Explainer : સુપર ડેમ કે સુપર ડિઝાસ્ટર? ચીનનો સૌથી મોટો પ્રોજેક્ટ ભારત સહિત દુનિયા માટે 'ટાઇમ બોમ્બ' સમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China Super Dam Threat For India : ઊર્જાનું અફાટ સામ્રાજ્ય ઊભું કરવા માટે વિવાદિત પ્રોજેક્ટ્સ બનાવવા માટે ચીન જાણીતું છે. પરંતુ આ વખતે ચીને કુદરત સાથે જે છેડછાડ શરૂ કરી છે, તે માત્ર એશિયા જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે વિનાશક સાબિત થઈ શકે તેમ છે. તિબેટમાં ભારતની સરહદની નજીક બની રહેલો 'મેડોગ હાઇડ્રોપાવર ડેમ' ટૅક્નોલૉજીની દૃષ્ટિએ કદાચ અજાયબી હોઈ શકે, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિએ તે એક 'ટાઇમ બોમ્બ' છે. ખુદ ચીનના સરકારી વૈજ્ઞાનિકોના એક ચોંકાવનારા રિપોર્ટે હવે આ પ્રોજેક્ટની મજબૂતાઈ અને હેતુ સામે સવાલો ઊભા કર્યા છે.
સક્રિય 'પિઝેન ફોલ્ટ લાઇન' પર ડેમનું નિર્માણ
ચીનની સરકારી ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં એક ગંભીર ખુલાસો થયો છે. તિબેટના મેડોગ કાઉન્ટીમાં યાર્લુંગ ત્સાંગપો (જે ભારતમાં ‘બ્રહ્મપુત્રા’ તરીકે ઓળખાય છે) નદી પર બની રહેલો આ ડેમ એક સક્રિય પિઝેન ફોલ્ટ (Pigen Fault) લાઇન પર આવેલો છે. વૈજ્ઞાનિકોના મતે, આ ફોલ્ટ લાઇન ડેમની સ્થિરતાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ સંશોધન ચેંગડુ યુનિવર્સિટી ઑફ ટૅક્નોલૉજી અને ચાઇના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના નિષ્ણાતો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે, જે મેન્ડરિન જર્નલ 'સેડિમેન્ટરી ભૂસ્તરશાસ્ત્ર અને ટેથ્યાન ભૂસ્તર'માં પ્રકાશિત થયું છે.
કેમ ખતરનાક છે પિઝેન ફોલ્ટ લાઇન?
- સક્રિય ઇતિહાસ: આ ફોલ્ટ લાઇન પ્લેઇસ્ટોસીન યુગ(આશરે 26 લાખ વર્ષ પહેલાં)થી સક્રિય છે. અહીંના જૂના તળાવોના કાંપ દર્શાવે છે કે 9500 વર્ષ પહેલાં પણ આ વિસ્તાર ભારે હલચલ અનુભવી ચૂક્યો છે.
- તાજેતરનો ભૂકંપ: વર્ષ 2017માં આ ફોલ્ટની ઉત્તર બાજુએ તિબેટમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જે આ વિસ્તારની સક્રિયતાનો જીવતો પુરાવો છે.
- નબળી જમીન: વારંવારની ભૂકંપ પ્રવૃત્તિને કારણે અહીંના ખડકોમાં મોટી તિરાડો પડી ગઈ છે. પરિણામે, જમીનની ક્ષમતા નબળી પડી છે અને તે આટલા વિશાળ ડેમ તેમજ તેના જળાશયના અતિશય વજનને સહન કરવા માટે સક્ષમ નથી.
મેડોગ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ: આંકડાની નજરે
ચીનનો આ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે, જેના મુખ્ય આંકડા નીચે મુજબ છે.
- સ્થાન: અરુણાચલ પ્રદેશની ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર.
- કુલ ક્ષમતા: 60,000 મેગાવોટ, જે ચીનના જ પ્રખ્યાત 'થ્રી ગોર્જ્સ ડેમ' કરતાં લગભગ 3 ગણી વધારે વીજળી પેદા કરશે.
- વાર્ષિક ઉત્પાદન: આશરે 300 બિલિયન કિલોવોટ-કલાક વીજળી.
- પ્રોજેક્ટનો ખર્ચ: 1 ટ્રિલિયન યુઆન (આશરે $137 બિલિયન).
