Get The App

'એઆઈ ટેકનોલોજી ચલાવવાના ખર્ચ કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું'

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
'એઆઈ ટેકનોલોજી ચલાવવાના ખર્ચ કરતાં માણસ પાસે કામ કરાવવું સસ્તું' 1 - image

- એનવિડીયાના વાઈસ પ્રેસિડેન્ટ બ્રાયન કટનજારોનો મત

- દુનિયાના 77 ટકા ટાસ્ક માણસ કરે તો કંપનીઓને આર્થિક રીતે ફાયદો : 23 ટકા કાર્યોમાં એઆઈ ઉપયોગી: એમઆઈટી

વૉશિંગ્ટન : ટેકનોલોજીની ટોચની કંપની એનવીડિયાએ કહ્યું હતું કે એઆઈથી અનેક નોકરીઓનો ભોગ લેવાશે તેવી દહેશત ભલે હોય, પરંતુ હકીકત એ છે કે કંપનીઓને એઆઈ ટેકનોલોજી કરતાં માણસ પાસે કામ કરાવવાનું જ સસ્તું પડે છે. એઆઈ ટેકનોલોજી અત્યારે એટલી મોંઘી છે કે એ ચલાવવા કરતાં કર્મચારીઓને પગાર આપવાનું વધારે ફાયદાનો સોદો છે. એઆઈ ટેકનોલોજીમાં રોકાણ વધ્યું છે, પરંતુ તેના પર હજુ કંપનીઓને ભરોસો બેસતો નથી.

એનવીડિયાના ઉપપ્રમુખ બ્રાયન કટનજારોએ કહ્યું હતું કે એઆઈની કોસ્ટ માણસથી ક્યાંક વધારે છે. એમઆઈટીના રિસર્ચને ટાંકીને તેમણે કહ્યું: ૨૩ ટકા વિઝન આધારિત ટાસ્કમાં એઆઈનો ઉપયોગ ફાયદેમંદ છે. તે સિવાય ૭૭ ટકા કામોમાં માણસ જ સસ્તું કામ કરી શકે છે. મારી ટીમ માટે એઆઈ ટેકનોલોજી ચલાવવાનો ખર્ચ કર્મચારીઓના પગાર કરતાં ક્યાંય વધારે થાય છે. આવી જ વાત ઉબરના સીટીઓએ પણ કરી હતી કે એઆઈ ટૂલ્સ ખરીદવામાં તેમનું બજેટ ખૂબ વધી ગયું છે. સમસ્યા માત્ર બજેટ વધી જવાની પણ નથી. ભરોસાની પણ છે. એઆઈ ટેકનોલોજી એરર વગર કામ કરશે એવો ભરોસો રાખી શકાતો નથી. 

મોર્ગન સ્ટેન્લીએ એક અહેવાલમાં કહ્યું હતું કે ટેકનોલોજી કંપનીઓએ આ વર્ષે એઆઈ અને તેને લગતી વ્યવસ્થા માટે ૭૪૦ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે, જે એક જ વર્ષમાં ૬૯ ટકા વધારે છે. એઆઈ ટૂલ્સ મોંઘા હોવા છતાં કંપનીઓ એના તરફ ધ્યાન આપી રહી છે તેનું પણ જુદું કારણ છે. એવી વ્યાપક માન્યતા છે કે આગામી સમયમાં એઆઈ ટેકનોલોજી ૯૦ ટકા સુધી સસ્તી થઈ જશે. અત્યારે વીજળીનો ઉપયોગ એઆઈ પાછળ ખૂબ થાય છે એટલે ટેકનોલોજી ખૂબ મોંઘી છે, પરંતુ વીજળીનો કંઈક યોગ્ય ઉકેલ આવશે ત્યારે ટેકનોલોજી સસ્તી થઈ જશે. એવી ધારણા પણ છે કે એઆઈ ટેકનોલોજી આપતી કંપનીઓ પછીથી ઉપયોગ મુજબ ચાર્જ વસૂલશે એટલે ટેકનોલોજી સસ્તી થશે. અત્યારે એઆઈ ટૂલ્સ મોંઘાં હોવા છતાં ટેક કંપનીઓ એટલે એઆઈમાં રોકાણ કરી રહી છે કે જ્યારે આ ટૂલ્સ સસ્તાં થઈ જશે ત્યારે વધારે સારી રીતે કામ કરી શકાશે. વળી, અત્યારે જો એઆઈ ટેકનોલોજી એડપ્ટ ન કરી તો પાછળ રહી જવાશે એવો ડર પણ એઆઈ કંપનીઓને સતાવી રહ્યો છે.