Get The App

ઇઝરાયેલ સાથે અબ્રાહમ એકોર્ડમાં ઇરાન સામેલ થશે : ટ્રમ્પનો દાવો

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ઇઝરાયેલ સાથે અબ્રાહમ એકોર્ડમાં ઇરાન સામેલ થશે : ટ્રમ્પનો દાવો 1 - image

- ઇરાન સાથેની શાંતિ મંત્રણા યોગ્ય દિશામાં: અમેરિકન પ્રમુખ

- સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત અને જોર્ડનને અબ્રાહમ કરારનો હિસ્સો બનવા ટ્રમ્પનું દબાણ

- જો ડીલ થઈ તો કાયમી ધોરણે શાંતિ સ્થપાશે અને નહીં થઈ તો  અત્યંત વિનાશકારી મહાયુદ્ધ થશે: ટ્રમ્પની ચેતવણી

વોશિંગ્ટન : ઇરાન વહેલામાં વહેલી તકે ઇઝરાયેલ સાથે અબ્રાહમ એકોર્ડ કરી શકે છે આવો દાવો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. તેમણે ઇરાન સાથે ચાલતી શાંતિ મંત્રણામાં ખાડી દેશોની મદદ કરતાં સંકેત પાઠવ્યા કે ઇરાન અબ્રાહમ એકોર્ડનો હિસ્સો બની શકે છે. આ એ સમજૂતી છે જે આરબ અને ઇઝરાયેલને નજીક લાવી શકે છે. જો કે ઇરાને અમેરિકાની આ ટિપ્પણીનો કે દાવાનો કોઈ જવાબ આપ્યો નથી. 

હવે જો ટ્રમ્પની વાત સાચી સાબિત થાય છે તો પશ્ચિમ એશિયામાં એક નવી જ વૈશ્વિક વ્યવસ્થા બની શકે છે. ટ્રમ્પે મધ્યપૂર્વના આરબ દેશોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ઐતિહાસિક અબ્રાહમ સમજૂતીમાં સામેલ થવાથી આ સહયોગ વધારે મજબૂત થશે, કોણ જાણે છે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન પણ તેની સાથે જોડાય. ઇરાન હંમેશા માટે ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના સામાન્ય સબંધોનો વિરોધ કરે છે. ઇરાન અમેરિકાની મધ્યસ્થીથી થયેલા આ કરારોને પેલેસ્ટાઇન સાથે વિશ્વાસઘાત માને છે. બીજી બાજુએ ટ્રમ્પ ઇરાનને અબ્રાહમ સમજૂતીમાં લાવવાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ૨૦૨૫માં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી કરાવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇરાન પણ એક દિવસ તેમા જોડાશે. ઇરાનના વિદેશ મંત્રી અરાઘાચીએ  ત્યારે જણાવ્યું હતું કે ઇરાન તેમા ક્યારેય નહીં જોડાય. 

પાકિસ્તાને હજી સુધી ઇઝરાયેલને માન્યતા આપી નથી. પાકિસ્તાનની સ્થાપના મુસ્લિમ ઓળખ અને પેલેસ્ટાઇન સમર્થનના રાજકારણ સાથે જોડાયેલી રહી છે. તેથી જો પાકિસ્તાન અબ્રાહમ સંધિમાં સામેલ થાય તો તેના ઘણા લાંબા સૂચિતાર્થ હશે. આ એટલો સંવેદનશીલ મામલો છે કે પાકિસ્તાન જો અબ્રાહમ સંધિમાં સામેલ થયું તો તેના દેશમાં બળવો સુદ્ધા થઈ શકે છે. આનો સીધો અર્થ એમ જ કરી શકાય કે પાકિસ્તાન ઇઝરોયેલને માન્યતા આપશે અને તેની પરંપરાગત પેલેસ્ટાઇન સમર્થક તરીકેની નીતિ પણ બદલાશે. જો કે પાક.ના ધાર્મિક ફિરકાઓ ઇઝરાયેલને અત્યંત નફરત કરે છે. ફક્ત પાકિસ્તાન જ નહીં બીજા અરબી શાસકોની પણ આવી જ સ્થિતિ છે. તેમને ત્યાં ઇઝરાયેલ સામેની નફરત એટલી છે કે તેની સાથે કરાર કરવા જતાં શાસન ગુમાવવાનો સમયપણ આવી શકે છે. 

ટ્રમ્પનો દાવો છે કે મુસ્લિમ દેશો આ સમજૂતીમા સામેલ થાય છે તો પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત મધ્યપૂર્વમાં સાચી શક્તિ, મજબૂતાઈ અને શાંતિ સ્થપાશે. આ એક એવો દસ્તાવેજ હશે જેનું સન્માન વિશ્વમાં બધે કરવામાં આવશે. તેનું મહત્ત્વ અને પ્રતિષ્ઠા બેજોડ હશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેની શરુઆત સાઉદી અને કતાર દ્વારા તાત્કાલિક સહી કરીને કરવામાં આવવી જોઈએ. તેના પછી બાકીના દેશોએ પણ તેનુ અનુસરણ કરવું જોઈએ. જો તેઓ તેવું કરતાં નથી તો તેમને સમજૂતીનો હિસ્સો ન બનાવવા જોઈએ, કેમકે આવું ન કરવું તે તેમના ખરાબ ઇરાદા દર્શાવે છે. આ સંધિ પર સહી કરનારા દેશોમાંથી એકપણ દેશ તેમાથી બહાર નીકળ્યો નથી, કારણ કે તેને તેમા ફાયદો થયો છે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે યુદ્ધ ખતમ કરવાની મંત્રણા સારી રીતે આગળ ધપી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય આવવામાં થોડો સમય લાગશે. તેનું કારણ તેની જટિલતા છે. અમેરિકા અને ઇરાને એક સમજૂતીની રૂપરેખા તૈયાર કરી લીધી છે. આવામાં ૬૦ દિવસ સુધી યુદ્ધવિરામ લંબાવી શકાય છે, જેથી બંને દેશ યુદ્ધ હંમેશા માટે ખતમ કરી શકે. આ દરમિયાન હોર્મુઝ ખોલી દેવાઈ છે અને તેમા ગોઠવાયેલી સુરંગો હટાવી દેવાઈ છે. નવો પ્રસ્તાવ ઇરાનની મંજૂરીની રાહ જોઈ રહ્યો હોવાનું કહેવાય છે.

ઇઝરાયેલ સાથેનો અબ્રાહમ કરાર શું છે?

અબ્રાહમ એકોર્ડ અમેરિકાની મધ્યસ્થીથી ૨૦૨૦માં તૈયાર કરવામાં આવેલી ઐતિહાસિક સમજૂતી છે. તેનો હેતુ આર બ દેશો અને ઇઝરાયેલ વચ્ચેની દુશ્મની ખતમ કરીને કૂટનીતિક અને વ્યાપારી સંબંધો સામાન્ય બનાવવાનો છે. કોરોના કાળમાં થયેલી આ સમજૂતીમાં સૌથી પહેલા બહેરીન અને યુએઈ જોડાયા. તેના પછી મોરોક્કો અને સુદાન પણ સામેલ થયા હતા.

 આ સમજૂતીનો હેતુ ઇઝરાયેલ અને આરબ દેશોને એકસાથે લાવીને મધ્યપૂર્વમાં ઇરાનના વધતા પ્રભાવનો સામનો કરવાનો હતો.