- સમયરેખા: ચીને ડિસેમ્બર 2024માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેનું બાંધકામ જુલાઈ 2025માં શરૂ થઈ ચૂક્યું છે અને 2033 સુધીમાં તેને સંપૂર્ણ કાર્યરત કરવાનું લક્ષ્ય છે.
નદીનો પ્રવાહ
આ નદી પશ્ચિમ તિબેટના આંગ્સી ગ્લેશિયરમાંથી નીકળીને તિબેટમાં 1625 કિલોમીટર વહે છે. ત્યારબાદ ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે 918 કિલોમીટર અને બાંગ્લાદેશમાં જમુના તરીકે 337 કિલોમીટર વહીને બંગાળની ખાડીમાં મળે છે.
જળાશય અને ભૂસ્ખલનનું મોટું જોખમ
વૈજ્ઞાનિકોએ માત્ર ભૂકંપ જ નહીં, પરંતુ મોટા પાયે ભૂસ્ખલન(Landslide)ની પણ ચેતવણી આપી છે. ડેમની આસપાસની જમીન અત્યંત ઢીલી છે. જ્યારે આ વિશાળ જળાશય પાણીથી ભરાશે, ત્યારે પાણીના દબાણ, નદીના સતત પ્રવાહ અને ફોલ્ટ લાઇનની હિલચાલને કારણે આસપાસના પહાડો તૂટીને જળાશયમાં ખાબકી શકે છે. આ સ્થિતિ બાંધકામ અને કાર્યકાળ બંને દરમિયાન અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે.
ભારત અને બાંગ્લાદેશ માટે ચિંતાની બાબત છે?
ભારત અને બાંગ્લાદેશ આ સમગ્ર પ્રોજેક્ટ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ભારત દ્વારા પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની ચર્ચાઓ વચ્ચે ચીને તેના મિત્ર પાકિસ્તાનની પડખે રહીને આ પ્રોજેક્ટને વેગ આપ્યો હોય તેમ જણાય છે. જોકે, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન(ORF)ના પાણી નિષ્ણાત નીલાંજન ઘોષના જણાવ્યા અનુસાર, ચીન ભારતનું પાણી સંપૂર્ણપણે રોકી શકશે નહીં. તેનું મુખ્ય કારણ એ છે કે,
- યાર્લુંગ ત્સાંગપો નદી બ્રહ્મપુત્રાના કુલ પાણીમાં માત્ર 10થી 15 ટકા જ હિસ્સો ધરાવે છે. બાકીનું મોટાભાગનું પાણી ભારતમાં મળતી તેની ઉપનદીઓ અને ચોમાસાના વરસાદમાંથી આવે છે.
- જો ચીન પાણીનો પ્રવાહ રોકવાનો કે ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરશે, તો ભારે કાંપ (Silt) જમા થવાને કારણે ચીનના પોતાના જ ઉપલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાશે.
તેથી, ચિંતા એ નથી કે ચીન ભારતનું પાણી બંધ કરી દેશે. ખરી ચિંતા એ છે કે હિમાલયના સૌથી વધુ ભૂકંપ-સંભવિત વિસ્તારમાં બની રહેલો આ મહાકાય ડેમ જો કુદરતી આપત્તિ કે ભૂકંપને કારણે ક્યારેય તૂટશે, તો નીચલા વિસ્તારોમાં વસતા ભારત અને બાંગ્લાદેશના કરોડો લોકો પળવારમાં તણાઈ જશે. ચીનનો આ 'સુપર ડેમ' ભવિષ્યમાં કોઈ 'સુપર ડિઝાસ્ટર' ન બને તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષાના કડક પગલાંની સમીક્ષા થવી અનિવાર્ય છે.
ભારતે લીધું અગમચેતીનું પગલું
ચીનના આ જોખમનો સામનો કરવા માટે ભારતે પણ અરુણાચલ પ્રદેશમાં આશરે 11,000 મેગાવોટનો ‘અપર સિયાંગ (Upper Siang) મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ’ પ્લાન કર્યો છે, જેથી જો ચીન અચાનક પાણી છોડે તો તેને સંગ્રહિત કરીને પૂર નિયંત્રિત કરી શકાય.









