Israel Destroys Khamenei's Secret Bunker : અમેરિકા-ઈઝરાયેલનું ઈરાન સાથેનું યુદ્ધ ભયંકર તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ સહિત અનેક અધિકારી અને નેતાઓના મોત થયા બાદ ઈરાન આક્રમક બની ગયું છે. યુદ્ધના આજે સાતમા દિવસે પણ બંને તરફથી એકબીજા પર ડ્રોન અને મિસાઇલથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી વધુ ઈરાનની હાલત બદતર થઈ ગઈ છે. આ સાથે ઈરાન મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકન સૈન્ય બેઝને પણ નિશાન બનાવી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈઝરાયલે ચોંકાવનારો દાવો કરીને એક વીડિયો જાહેર કર્યો છે.
ઈઝાયલે ખામેનેઈનું અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ બંકર તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો
ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ માટે તેહરાનના રસ્તાઓ નીચે સૌથી સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બંકર બનાવાયું હતું, જે IDFએ સેકન્ડોમાં હુમલો કરી તોડી પાડ્યો છે. ઈઝરાયલે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘ઈરાન સરકારે સુપ્રીમ લીડરની સુરક્ષા કરવા માટે તેહરાનના રસ્તાઓ નીચે મોટાપાયે અંડરગ્રાઉન્ડ બનાવેલું હતું અને ત્યાં તમામ અત્યાધુનિક સુવિધા અને બેઠક રૂમો હતી.’ તેણે એવો પણ દાવો કર્યો છે કે, ખામેનેઈના મોત બાદ પણ તે અંડરગ્રાઉન્ટનો વરિષ્ઠ અધિકારીઓ ઉપયોગ કરી રહ્યા છે.’
ઈરાનમાં ઔદ્યોગિક વિસ્તારો ખાલી કરવા ચેતવણી
બીજી તરફ ઈઝરાયલી સેનાએ ઈરાનના કોમ શહેરમાં એક ઔદ્યોગિક વિસ્તારને તરત ખાલી કરવાનો અને લોકોને ત્યાંથી બહાર જતા રહેવાની ચેતવણી આપી છે. આઇડીએફએ ફારસી ભાષા એક્સ પર એક પોસ્ટમાં કોમ શોકોહિયેહ ઔદ્યોગિક વિસ્તારનો નક્શો શેર કર્યો છે. નક્શામાં એક વિસ્તાર પર લાલ રેખા દોરવામાં આવી છે. સેનાએ કહ્યું કે, થોડા કલાકોમાં આ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરશે. સેનાએ લોકોને કહ્યું છે કે, નક્શામાં દેખાતા વિસ્તારને તુરંત ખાલી કરવામાં આવે. ચેતવણી છતાં આ વિસ્તારમાં લોકો હશે તો તેમનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.


