Israel Iran US War: પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ટક્કરના કારણે સ્થિતિ ચિંતાજનક છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર કહેર વર્તાવી રહ્યા છે. જવાબમાં ઈરાન પણ પાછીપાની કરવાના મૂડમાં નથી, તે પણ ઈરાનની આસપાસ આવેલા અમેરિકન બેઝ પર મિસાઈલનો વરસાદ કરી રહ્યું છે. તેવામાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર આમને સામને આવી ગયા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, બ્રિટનના વડા પ્રધાને ઈરાન પર હુમલો કરવા માટે ડિએગો ગાર્સિયા એર બેઝનો ઉપયોગ કરવા ન દીધો, આ સાથે ટ્રમ્પે બ્રિટનના વ્યવહાર પર નિરાશા પણ વ્યક્ત કરી.
ડિએગો ગાર્સિયા એર બેઝથી સૈન્ય કાર્યવાહીની મંજૂરી નહીં!
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ટેલીગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે ઈરાન પર હુમલા માટે ડિએગો ગાર્સિયા એર બેઝ ઉપયોગ કરવા માંગતા હતા, પરંતુ બ્રિટન તરફથી તેની અનુમતિ ન મળી, જેથી તે વડા પ્રધાન કીર સ્ટાર્મરથી નિરાશ છે. જો કે બાદમાં કીર સ્ટાર્મર માની ગયા તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે.
બ્રિટને ભાડાપટ્ટે અમેરિકાને આપ્યો છે ટાપુ
ઉલ્લેખનીય છે કે, ડિએગો ગાર્સિયા એર બેઝ (જે અધિકૃત રીતે NSF ડિએગો ગાર્સિયા તરીકે ઓળખાય છે) હિંદ મહાસાગરમાં સ્થિત બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરી (BIOT) માં આવેલું છે. જમીન બ્રિટનની છે, પણ તેનો ઉપયોગ મુખ્યત્વે અમેરિકા કરે છે. બ્રિટને આ ટાપુ અમેરિકાને લશ્કરી હેતુઓ માટે ભાડાપટ્ટે આપ્યો છે. તેથી, ત્યાંનું લશ્કરી મથક મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ નેવી અને એરફોર્સ દ્વારા ચલાવવામાં આવે છે.
બાદમાં બ્રિટેનના બદલાયા સૂર
ઉલ્લેખનીય છે કે, યુદ્ધ શરૂ થતાં જ બ્રિટને આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપીને અમેરિકાને ડિએગો ગાર્સિયા એર બેઝથી ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવાની ચોખ્ખી ના કહી હતી. જો કે રવિવારે રાત્રે વડા પ્રધાન કીર સ્ટાર્મરનું વલણ બદલાયું હતું. તેમણે વિશેષ અને સીમિત રક્ષા હેતું માટે ડિએગો ગાર્સિયા એર બેઝના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. પરંતુ ટ્રમ્પે કહ્યું કે, કીર સ્ટાર્મરે નિર્ણયમાં ફેરફાર કરવામાં ખૂબ જ વધારે સમય લીધો, અમેરિકા અને બ્રિટન વચ્ચે આવું પહેલી વખત થયું, મને લાગે છે કે વડા પ્રધાનને તેમની કાયદાકીય નીતિઓની ચિંતા હતી. પરંતુ કીર સ્ટાર્મરે શરૂઆતથી જ ઉપયોગની મંજૂરી આપવી જોઈતી હતી. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ઈરાન બ્રિટનમાં ઘણા લોકોના મોત માટે જવાબદાર છે, તેમ છતાં વડા પ્રધાનના શરૂઆતી નિર્ણયથી નિરાશ છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલ ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વિકલ્પો પર વાત કરી છે, જેમાં ખાસ કરીને હાલની યુદ્ધની સ્થિતિ, અમેરિકાને થતું નુકસાન અને ઈરાનના નવા શાસન પર અમેરિકાના પ્લાન અંગે વાત કરી છે. આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ ઈરાનનું નેતૃત્વ કોણ કરશે, તે અંગે ટ્રમ્પે કહ્યું, 'મારી પાસે ત્રણ ખૂબ જ સારા વિકલ્પો છે. હું અત્યારે તે જણાવીશ નહીં. પહેલા કામ પૂરું કરીએ. 'પછી તેમણે બીજી એક શક્યતા વિશે જણાવ્યું અને સૂચન કર્યું કે વર્તમાન સરકારને હટાવવી એ ઈરાનીઓ પર નિર્ભર રહેશે. તેઓ આવું કરે છે કે નહીં તે તેમના પર નિર્ભર રહેશે. તેઓ વર્ષોથી આ વિશે વાત કરી રહ્યા છે, તેથી હવે તેમની પાસે દેખીતી રીતે એક તક હશે.'


