ્યાન દોરતાં કહ્યું હતું કે યુરોપનાં શસ્ત્રો અમારી સામે વપરાય છે પરંતુ ભારતનાં કોઈ શસ્ત્રો યુરોપીય દેશો વિરૂદ્ધ વપરાયાં નથી. યુરોપ તો વર્ષોથી માત્ર અત્યારે જ નહીં વર્ષોથી જે શસ્ત્રો વેચી રહ્યા છે તે અમારી સામે જ વપરાય છે. પરંતુ ભારતે તેવું કશું જ કર્યું નથી કે જેથી યુરોપ ઉપર ભીતિ ઉત્પન્ન થાય. મને લાગે છે કે આ તર્કશુદ્ધ વાત છે. આમ કહી યુક્રેન યુદ્ધ છતાં ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયનો સખત બચાવ કરવા સાથે ભારતની તે માટે ટીકા કરનારા દેશોની જીભ સીવી દીધી હતી.