World

ઈરાને હુમલા પહેલા જ જાણકારી આપી હતી: ટ્રમ્પના દાવાથી દુનિયા ચોંકી, લોકોએ કહ્યું- બધું 'ફિક્સ' હતું

By GS Team
24 Jun 20253 mins read
This article was originally published on 24 Jun 2025
TukuTouch Logo
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાએ પણ ઈરાન પર એરસ્ટ્રાઇક કરી હતી. 22 જૂનના રોજ અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. સામે ઈરાને પણ 24 કલાકથી ઓછા સમયમાં આનો જવાબ આપ્યો. જવાબમાં ઈરાને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી મથક અલ-ઉદેદને નિશાન બનાવ્યું. રસપ્રદ વાત તો એ છે કે ઈરાને હુમલા પહેલા અમેરિકા અને કતારને જાણ કરી હતી જેથી જાનમાલનું નુકસાન ઓછું થઈ શકે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. એવામાં પ્રશ્ન થાય કે હુમલા પહેલા જ જાણકારી આપવાનો અર્થ શું, આ બધું શું 'ફિક્સ' હતું?

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાને હુમલા પહેલા જ જાણકારી આપી હતી: ટ્રમ્પના દાવાથી દુનિયા ચોંકી, લોકોએ કહ્યું- બધું 'ફિક્સ' હતું
(PHOTO - IANS)

Israel-Iran Tension: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાએ પણ ઈરાન પર એરસ્ટ્રાઇક કરી હતી. 22 જૂનના રોજ અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. સામે ઈરાને પણ 24 કલાકથી ઓછા સમયમાં આનો જવાબ આપ્યો. જવાબમાં ઈરાને કતારમાં આવેલા અમેરિકી લશ્કરી મથક અલ-ઉદેદને નિશાન બનાવ્યું. રસપ્રદ વાત તો એ છે કે ઈરાને હુમલા પહેલા અમેરિકા અને કતારને જાણ કરી હતી જેથી જાનમાલનું નુકસાન ઓછું થઈ શકે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ આ વાતની પુષ્ટિ કરી હતી. એવામાં પ્રશ્ન થાય કે હુમલા પહેલા જ જાણકારી આપવાનો અર્થ શું, આ બધું શું 'ફિક્સ' હતું?

હુમલા પહેલા જ ઈરાને કરી દીધી હતી જાણ 

આખા મામલાનું અવલોકન કર્યા બાદ એવું કહી શકાય છે કે આ બધું ફિક્સ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પરના હુમલા અંગે પહેલાથી જ જાહેરાત કરી દીધી  હતી. તેમજ ઈરાને અમેરિકાના હુમલાનો જવાબ એવી રીતે આપ્યો કે ન તો ખૂબ જ આક્રમક લાગે કે ન તો ખૂબ નબળો લાગે. આ હુમલા અંગે અગાઉથી આપવામાં આવેલી સૂચના એવું દર્શાવે છે કે ઈરાન આ હુમલાનો ફક્ત જવાબ આપવા માંગતું હતું. 

હુમલાની જાણકારી મળતાં જ અમેરિકાએ તેના મોટાભાગના વિમાનો પહેલાથી જ કેન્સલ કરી દીધા. જ્યારે ઈરાને હુમલો કર્યો ત્યારે યુએસ બેઝ પર ફક્ત 5 અમેરિકન જેટ હતા. આ ઉપરાંત ઈરાને હુમલા પહેલા કતારને પણ જાણ કરી હતી. આ પછી કતારે પણ તેની એર સ્પેસ બંધ કરી હતી. 

આ ઉપરાંત જ્યારે અમેરિકાએ 21-22 જૂનના રોજ ઈરાન પર હુમલો કર્યો ત્યારે પણ અમેરિકાએ ઈરાનના યુરેનિયમ ભંડારને કોઈ જ નુકસાન પહોંચાડ્યું ન હતું. હુમલાનો હેતુ ફક્ત ઈરાનની પરમાણુ ક્ષમતાને નબળી પાડવાનો હતો. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના હુમલા પહેલા જ ઈરાને ફોર્ડોમાંથી તેનો સૌથી મહત્ત્વપૂર્ણ યુરેનિયમ ભંડાર (60%, 20% અને 3.67% શુદ્ધતાનો યુરેનિયમ) દૂર કરી દીધો હતો. 


અગાઉથી જાણ કરવા બદલ હું ઈરાનનો આભાર માનું છું: ટ્રમ્પ

ઈરાને અમેરિકાના હુમલાના જવાબમાં 23 જૂનની રાત્રે કતારમાં યુએસ લશ્કરી થાણાને નિશાન બનાવ્યા. આ મામલે ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર લખ્યું કે, 'ઈરાને અમે કરેલા હુમલાના જવાબમાં ખૂબ જ નબળી પ્રતિક્રિયા આપી. 14 મિસાઇલ છોડવામાં આવી હતી જેમાંથી 13 અમે તોડી પાડવામાં આવી હતી. મને એ જણાવતા આનંદ થાય છે કે કોઈ અમેરિકનને નુકસાન થયું નથી. આશા છે કે હવે વધુ નફરત નહીં ફેલાય. અગાઉથી જાણ કરવા બદલ હું ઈરાનનો આભાર માનું છું. કદાચ ઈરાન હવે પ્રદેશમાં શાંતિ અને સુમેળ તરફ આગળ વધી શકે છે. હું ઇઝરાયલને પણ એવું જ કરવા કહીશ.'

આ પણ વાંચો: 'ઈરાન ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારે', સીઝફાયરના દાવાઓ વચ્ચે ખામેનેઈનું મોટું નિવેદન

સોમવારે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી સીઝફાયરની જાહેરાત 

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ અને ઈરાન સીઝફાયર લાગુ કરવા માટે ઔપચારિક કરાર પર પહોંચી ગયા છે, જેમાં થોડા કલાકોમાં સંઘર્ષનો સત્તાવાર અંત આવવાની અપેક્ષા છે. ટ્રમ્પે લખ્યું હતું કે, 'બધાને અભિનંદન! ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણપણે સંમતિ થઈ ગઈ છે કે હવેથી લગભગ 6 કલાક પછી જ્યારે ઇઝરાયલ અને ઈરાન તેમના અંતિમ મિશન પૂર્ણ કરશે, ત્યારે 12 કલાક માટે સંપૂર્ણ સીઝફાયર થશે. આ પછી યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે.'

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કરી સ્પષ્ટતા 

જોકે, મીડિયા અહેવાલો અનુસાર ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, 'ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર અંગે કોઈ કરાર થયો નથી. દરમિયાન, સીઝફાયર અંગે ઇઝરાયલ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન દ્વારા પણ ઔપચારિક નિવેદનો જાહેર કરવામાં આવ્યા નથી.' જેના કારણે સીઝફાયરની જાહેરાત અંગે મૂંઝવણ અને શંકા હજુ પણ છે.