World

ઈરાન સાથે શાંતિ વાટાઘાટો વચ્ચે લેબેનૉનમાં સીઝફાયર તૂટ્યું? નેતન્યાયહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આદેશ

By GS Team
26 May 20263 mins read
TukuTouch Logo
મિડિલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભયાનક વાદળો ઘેરાયા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહ સામેના હુમલા તેજ કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયલી સેનાએ લેબેનાન પર હવાઈ હુમલાનો નવો અને મોટો તબક્કો શરૂ કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે શાંતિ વાટાઘાટો વચ્ચે લેબેનૉનમાં સીઝફાયર તૂટ્યું? નેતન્યાયહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આદેશ

Israel Lebanon War 2026: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભયાનક વાદળો ઘેરાયા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહ સામેના હુમલા તેજ કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈઝરાયલી સેનાએ લેબેનૉન પર હવાઈ હુમલાનો નવો અને મોટો તબક્કો શરૂ કરી દીધો છે. આ હુમલા પૂર્વ લેબેનૉનની બેકા વેલી સહિત દેશના અન્ય ભાગોમાં કરવામાં આવ્યા છે. લેબેનૉન અને ઈઝરાયલ વચ્ચે અગાઉ થયેલી ૪૫ દિવસની યુદ્ધવિરામ (Ceasefire) લંબાવવાની સમજૂતી બાદ પણ આ હિંસક ટકરાવ સામે આવ્યો છે.

નેતન્યાહૂનું આક્રમક નિવેદન 600થી વધુ આતંકીઓનો સફાયો કર્યો

સોમવારે સાંજે એક વીડિયો સંદેશમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ઈઝરાયલ હાલમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધની સ્થિતિમાં છે અને સેનાને આદેશ અપાયો છે કે તેઓ સામેવાળા પક્ષ પર કચડી નાખનારો પ્રહાર કરે. અત્યાર સુધીના સૈન્ય ઓપરેશનમાં હિઝબુલ્લાહના 600થી વધુ લડવૈયાઓનો સફાયો કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિની માંગ છે કે હુમલાની તીવ્રતા અને સ્તર હજુ પણ વધુ વધારવામાં આવે. બીજી તરફ ઈઝરાયલ સરકારના બે કટ્ટરપંથી મંત્રીઓ બેઝાલેલ સ્મોટ્રિચ અને ઇતામાર બેન ગ્વીરે તો આ સૈન્ય અભિયાનને લેબેનૉનની રાજધાની બેરૂત સુધી લંબાવવાની માંગ કરી દીધી છે.

આ પણ વાંચો : 2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ

હિઝબુલ્લાહનો પલટવાર ડ્રોન અને રોકેટથી 22 હુમલા

ઈઝરાયલના આ આકરા પ્રહારો સામે લેબેનૉનની શિયા સશસ્ત્ર સંસ્થા હિઝબુલ્લાહે પણ જોરદાર જવાબી કાર્યવાહીનો દાવો કર્યો છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે જણાવ્યું છે કે, તેમણે ઈઝરાયલ દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનના જવાબમાં દક્ષિણ લેબેનૉન અને ઉત્તરી ઈઝરાયલના વિસ્તારોમાં 22 ડ્રોન અને રોકેટ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઈઝરાયલી સૈનિકો, ટેન્કો, સૈન્ય છાવણીઓ અને ઇમારતોને નિશાન બનાવવામાં આવ્યા છે.

માનવતાવાદી સંકટ અને વિસ્થાપન

16 એપ્રિલના રોજ સીઝફાયર સમજૂતી થયા બાદ ઈઝરાયલી સેનાના હુમલા મોટેભાગે દક્ષિણ લેબેનૉન પૂરતા સીમિત હતા, પરંતુ હવે પૂર્વ લેબેનૉન તરફ હુમલા વધતાં ચિંતા વધી છે. સીઝફાયર બાદથી અત્યાર સુધીમાં ઈઝરાયલના 10 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે લેબેનૉનમાં ભારે બોમ્બમારો અને હુમલાને કારણે 400થી વધુ લોકોના મોત થયા છે, જેમાં અનેક પેરામેડિક્સ અને ઈમરજન્સી સેવા આપતા કર્મચારીઓ સામેલ છે. ઈઝરાયલ દ્વારા દક્ષિણ લેબેનૉનમાં નાગરિકોને સતત ઘર ખાલી કરવાના આદેશો અપાતા હોવાથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત (બેઘર) થઈ ચૂક્યા છે.

આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં બેઠક

નોંધનીય છે કે, આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા આ પ્રાદેશિક સંઘર્ષ બાદ લેબેનૉનની આરોગ્ય મંત્રાલયના મતે ઈઝરાયલી હુમલાઓમાં 3,000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. લેબેનૉન સરકાર હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાના પ્રયાસો કરી રહી છે, પણ તે માટે સીઝફાયર અનિવાર્ય ગણાવી રહી છે. આ ભયાનક તણાવ વચ્ચે, આગામી સપ્તાહે અમેરિકાના વોશિંગ્ટન ખાતે ઈઝરાયલ અને લેબેનૉનના અધિકારીઓ વચ્ચે વધુ એક રાઉન્ડની વાટાઘાટો થવાની છે. જોકે, ઇરાન સરકાર અમેરિકા સાથે શાંતિ કરાર માટે તમામ મોરચે સંપૂર્ણ યુદ્ધવિરામની શરત રાખી રહી છે, જેની સામે ઈઝરાયલ સરકાર યુદ્ધ રોકવાના મૂડમાં દેખાતી નથી.