World

ઈરાનનો નવો દાવ! હોર્મુઝમાં ટોલ ટેક્સ, ડૉલરનો ખેલ ખતમ કરવા મનફાવે તે કરન્સીમાં કરશે વસૂલી

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી સેવાઓના નામે 'ટોલ ફી' વસૂલવાની યોજના બનાવી છે. ઈરાનની સંસદીય સમિતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે વૈશ્વિક વેપાર માટે ખતરો છે. અમેરિકન ડોલરને પડકારવા ઈરાની રિયાલ કે અન્ય કરન્સીમાં ચૂકવણી સ્વીકારાશે. આ નિર્ણય અમેરિકી પ્રતિબંધો અને આર્થિક કટોકટીનો સામનો કરવા લેવાયો છે, જેનાથી ક્ષેત્રીય તણાવ વધવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનો નવો દાવ! હોર્મુઝમાં ટોલ ટેક્સ, ડૉલરનો ખેલ ખતમ કરવા મનફાવે તે કરન્સીમાં કરશે વસૂલી

Iran New toll Tax : વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને લઈને ઈરાને એક અત્યંત મોટો અને આક્રમક પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદીય સમિતિ (રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિ) એ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી સેવાઓના નામે ચાર્જ એટલે કે 'ટોલ ફી' વસૂલવાની યોજનાને આગળ ધપાવી છે. ઈરાનના આ નિર્ણયને વૈશ્વિક વેપાર અને ખાસ કરીને મિડલ ઈસ્ટની સુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે.

ગમે તે કરન્સીમાં પેમેન્ટની છૂટ: ડોલરને સીધો પડકાર

ઈરાની સરકારી મીડિયાના અહેવાલો મુજબ, પ્રસ્તાવિત વ્યુહાત્મક યોજનાના આર્ટિકલ 3 હેઠળ ઈરાન તે તમામ દરિયાઈ જહાજો પર શુલ્ક લગાવી શકશે જે તેના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થાય છે. આ ફી નેવિગેશન, પર્યાવરણ સુરક્ષા, વીમો (Insurance) અને સુરક્ષા સંબંધિત સેવાઓના બદલામાં લેવામાં આવશે. ઈરાની સાંસદ હસન ઘશઘવીના જણાવ્યા મુજબ, આ શુલ્ક ઈરાની રિયાલ અથવા ઈરાન નક્કી કરે તે સિવાયની અન્ય કોઈ પણ કરન્સીમાં ચૂકવી શકાશે. ઈરાનનો આ નિર્ણય સીધી રીતે અમેરિકન ડોલરના વર્ચસ્વને પડકારવા સમાન છે.

શું ઈરાન કાયદેસર રીતે આ ચાર્જ વસૂલી શકે?

સંયુક્ત રાષ્ટ્રના દરિયાઈ કાયદા (UNCLOS) મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય જહાજની અવરજવર રોકી શકતું નથી કે સામાન્ય રીતે ટોલ ટેક્સ વસૂલી શકતું નથી. જોકે, આ જ કાયદામાં એક જોગવાઈ એવી પણ છે કે જો કોઈ દેશ ચોક્કસ પ્રકારની નેવિગેશનલ કે સુરક્ષા સેવાઓ પૂરી પાડતો હોય તો તે તેના બદલામાં સર્વિસ ફી વસૂલી શકે છે. ઈરાન કાયદાના આ જ છટકબારીવાળા નિર્દેશનો ઉપયોગ કરીને સેવાઓના નામે અબજો ડોલર કમાવવાની ફિરાકમાં છે.

અમેરિકાના પ્રતિબંધો અને આર્થિક કટોકટી કારણભૂત

વિશ્લેષકોના મતે, ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધોને કારણે તેનો દેશી રૂપિયો (ઈરાની રિયાલ) રેકોર્ડ નીચલી સપાટીએ પહોંચી ગયો છે. દેશમાં રોકડ અને વિદેશી હૂંડિયામણની ભારે અછત સર્જાઈ છે. તેથી પોતાની આર્થિક કટોકટી હળવી કરવા માટે તેહરાને આ રસ્તો અપનાવ્યો છે. જોકે, સાઉદી અરેબિયા કે અન્ય પ્રાદેશિક દેશો અથવા અમેરિકા-યુરોપના દેશો ઈરાનના આ નિર્ણયને સરળતાથી સ્વીકારે તેવી શક્યતા ખૂબ ઓછી છે. આ નિર્ણય અમલી બનશે તો દરિયાઈ માર્ગે થતા તેલના વેપાર પર ભારે અસર પડશે અને ક્ષેત્રીય તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે.