Get The App

ઈરાનનો મોટો હુમલો : જૉર્ડન અને UAEમાં અમેરિકન રડાર સિસ્ટમ ધ્વસ્ત, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનનો મોટો હુમલો : જૉર્ડન અને UAEમાં અમેરિકન રડાર સિસ્ટમ ધ્વસ્ત, સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો 1 - image

Iran Destroy USA THAAD : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયો ચૂક્યો છે. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન ભયાનક વળતો પ્રહાર કરી રહ્યો છે અને તે આરબ દેશોમાં અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પુષ્ટિ કરે છે કે, ઈરાને જૉર્ડન, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારમાં અમેરિકાની અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે.

જૉર્ડનમાં 50 કરોડ ડૉલરનું રડાર રાખમાં ફેરવાયું

સેટેલાઇટ ઇમેજ મુજબ, જૉર્ડન સ્થિત મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાના THAAD (Terminal High Altitude Area Defense) મિસાઇલ બેટરીના રડાર સિસ્ટમને ઈરાને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. રેથિયૉન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ AN/TPY-2 રડારની કિંમત અંદાજે 50 કરોડ ડૉલર (આશરે ₹4,100 કરોડથી વધુ) છે. તસવીરોમાં એરબેઝ પાસે રેતમાં 13 ફૂટ પહોળા બે મોટા ખાડા દેખાય છે, જે સૂચવે છે કે રડારને સચોટ રીતે તોડી પાડવા માટે એકથી વધુ મિસાઇલોનો ઉપયોગ થયો હતો. પાંચ મોટા ટ્રેલર પર ગોઠવાયેલી આ આખી સિસ્ટમ હાલ સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે.

UAEના સૈન્ય મથકો પણ નિશાન પર

જૉર્ડન ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાતના રૂવૈસ અને સાદેર વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણા પર પણ ઈરાને હુમલો કર્યો છે. રૂવૈસમાં 3 અને સાદેરમાં 4 મહત્ત્વની ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ઇમારતોનો ઉપયોગ રડાર સિસ્ટમ અને સૈન્ય વાહનો રાખવા માટે થતો હતો. નિષ્ણાતો હજુ એ તપાસી રહ્યા છે કે આ રડાર અમેરિકી સેનાના હતા કે UAEએ અમેરિકા પાસેથી ખરીદેલા હતા.

આ પણ વાંચો : નેપાળની ચૂંટણીમાં યુવા નેતા બાલેન્દ્ર શાહનો દબદબો! ચીનના માનીતા નેતાના સૂપડાં સાફ

રડાર સિસ્ટમ શા માટે મહત્ત્વની છે?

કોઈપણ એર ડિફેન્સ નેટવર્કમાં રડાર તેની આંખ સમાન હોય છે. તે સેંકડો માઇલ દૂરથી આવતી બેલિસ્ટિક મિસાઇલ કે ડ્રોનને ઓળખીને ઇન્ટરસેપ્ટર મિસાઇલને લોકેશન આપે છે. ઈરાને આ રડાર તોડી પાડીને અમેરિકા અને તેના સહયોગી દેશોના સુરક્ષા કવચને નબળું પાડી દીધું છે. અમેરિકી સરકારના તાજેતરના નિવેદનો પણ હવે સ્પષ્ટ કરી રહ્યા છે કે, આ જંગ ધાર્યા કરતાં વધુ લાંબી ખેંચાઈ શકે છે. ઈરાન તરફથી મળેલો આ આંચકો અમેરિકા માટે દાયકાઓનો સૌથી મોટો સૈન્ય ફટકો માનવામાં આવી રહ્યો છે.

અમેરિકાની સૌથી ખતરનાક રડાર સિસ્ટમનો નાશ

થાડ માટે એવું કહેવામાં આવે છે કે તે પળવારમાં દુશ્મનની મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને બરબાદ કરી શકે છે. થાડ મિસાઇલ મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલને પ્રારંભિક તબક્કામાં જ નાશ કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. તે હીટ ટુ કિલ તકનીક પર કામ કરે છે. મતલબ કે તે દુશ્મનની મિસાઇલને રોકતી નથી પરંતુ તેનો નાશ જ કરી દે છે. થાડ 200 કિમી સુધી દૂર અને 150 કિમીની ઉંચાઈ પર પણ હુમલો કરવા માટે સક્ષમ છે. 

આ પણ વાંચો : વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં