World

અમેરિકા સાથે સમજૂતી માટે ઇરાનની નવી શરતો, અરાઘચીએ પોસ્ટ લખી : ડોનાલ્ડ ટ્રમ્પે રી પોસ્ટ કર્યું

By GS Team
13 Jun 20263 mins read
અમેરિકા સાથે સમજૂતી માટે ઇરાનની નવી શરતો, અરાઘચીએ પોસ્ટ લખી : ડોનાલ્ડ ટ્રમ્પે રી પોસ્ટ કર્યું

- ઇરાનની શર્તો : (1) અમેરિકાએ નૌસેના નાકાબંધી ઉઠાવી લેવી જોઇએ (2) હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર સર્વિસ ચાર્જ લઇ શકાય (3) યુદ્ધ ખર્ચ ભરપાઈ કરી આપો

નવી દિલ્હી : પ્રાથમિક દ્રષ્ટિએ મધ્યપૂર્વમાં યુદ્ધ બંધ થવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ વચ્ચે સોમવારે યોજાનારી શાંતિ મંત્રણા બાદ બંને દેશોના પ્રતિનિધિઓ શાંતિ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરશે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રારંભિક સમજૂતી સધાઈ ગઈ હોવાનો દાવો કર્યો છે. તેઓએ સમજૂતીની શર્તોનો ઉલ્લેખ એક ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો, તેમજ તેમના ઠ હેન્ડલ પર એક પોસ્ટ પણ લખી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રી-પોસ્ટ પણ કર્યું અને સંકેત આપ્યો હતો કે સોમવારે બંને દેશો વચ્ચે સમજૂતી ઉપર હસ્તાક્ષર થવા સંભવ છે. સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો સમજૂતી નહીં સધાય તો મિડલ ઇસ્ટમાં તેવો માહોલ બનશે કે જેવો માહોલ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે.

બીજી તરફ અરાઘચીએ ઇરાનની સરકારી ન્યૂઝ એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં અમેરિકા સાથે પરમાણુ અને શાંતિ મંત્રણા આગળ વધી રહી છે. તેવો ઉલ્લેખ કર્યો હતો. તે પ્રાથમિક સમજૂતી હશે. તેમ કહેવા સાથે અરાઘચીએ કહ્યું કે : 'આ પ્રાથમિક સમજૂતી અમલી કરવા માટે અમેરિકાને ૬૦ દિવસનો સમય આપવામાં આવશે. જો ૬૦ દિવસમાં અમેરિકા તે શર્તો પૂરી નહીં કરે તો મિડલ ઇસ્ટમાં સ્થિતિ પહેલાં જેવી જ બની રહેશે અને અમેરિકા સાથે સમજૂતી કરવાના દરવાજા સદાને માટે બંધ કરી દેવાશે.

અરાઘચીએ વધુમાં જણાવ્યું કે પ્રાથમિક સમજૂતીના મુસદ્દા સંબંધે નિર્ણય તો ઇરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (સુપ્રીમ - નેશનલ - સિક્યુરીટી - કમીટી - એસ.એન.એસ.સી) માં સર્વ સંમતિથી લેવાશે.

જો તેને મંજૂરી મળસે તો જ સમજૂતી ઉપર હસ્તાક્ષર પણ દૂરથી (રીમોટલી) કરવામાં આવશે.

 પરમાણુ સમજૂતીના મુદ્દે તેમણે સ્પષ્ટ કહ્યું કે, પ્રારંભિક સમજૂતી અમલી બને પછી બીજાં ચરણમાં પરમાણુ સમજૂતી ઉપર ચર્ચા કરીશું. જો કે સંવર્ધિત યુરેનિયમ અંગે ઇરાનનું વલણ બહુ સ્પષ્ટ છે. તે બીજા કોઈ દેશને સોંપવામાં નહી આવે.

તેઓએ આ ઇન્ટરવ્યુમાં પ્રાથમિક સમજૂતીની ઇરાનની શર્તો. જણાવતાં કહ્યું : સૌથી પહેલી શર્ત અમેરિકાએ નૌસેના નાકાબંધી ઉઠાવી લેવી જોઇએ તે છે. આંતરરાષ્ટ્રીય કાનૂન નીચે હોર્મુઝ - સ્ટ્રેઇટ્સમાંથી પસાર થતાં જહાજો ઉપર ટોલ ટેક્સ તો લઇ ન શકાય પરંતુ સર્વિસ ફી લેવામાં આવશે. બીજું ઇરાનને આ યુદ્ધમાં થયેલું નુકસાન અમેરિકાએ ભરપાઈ કરી આપવું પડે. ત્રીજું હોર્મુઝ ઉપર ઇરાન અને ઓમાન તેમ બંનેનો કંટ્રોલ રહે. તેનાં મેનેજમેન્ટ માટે બંને દેશો સાથે મળી યોજના ઘડી કાઢશે. ચોથી શરત તે છે કે ઇરાનની જપ્ત કરાયેલી કોઈ સંપત્તિ ફ્રીઝ નહીં થાય. પાંચમી શર્ત તે છે કે લેબેનોન અને હિઝબુલ્લાહ વિરૂદ્ધનાં ઇઝરાયલનાં યુદ્ધનો અંત દરેક મોર્ચા પર આવવો જ જોઇએ.

અરાઘચીની આ શર્તો જાણી કેટલાક વિશ્લેષકો તો નિ:શ્વાસ સાથે કહે છે કે તે શર્તો તમામ તો અમેરિકા સ્વીકારે તે સંભવિત નથી. હવે તો ૬૦ દિવસ પહેલાં જ મહાયુદ્ધ માટે દુનિયાએ તૈયાર રહેવું પડશે.