Israel Somaliland diplomatic row: ઈન્ટરનેશનલ લેવલ પર ઇઝરાયલના એક તાજેતરના નિર્ણયે મોટો વિવાદ છેડ્યો છે. સોમાલીલેન્ડમાં ઇઝરાયલ દ્વારા પોતાના રાજદ્વારી પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવતા જ આફ્રિકાના હૉર્ન (Horn of Africa) વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે. આ મામલે સાઉદી અરબ અને કતાર સહિત વિશ્વના 16 ઇસ્લામિક દેશોએ ઇઝરાયલને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.
16 દેશોનું સંયુક્ત નિવેદન
શનિવારે, 18 એપ્રિલ 2026 ના રોજ દોહામાં મળેલી બેઠક બાદ કતાર, સાઉદી અરબ, ઇજિપ્ત, તુર્કી, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના 16 દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયલનો આ નિર્ણય સોમાલિયાની સંપ્રભુતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતાનું સીધું ઉલ્લંઘન છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર વિરુદ્ધનું આ પગલું એક ખતરનાક પરંપરા શરૂ કરી શકે છે. આ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સોમાલિયાની કાયદેસરની સરકાર સિવાય અન્ય કોઈ એકતરફી વ્યવસ્થાને માન્યતા આપશે નહીં.
શા માટે વિરોધ થઈ રહ્યો છે?
સોમાલીલેન્ડ એ ટેકનિકલી સોમાલિયાનો જ ભાગ ગણાય છે, જેને ઇઝરાયલે અલગથી પ્રતિનિધિ મોકલીને એક રીતે માન્યતા આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. ઇસ્લામિક દેશોનું માનવું છે કે ઇઝરાયલનું આ પગલું આફ્રિકન યુનિયનના સંવિધાનનું ઉલ્લંઘન કરે છે અને તેનાથી પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પર નકારાત્મક અસર પડશે.
હૉર્ન ઓફ આફ્રિકામાં અસ્થિરતાનો ભય
મુસ્લિમ દેશોના વિદેશ મંત્રીઓએ ચેતવણી આપી છે કે, હૉર્ન ઓફ આફ્રિકા વિસ્તાર પહેલેથી જ સંવેદનશીલ છે. ઇઝરાયલની આ દખલગીરીથી આ વિસ્તારમાં ચાલી રહેલા શાંતિના પ્રયાસોને મોટો ધક્કો લાગી શકે છે. કતારના વિદેશ મંત્રાલયે આ નિમણૂકને 'ગેરકાયદેસર' ગણાવી છે.
વિરોધ કરનારા પ્રમુખ દેશો
આ વિરોધમાં કતાર, કુવૈત, સાઉદી અરબ, ઇજિપ્ત, સોમાલિયા, સુદાન, લિબિયા, બાંગ્લાદેશ, અલ્જીરિયા, પેલેસ્ટાઈન, તુર્કી, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, મોરિટાનિયા, જોર્ડન અને ઓમાનનો સમાવેશ થાય છે. આ તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ સોમાલિયાની અખંડિતતાનું સન્માન કરે.


