World

ચીનની આર્થિક સત્તા જોખમમાં? સાડા 3 વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો ડ્રેગનનો GDP ગ્રોથ!

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
ચીનનો GDP ગ્રોથ બીજા ક્વાર્ટરમાં 3.5 વર્ષના તળિયે 4.3% પર પહોંચ્યો છે. સ્થાનિક વપરાશ ઘટતા ઉત્પાદન અને નિકાસ પર નિર્ભરતા વધી છે. રિટેલ વેચાણ 1.0% વધ્યું, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન 5.3% વધ્યું. રિયલ એસ્ટેટ અને રોજગારીમાં ઘટાડો થયો છે. અમેરિકી ટેરિફ અને EUના નિયંત્રણો વૈશ્વિક બજાર પર નિર્ભર ચીન માટે પડકારરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનની આર્થિક સત્તા જોખમમાં? સાડા 3 વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો ડ્રેગનનો GDP ગ્રોથ!

China GDP Growth Slows To 3.5 Year Low : ચીનનો આર્થિક વિકાસ દર ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયગાળામાં સૌથી ધીમો રહ્યો છે, જે અગાઉના અંદાજો કરતાં ઘણો ઓછો છે. નબળા ડોમેસ્ટીક વપરાશ (કન્ઝમ્પશન)ને કારણે મજબૂત ઉત્પાદન અને નિકાસ પર પાણી ફરી વળ્યું છે, જેના લીધે ચીનના અસંતુલિત આર્થિક મોડલની લાંબા ગાળાની સ્થિરતા સામે ચિંતાઓ વધી ગઈ છે. બીજા ક્વાર્ટરમાં ચીનનો GDP ગ્રોથ રેટ ઘટીને 4.3% થયો છે, જે પ્રથમ ક્વાર્ટરમાં 5.0% હતો. આ આંકડો ચીનના આખા વર્ષના 4.5% થી 5.0% ના લક્ષ્યાંકથી પણ નીચે છે.

આંતરિક બજારમાં ભારે મંદી

આંકડા દર્શાવે છે કે, જૂન મહિનામાં ચીનમાં રિટેલ વેચાણ માત્ર 1.0% વધ્યું છે, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન (ઔદ્યોગિક આઉટપુટ) 5.3% વધ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, ચીનનું અર્થતંત્ર સ્થાનિક માંગને બદલે વૈશ્વિક બજાર પર વધુ નિર્ભર છે. પૂર્વી ચીનમાં યુરોપિયન સામાનની આયાતનો વ્યવસાય કરતા લોકોનું કહેવું છે કે, વર્ષની શરૂઆતથી તેની આવક લગભગ અડધી થઈ ગઈ છે. તેમના ભાડા ઘર છેલ્લા છ મહિનાથી ખાલી પડ્યા છે, જે ચીનની રિયલ એસ્ટેટ કટોકટી અને મકાનોના અતિશય પુરવઠાને પ્રતિબિંબિત કરે છે.

રોજગારી અને રોકાણમાં ઘટાડો

ઉદ્યોગોમાં ઓવરકેપેસિટી(વધુ પડતું ઉત્પાદન), અમેરિકી ટૅરિફ અને ઉત્પાદકો વચ્ચેની કિંમતોની સ્પર્ધાને કારણે ફેક્ટરીઓમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીને કારણે લોકોની સંપત્તિ ઘટી છે, અને બાંધકામ ક્ષેત્રે રોજગારી પર માઠી અસર થઈ છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન પ્રોપર્ટી સેક્ટરમાં રોકાણ વાર્ષિક ધોરણે 18% ઘટ્યું છે. સરકારી તબીબી ક્ષેત્રે ફંડની અછત હોવાના કારણે લોકોની આવકમાં ભારે ઘટાડો થયો છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન ચીનનું ફિક્સ્ડ-એસેટ ન્વેસ્ટમેન્ટ વાર્ષિક ધોરણે 5.7% ઘટ્યું છે, જેમાં સરકારી ક્ષેત્રના રોકાણમાં પણ 2.3%નો ઘટાડો નોંધાયો છે.

નિકાસ પર વધતી નિર્ભરતા અને વૈશ્વિક જોખમો

હવે ચીનનો આર્થિક વિકાસ દર વધારવાની સંપૂર્ણ જવાબદારી નિકાસ(એક્સપોર્ટ) પર આવી ગઈ છે. ટ્રેડ ડેટા દર્શાવે છે કે, વૈશ્વિક AI ક્રાંતિને કારણે ચીનની નિકાસમાં 27%નો જોરદાર ઉછાળો આવ્યો છે. જો કે, આ તેજી કામચલાઉ હોઈ શકે છે, કારણ કે અમેરિકા આગામી સમયમાં ટૅરિફ વધારી શકે છે. અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા ચીનથી આવતા સામાન પર 12.5% ટટૅરિફ લાદવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત, યુરોપિયન યુનિયન (EU) પણ તેના સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે ચીનથી થતી આયાત પર નિયંત્રણો લાદવાની યોજના બનાવી રહ્યું છે. સાથે જ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ પણ વૈશ્વિક અર્થતંત્ર માટે અનિશ્ચિતતા ઊભી કરી રહ્યો છે.