World

પરમાણુ અંગે ઈરાનની નવી ચાલથી અમેરિકા-ઈઝરાયલ ટેન્શનમાં, સેટેલાઈટ તસવીરોમાં પોલ ખુલી

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મંત્રણાના સંકેતો વચ્ચે, ઈરાને ગુપ્ત રીતે સૈન્ય તાકાત વધારવાનું શરૂ કર્યું છે. સેટેલાઇટ તસવીરો મુજબ, ઈરાનના સંવેદનશીલ પરમાણુ અને મિસાઈલ ઠેકાણાઓ પર નવી હલચલ જોવા મળી છે. તાજેતરના હુમલાઓમાં થયેલું નુકસાન ભરપાઈ કરવા ઈરાન પુનઃનિર્માણ કરી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન વાતચીત માટે તૈયાર છે, પરંતુ યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે, જે અમેરિકા અને ઈઝરાયેલની ચિંતા વધારી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરમાણુ અંગે ઈરાનની નવી ચાલથી અમેરિકા-ઈઝરાયલ ટેન્શનમાં, સેટેલાઈટ તસવીરોમાં પોલ ખુલી

US Iran Nuclear Talks: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ફરીથી વાતચીત શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પડદા પાછળ પોતાની સૈન્ય તાકાત વધારવાની નવી ચાલ શરૂ કરી દીધી છે. આ આખા ઘટનાક્રમે અમેરિકા અને ઈઝરાયલ બંને દેશોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે, ઈરાનના કેટલાક અત્યંત સંવેદનશીલ પરમાણુ મથકો અને મિસાઇલ ઠેકાણાઓ પર અચાનક નવી હલચલ વધી ગઈ છે. આ તસવીરો સ્પષ્ટપણે એવો ઈશારો કરે છે કે તાજેતરમાં અમેરિકન અને ઈઝરાયલી હુમલામાં ઈરાનની જે સૈન્ય સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું, તેને ફરીથી બેઠી કરવા અને આ ગુપ્ત ઠેકાણાઓનું પુનઃનિર્માણ કરવા માટે ઈરાન અત્યારે પૂરેપૂરું જોર લગાવી રહ્યું છે.

ટ્રમ્પની મોટી જાહેરાત: વાતચીત માટે સહમતી, પણ સીઝફાયર ખતમ!

આ આખી ઘટના વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઈરાને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને વોશિંગ્ટન પણ તેના માટે તૈયાર છે. જોકે, ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે બંને દેશો વચ્ચે થયેલો યુદ્ધવિરામ હવે સત્તાવાર રીતે પૂરો થઈ ગયો છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'ઈરાને અમને વાતચીત આગળ વધારવા માટે કહ્યું છે અને અમે તેના માટે સહમતી આપી દીધી છે, પરંતુ અમે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે સીઝફાયર હવે ખતમ થઈ ચૂક્યું છે.' આ સ્થિતિ દર્શાવે છે કે એક તરફ શાંતિની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ બંને પક્ષે ભારે તણાવ પણ યથાવત છે.

સેટેલાઇટ તસવીરોમાં શું ખુલાસો થયો?

વિઝ્યુઅલ રિસર્ચ અનુસાર, જૂન મહિનાના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં ઈરાનના અનેક પ્રતિબંધિત અને સંવેદનશીલ વિસ્તારોમાં મોટી ગતિવિધિઓ નોંધાઈ છે. સૌથી વધુ હલચલ 'પારચિન સૈન્ય સંકુલ'ના 'તાલેઘાન-2' વિસ્તારમાં જોવા મળી છે. સંરક્ષણ ક્ષેત્રના એક્સપર્ટ્સનું માનવું છે કે ભૂતકાળમાં આ જગ્યાનો ઉપયોગ પરમાણુ હથિયારો સાથે જોડાયેલી સામગ્રી રાખવા માટે થતો હતો. 22 જૂન અને 7 જુલાઈની તસવીરોની સરખામણી કરતાં માલૂમ પડ્યું છે કે, અમેરિકન અને ઈઝરાયલી હુમલામાં આ સંકુલના જે હિસ્સાને ભારે નુકસાન થયું હતું, ત્યાં ઈરાને અચાનક જ સમારકામ અને પુનઃનિર્માણનું કામ ખૂબ જ ઝડપથી શરૂ કરી દીધું છે.

અંડરગ્રાઉન્ડ અડ્ડાઓ અને ગુપ્ત સુરંગોમાં ભારે હલચલ

આ અહેવાલમાં 'પિકએક્સ માઉન્ટેન'નો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઈરાનનું સંભવિત અંડરગ્રાઉન્ડ પરમાણુ ઠેકાણું માનવામાં આવે છે. 21 જૂનની સેટેલાઇટ તસવીરોમાં આ પહાડી વિસ્તારમાં આવેલી ગુપ્ત સુરંગોની અંદર અને બહાર અનેક વાહનોની અવરજવર થતી હોવાનું સામે આવ્યું છે. આ નવીનતમ તસવીરો સામે આવ્યા બાદ હવે વૈશ્વિક સ્તરે એવી અટકળો તેજ થઈ ગઈ છે કે ઈરાન કોઈપણ ભોગે પોતાના અંડરગ્રાઉન્ડ પરમાણુ મથકોને ફરીથી સક્રિય અને મજબૂત કરવાની કોશિશમાં લાગી ગયું છે, જે આગામી સમયમાં મધ્ય-પૂર્વમાં મોટા યુદ્ધના સંકેત આપી રહ્યું છે.