US-Cuba Conflict : એક તરફ અમેરિકા-ઈઝરાયલે ડ્રોન અને મિસાઇલ ઝીંકીને ઈરાનની બદતર હાલત કરી નાખી છે, તો ઈરાન પણ જંગે ચઢેલા બંને દેશો સહિત આરબ દેશોમાં પણ સતત હુમલા કરી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકા હવે ક્યૂબા પર હુમલો કરવાના મૂડમાં હોવાની વિગતો સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જૂના ટ્વીટ અને મીડિયા નિવેદનોથી સામે આવ્યું છે કે, તેઓ પહેલેથી જ ક્યૂબા પર આડકતરી નજર રાખીને બેઠા છે. અમેરિકાએ નવા વર્ષની શરૂઆતમાં વેનેઝુએલામાં સત્તા પલટો કર્યો હતો, ત્યારે ટ્રમ્પે ક્યૂબાનો ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પે ક્યૂબાને આપી હતી ધમકી
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું હતું કે, ‘વેનેઝુએલા ઘણાં વર્ષોથી ક્યૂબાને મોટાપાયે ક્રૂડ ઓઇલ અને નાણાં આપી રહ્યું હતું, તો ક્યૂબાએ તેના બદલામાં વેનેઝુએલાના છેલ્લા બે તાનાશાહોને સુરક્ષા આપી હતી. જોકે હવે આ બધું વધુ નહીં ચાલે... વેનેઝુએલાને તે ગુંડાઓ અને બળજબરીથી વસૂલી કરનારાઓની સુરક્ષાની જરૂર નથી. હવે ક્યૂબાને વધુ તેલ અને નાણાં મોકલવામાં નહીં આવે - ઝીરો... મારી સલાહ છે કે, ઘણું મોડું થાય તે પહેલા તે (ક્યૂબા) સમજૂતી કરી લે.’
મીડિયા રિપોર્ટ મુજબ ક્યૂબાના રશિયા અને ચીન સાથે ગાઢ સંબંધો છે, જે અમેરિકાને પસંદ નથી. ટ્રમ્પને રશિયા પાસે બનતું નથી અને ચીન ખતરો હોવાનું અનુભવી રહ્યા છે. આ ગાઢ સંબંધોના કારણે અમેરિકા ક્યૂબાને ધાક-ધમકી આપી રહ્યું છે.
ક્યૂબાનો ઇતિહાસ અને અમેરિકા સાથે વિવાદ
ક્યૂબા અને અમેરિકા વચ્ચે અનેક દાયકા સુધી વિવાદ રહેલો છે. બંને દેશોના 125 વર્ષના ઇતિહાસની વાત કરીએ તો, ત્યારે ક્યૂબા પર સ્પેનનો અધિકાર હતો. 1898માં અમેરિકા સામેના યુદ્ધમાં સ્પેન હારી ગયું હતું, જેના કારણે તેણે ક્યૂબા અમેરિકાને સોંપી દીધું હતું. ત્યારપછી 1902માં ક્યૂબા સ્વતંત્ર થયું, જેમાં ટૉમસ ઈસ્ટ્રાડા પાલ્મા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. થોડા દિવસો બાદ પાલ્માએ રાજીનામું આપ્યું, પછી હોજે મિગુએલ ગોમેજના નેતૃત્વમાં બળવો થયો ત્યારે અમેરિકાએ ક્યૂબા પર કબજો કરી લીધો હતો.
ક્યૂબામાં વારંવા બળવો અને સત્તા પલટો
1909માં અમેરિકાની દેખરેખ હેઠળ ક્યૂબામાં ચૂંટણી યોજાઈ, જેમાં હોજે મિગુએલ ગોમેજ રાષ્ટ્રપતિ બન્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ પર ભ્રષ્ટાચારના આરોપો થયા. 1912માં ક્યૂબામાં ફરી મોટો વિવાદ ઊભો થયો, જેમાં બ્લેક લોકોએ નસ્લીય ભેદભાવ વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા અને તેને દબાવવા માટે અમેરિકન સેના ફરી ક્યૂબા આવી હતી. વર્ષ 1933માં ક્યૂબાની સેનાના અધિકારી ફુલગેન્સિયો બતિસ્તાના નેતૃત્વમાં સત્તા પલટાઈ અને જેરાર્ડો મચાડોને સત્તા પરથી હટાવી દેવાયા. 1953માં ફિદેલ કાસ્ત્રોએ બતિસ્તા શાસન વિરુદ્ધના બળવની આગેવાની કરી, જે સફળ થઈ.
