World

ઈરાન-અમેરિકા વચ્ચે જીનીવામાં મંત્રણા બાજી બગાડવા ઈઝરાયેલની પૂરેપૂરી તૈયારી

By GS Team
21 Jun 20262 mins read
ઈરાન-અમેરિકા વચ્ચે જીનીવામાં મંત્રણા બાજી બગાડવા ઈઝરાયેલની પૂરેપૂરી તૈયારી

આ અતિસંવેદનશીલ મંત્રણા માટે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ જીનીવા પહોંચ્યા ત્યારે લેબેનોન પર ફરી હુમલો કરી ઈઝરાયલે ૭ને મારી નાખ્યા ઃ અનેક ઘાયલ

જીનીવા: અમેરિકા-ઈરાન વચ્ચેની ટોચ કક્ષાની અહીં યોજાઈ રહેલી અતિ સંવેદનશીલ મંત્રણા ઉપર વિશ્વ સમસ્તની નજર હતી. મંત્રણાની સંવેદનશીલતા એટલી બધી છે કે તેમાં અમેરિકા તરફથી ભાગ લેવા તેના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ પોતે ઉપસ્થિત રહ્યા. સૌ કોઈ તે આશા બાંધી રહ્યા કે, વોશિંગ્ટન-તહેરાન વચ્ચે સત્તાવાર સમજૂતી થતાં તે ઉપર બંને દેશોના અગ્રીમ પ્રતિનિધિઓના હસ્તાક્ષર થશે. તેવે સમયે જ ઈઝરાયલે લેબેનોન ઉપર હુમલો કરી બાજી બગાડી નાખવાનો દાવ ખેલ્યો છે.

ઈઝરાયલી વાયુસેનાએ માત્ર લશ્કરી મથકો ઉપર જ હુમલા નથી કર્યા પરંતુ રહેણાંકના વિસ્તારો ઉપર પણ મિસાઇલ્સ છોડતાં ૭ના તો મોત થયા જ છે. મૃત્યુઆંક હજી પણ વધી રહેવા સંભવ છે. અનેક ઘાયલ થયા છે. ઘાયલો અને ખંડેરો નીચે દબાયેલાઓની સંખ્યા હજી સુધી જાણી શકાઈ નથી.

ઈઝરાયલે તેનું ભૂમિદળ પણ ઉતાર્યું છે, તે લેબેનોનનાં લશ્કરી મથકો તેમજ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. લેબેનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (એન.એન.એ) જણાવે છે કે ઈઝરાયલી સેનાએ વેસ્ટર્ન બેકા સ્થિત સોહમોર વિસ્તાર પર ભયાનક હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાથી તે વિસ્તારમાં તબાહી મચી ગઈ હતી, અને ઓછામાં ઓછા ૭ના મોત થયાં હતાં. અનેક ઘાયલ થયા હતા. મૃત્યુઆંક તથા ઘાયલોની સંખ્યા વધવા પૂરો સંભવ છે. કારણ કે મલબામાં હજી ઘણા દટાયેલા છે. સ્થાનિક પ્રશાસને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

મધ્યપૂર્વ અત્યારે તેવા ચાર રસ્તે ઉભું છે કે ત્યાંથી શાંતિ કે યુદ્ધ તેમ બંને તરફના માર્ગ નીકળી શકે તેમ છે. તેવે સમયે જ ઈઝરાયલની આ હરકતે ભારે ખળભળાટ મચાવી દીધો છે.