ઈરાનમાં જીવતો બોમ્બ ફાટતાં 14 સૈનિકોના મોત, યુદ્ધ દરમિયાન અમેરિકા-ઈઝરાયલે ઝીંક્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Blast News : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. 'ઓર્ડનન્સ ક્લિયરન્સ' એટલે કે જીવંત બોમ્બ અને દારૂગોળાને હટાવવાના મિશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઈરાની સેના IRGC (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના 14 જવાનોના મોત નીપજ્યા છે.
દુર્ઘટનાની વિગત
ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા જંજાન પ્રાંતમાં આ અકસ્માત સર્જાયો હતો. IRGC ની એક ટીમ ખેતીની જમીન પર વિખરાયેલા ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક એક વિસ્ફોટ થતા 14 જવાનોના મોત થયા અને 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ અનુસાર, આ વિસ્તારમાં અંદાજે 1200 હેક્ટર ખેતીની જમીન પર આવા જોખમી જીવંત બોમ્બ ફેલાયેલા છે.
IRGC એ અમેરિકા પર શું આરોપ લગાવ્યો?
દુર્ઘટના વચ્ચે IRGC એ અમેરિકા સામે આકરા પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ પ્રશાસન હવે 'દુનિયાની ઊર્જા કાબૂમાં રાખવા' ને બદલે 'બાધા નાખવાની' (Interruption) નીતિ પર ઉતરી આવ્યું છે. હોર્મુઝની ખાડીની નાકાબંધીનો હેતુ ચીન, રશિયા અને યુરોપને રોકવાનો છે, જે યોજના 20 દિવસમાં જ નિષ્ફળ ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આકરું વલણ
બીજી તરફ, વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનના નેતૃત્વમાં ભારે વિખવાદ છે અને ત્યાં 3 થી 4 અલગ-અલગ જૂથો છે જે અલગ-અલગ દિશામાં ખેંચાઈ રહ્યા છે, જેના કારણે સમજૂતીમાં મુશ્કેલી પડી રહી છે. જોકે ટ્રમ્પે સ્વીકાર્યું કે ઈરાનના તમામ જૂથો કોઈને કોઈ પ્રકારની સમજૂતી ઈચ્છે છે, પણ હાલની સ્થિતિ જોતા શાંતિની રાહ હજુ પણ ઘણી મુશ્કેલ જણાય છે.