ક્યૂબામાં અમેરિકાની માનીતી સરકાર હટતા શરૂ થયો વિવાદ
અહીંથી જ અમેરિકા અને ક્યૂબા વચ્ચે દુશ્મનાવટની શરૂઆત થઈ. દેશમાં અમેરિકન સમર્થનવાળી સરકારે છ વર્ષ સુધી શાસન સંભાળ્યું, ત્યારબાદ 1959માં ફિદેલે કાસ્ત્રોએ તે શાસને હટાવી દીધું હતું. અમેરિકાએ શરૂઆતમાં ફિદેલ સરકારનું સમર્થન કર્યું, પરંતુ ક્યૂબાએ પીંગે સોવિયત સંઘ સાથે સંબંધો વધારતા અમેરિકા નારાજ થયું હતું. ક્યૂબાએ સોવિયત સંઘ સાથે વેપાર શરૂ કર્યો, અમેરિકન કંપનીઓની સંપત્તિ પોતાના કબજામાં લીધી, અમેરિકન પ્રોડક્ટ પર ટેક્સ વધારવાની શરૂઆત કરી... આ તમામ બાબતોના કારણે અમેરિકા ક્યૂબાથી નારાજ થયું હતું.
ક્યૂબાએ સોવિયત સંઘ-ચીન સાથે સંબંધો વધારતા અમેરિકાને પડ્યો હતો વાંધો
બીજી તરફ અમેરિકાને જાણ થઈ કે, ક્યૂબાએ સોવિયત સંઘ સાથે ગાઢ સંબંધો વધાર્યા બાદ ચીન સાથે પણ મિત્રતા કરી રહ્યું છે, જે અમેરિકાને ગમ્યું નહીં અને ક્યૂબા વિરુદ્ધ કડક કાર્યવાહીઓ શરૂ કરી. અમેરિકાએ તેના પર આર્થિક દબાણ વધારવાની શરૂઆત કરી. અમેરિકાએ ક્યૂબા પાસેથી ચીનનો સામાન ખરીદવાનું બંધ કર્યા બાદ, સામાન મોકલવાનો પણ બંધ કરી દીધો. તે વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉન એફ કેનેડી હતા અને તેમણે ક્યૂબા પર સંપૂર્ણ આર્થિક પ્રતિબંધો ઝીંકવાની સાથે ટુરિઝમ-ટ્રાન્સપોર્ટ પણ બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો : નેપાળની ચૂંટણીમાં યુવા નેતા બાલેન્દ્ર શાહનો દબદબો! ચીનના માનીતા નેતાના સૂપડાં સાફ
ક્યૂબામાં અમેરિકન સૈન્ય ઓપરેશન અસફળ
અમેરિકાએ ક્યૂબા પર આર્થિક પ્રતિબંધો ઝીંકવાની બે વર્ષ થઈ ગયા હતા. આ ગાળા દરમિયાન અમેરિકાએ ક્યૂબાના નાગરિકોને મદદ આપવાની ખાતરી આપી હતી. તે પછી અમેરિકાએ ક્યૂબાની સરકાર પાડવા માટે સૈન્ય ઓપરેશન ચલાવ્યું, પરંતુ અમેરિકાએ મદદ ન કરતા ક્યૂબાઈ પ્રજાએ ઓપરેશનમાં ભાગ ન લીધો અને ત્રણ દિવસની અંદર આંતરિક બળવો પણ અસફળ કરી દીધો હતો.
પછી ક્યૂબાએ સોવિયત સંઘને ગુપ્ત રીતે પરમાણુ હથિયારો રાખવા મંજૂરી આપી, જે ઓક્ટોબર-1962માં અમેરિકન વિમાનો જોઈ ગયા હતા. આ કારણે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે 13 દિવસ સુધી ઘર્ષણ ચાલ્યું હતું. આ તણાવ વચ્ચે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ, જેમાં સોવિયત નેતા નિકિતા ખ્રુશ્વેવ મિસાઇલ હટાવવા માટે રાજી થયા અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ કેનેડીએ ક્યૂબા પર હુમલો ન કરવાનું વચન આપ્યું. તૂર્કેઈમાંથી પણ અમેરિકન મિસાઇલ હટાવવામાં આવી.
દરેક અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ક્યૂબા પર કર્યું દબાણ
જોકે આ સમજૂતી માત્ર કાર્યવાહી ન કરવા માટેની હતી, મનમાંથી ઝેર કાઢવા માટેની નહીં. તે પછી પણ અમેરિકા-ક્યૂબા વચ્ચે વિવાદ ચાલતો રહ્યો. અમેરિકાએ ક્યૂબાને અનેક દાયકાઓ સુધી આર્થિક અને રાજદ્વારી રીતે અલગ રાખ્યું. 1982માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને ક્યૂબાને આતંકવાદી સમર્થન દેશ કહ્યો. ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ જૉર્જ બુશ અને બિલ ક્લિન્ટને પણ ક્યૂબા પર દબાણ વધાર્યું અને હેલ્મ્સ-બર્ટન ઍક્ટ બનાવ્યો. આ ઍક્ટ મુજબ, જ્યાં સુધી ક્યૂબામાં લોકશાહી ન સ્થપાય, ત્યાં સુધી કાસ્ત્રો પરિવારની જ સત્તા રહેશે અને આર્થિક-રાજદ્વારી પ્રતિબંધો પણ હટશે નહીં.
