ઈરાનની ચાર દાયકાની યુદ્ધ તૈયારીએ અમેરિકાને મુશ્કેલીમાં મુક્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : ભારતીય સેનાના નિવૃત્ત લેફ. જનરલ કે.જે.એસ.ઢિલ્લનના મતે ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ સામે સંભવિત યુદ્ધની તૈયારીમાં ચાર દાયકા વીતાવ્યા હતા જેમાં પોતાની ટોચની લીડરશીપ સમાપ્ત થયા પછીની સ્થિતિ પણ સામેલ હતી. વોશિંગ્ટનમાં ઓઆરએફ અમેરિકાના એક સત્રમાં બોલતા તેમણે કહ્યું કે ઈરાનની તૈયારી અને વિકેન્દ્રિત સૈન્ય માળખાએ ભારે નુકસાન છતાં તેને પૂરી રીતે નષ્ટ થતા બચાવી લીધું.
ઢિલ્લન અમેરિકામાં તેમનું પુસ્તક 'ઓપરેશન સિંદૂરઃ ધી અનટોલ્ડ સ્ટોરી ઓફ ઈન્ડિયાસ ડીપ સ્ટ્રાઈક્સ ઈનસાઈડ પાકિસ્તાન' પ્રમોટ કરી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે ઈરાને 'મોઝેઈક ડોક્ટ્રિન' અપનાવ્યું, જેમાં તેણે પોતાની સેનાને ૩૧ સ્વતંત્ર મુખ્યાલયોમાં વહેંચી નાખી, જે કેન્દ્રિય લીડરશીપ સમાપ્ત થવા છતાં કામ કરવામાં સક્ષમ રહે.
તેમણે જણાવ્યું કે ઈરાનમાં એટ્રિશન વોરફેર (શત્રુને ધીમે ધીમે નબળો કરતી યુદ્ધ રણનીતિ) કરવાની ક્ષમતા હતી, જેનાથી એક નબળી તાકાત પણ વધુ મજબૂત દુશ્મન સામે લાંબો સમય સંઘર્ષ ચાલુ રાખી શકે છે.
ઈરાનની ભૌગોલિક સ્થિતિ પણ તેને રક્ષણાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ લાભ પ્રદાન કરે છે. તેની ચારે બાજુ આવેલા પર્વતીય ક્ષેત્ર જમીની આક્રમણને અત્યંત કઠિન બનાવે છે, જ્યારે આંતરિક ભાગમાં ભીષણ ગરમીને કારણે પડકારો વધુ વધી જાય છે.
શક્તિશાળી પારંપરિક વાયુસેના અથવા વિમાનવાહક જહાજ બનાવવાની બદલે, ઈરાને મિસાઈલો, વાયુ રક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વની હોર્મુઝ ખાડીની રક્ષા માટે ડિઝાઈન કરાયેલી ક્ષમતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.
ઢિલ્લને કહ્યું કે આ સંઘર્ષથી સૈન્ય આયોજનકારોને મહત્વપૂર્ણ બોધપાઠ મળ્યો છે.
કોઈપણ દેશે યુદ્ધમાં પ્રવેશ કરવા અગાઉ એક સ્પષ્ટ રાષ્ટ્રીય લક્ષ્ય નિર્ધારીત કરવું જોઈએ, તેમજ યુદ્ધ સમાપ્ત કરવાની ચોક્કસ રણનીતિ અપનાવીને વિજયના માપદંડ પણ નક્કી કરવા જોઈએ.
તેમણે એક પ્રભાવશાળી રણનીતિ પણ તૈયાર કરવી જોઈએ અને તણાવ નિયંત્રિત કરવો જોઈએ, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયેલ જેવા શક્તિશાળી વિરોધીઓનો સામનો કરતી વખતે આ બાબતો ખાસ યાદ રાખવી જોઈએ.