એક સમય એવો આવ્યો કે, ક્યૂબા-અમેરિકા વચ્ચે સંબંધો સુધરવાની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા વર્ષ 2008માં સત્તા આવ્યા બાદ ક્યૂબા ગયા અને ત્યાં નાણાકીય મદદ કરવાના નિયમોમાં રાહત આપી. 2014માં ઓબામા અને ક્યૂબાના વડા રાઉલ કાસ્ત્રો વચ્ચે મુલાકાત થઈ, જેમાં રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવાની જાહેરાત કરવામાં આવી. આ સંબંધો હેઠળ દૂતાવાસ ફરી ખોલવામાં આવ્યા, ક્યૂબાને આતંકવાદી સમર્થન દેશોની યાદીમાંથી બહાર કઢાયું, 2016માં ઓમાબા ક્યૂબા ગયા. ઓબામાના કારણે 1928 બાદ પહેલીવાર એવું બન્યું કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ક્યૂબાનો પ્રવાસ કર્યો.
ટ્રમ્પને ક્યૂબાથી પડ્યો વાંધો, જો બાઇડને આપી આંશિક રાહત
ત્યારબાદ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રથમ કાર્યકાળ હતો. આ દરમિયાન તેમણે ઓબામાના તંત્રના મોટાભાગના નિર્ણયો ફેરવી નાખ્યા હતા. ટ્રમ્પે ક્યૂબા સેના સાથે સંકળાયેલી કંપનીઓ સાથે વેપાર બંધ કરી દીધો, દરિયાઈ અને હવાઈ પ્રવાસ પર પણ પ્રતિબંધ ઝીંક્યો. 2019માં ક્યૂબાને ફરી આતંકવાદી સમર્થન દેશ જાહેર કરવામાં આવ્યો.
ત્યારપછી જો બાઇડેન સત્તામાં આવ્યા અને તેમણે ઓબાના સરકારની જેમ નિયમોમાં આંશિક રાહત આપી. ક્યૂબા માટે વધુ ફ્લાઇટો શરૂ કરાઈ. જોકે 2021માં ક્યૂબા ફરી મુશ્કેલીમાં મૂકાયું. આ દરમિયાન જીવનજરૂરીયાત ચીજવસ્તુ, ખાણી-પીણી, દવાઓ, વીજળીની અછતના કારણો ક્યૂબાઈ નાગરિકો રોષે ભરાયા અને ઉગ્ર વિરોધ-પ્રદર્શનો કર્યા. આનાથી ક્યૂબાઈ સરકારે નારાજ થઈને આકરી કાર્યવાહી કરી અને ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું.
5 લાખ ક્યૂબાઈ અમેરિકન સરહદ પર આવ્યા
ક્યૂબાઈ સરકારની કાર્યવાહી અને નાગરિકોના ઉગ્ર પ્રદર્શનના કારણે અમેરિકા નારાજ થયું અને ફરી ક્યૂબા પર પ્રતિબંધો ઝીંકી દીધા. ત્યાર પછી ક્યૂબાની હાલત દિવસેને દિવસે બદતર થતી રહી. મોટી સંખ્યામાં લોકો અમેરિકા તરફ ભાગવા લાગ્યા. મીડિયા રિપોર્ટ મુજબ, 2021થી એપ્રિલ-2024 સુધીમાં લગભગ 5 લાખ ક્યૂબાઈ અમેરિકન સરહદ પર આવ્યા હતા. બાઇડન સરકારે માનવીય આધાર પર કેટલાક લોકોને મંજૂરી પણ આપી હતી. ત્યાર પછી ટ્રમ્પ સરકારે વેનેઝુએલાથી ક્યૂબા જતાં ક્રૂડ ઓઇલને રોકવા માટે કાર્યવાહી કરી હતી, જેમાં સરકારે શિપિંગ કંપનીઓ અને ક્યૂબાની સરકારી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા. વેનેઝુએલા અને ક્યૂબા પ્રત્યે ટ્રમ્પનું વલણ એક જેવું જ લાગી રહ્યું છે અને આ વલણના કારણે બંને દેશોની 67 વર્ષ જૂની દુશ્મનાવટ ફરી ચર્ચામાં આવી છે.


